સાયણ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી ચડ્ડી બનીયાનધારી ટોળકી પાંચ સોસાયટીઓને પોતાના નિશાના પર રાખી ચોરીની મોટી ઘટનાને અંજામ આપવા આંટા ફેરા કરતી હોવાથી લોકો ભયભીત બન્યા છે. જેનું કારણ મધ્ય રાત્રીએ આવતી ચોર ટોળકીએ અત્યાર સુધી બે બંધ ઘરમાં ચોરી કર્યા, બાદ સતત રાત્રીના આવીને સોસાયટીના ઘરોની રેકી કરીને ભાગી જતી હોવાનું સી.સી.ટીવીમાં રેકોર્ડ થયેલી ગતિવિધિ પરથી નોધાયું છે. હથિયાર સાથે આવતી ટોળકી ચોરીની ઘટનાને અંજામ આપવાની પેરવીમાં હોવાની ચર્ચા છે.
સાયણ વિસ્તારમાં બંધ ઘર અને દુકાનો નિશાનો બનાવતી ચોરીની ઘટનાને અંજામ આપતી આવેલી ચોર ટોળકીએ અત્યાર સુધીમાં ઘણી ચોરીની ઘટનાને અંજામ આપવા છતાં, તપાસમાં પોલીસે આજદિન સુધી ચોર ટોળકીને પકડી શકી નથી. હાલ સ્કૂલોમાં ઉનાળું વેકેશન સાથે લગ્નની મોસમ હોય ત્યારે ઘર બંધ કરીને બહાર ગામ જતાં લોકોના ઘરોની રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપતી ટોળકી ફરીવાર સાયણ વિસ્તારમાં સક્રિય થઈ છે.
12 મેની મોડી રાત્રીના 1 વાગ્યા બાદ આવેલી ચડ્ડી બનીયાન ધારી ટોળકીએ સાયણ ગોથાણ રોડ પર આવેલ કૈલાશ નગર સોસાયટીમાં બંધ ઘરને નિશાનો બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યાં બાદ, ગાયત્રી નગર, અંબિકા, આરાધના સોસાયટીમાં બંધ ઘરોની રેકી કરતાં આ સોસાયટીઓમાં નિષ્ફળ જતાં અંતે સાઈબંગલો સોસાયટીમાં એક બંધ ઘરના દરવાજા તોડ્યો હતો, પરંતુ નિષ્ફળતા મળી હતી. સામાનને નુકશાન કરી ચોર ટોળકી ભાગી ગઈ હતી.
રાત્રીના ચોર ટોળકી આવી હોવાની માહિતીએ અંબિકા નગર સોસાયટીમાં રહેતા ધીરૂભાઈ મનાણીએ પોતાના ઘરે લગાવેલા સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ જોતાં હથિયાર સાથે ચડ્ડી બનીયાન ધારી ટોળકી આવી હોવાનું નોધાયું છે. પાંચ જેટલા ચડ્ડી બનીયાનધારીઓ સોસાયટીના તમામ ઘરોએ જઈને રેકી કરી હતી. સાયણ ગોથાણ રોડ પરથી શેરડીના ખેતરમાં થઈને આવી સોસાયટીઓમાં ઘરે ઘરે ફરતી ચોર ટોળકી છેલ્લા એક અઠવાડીયાથી આ પાંચ સોસાયટીમાં ફરી રહી છે.
12 તારીખ બાદ સાયણ ગામની પાંચ સોસાયટીમાં આંટા ફેરા કરતી ચડ્ડી બનીયાન ધારી ટોળકીથી અહીંના લોકો ભયભીત બન્યા છે. ચોરી થવાની ઘટના બાદ સાયણ પોલીસમાં લેખિત અરજી સાથે રાત્રી પેટ્રોલીંગ કરવા બાબતની રજૂઆત કરવા છતાં પોલીસે ગંભીરતા નહી લેતા 18 તારીખની રાત્રે ફરીવાર ચોર ટોળકી જોવા મળી હતી.
જ્યારે એક અઠવાડીયાથી રાત્રીના સમયે સતત આવતી ચોર ટોળકી સોસાયટીઓમાં મોટી ચોરીની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું લાગી રહ્યું છે. ચોર ટોળકીના આંટા ફેરાથી સતર્ક થયેલા સ્થાનિકો રાત્રીના જાગીને પોતાનો બચાવ કરવાની કોસીસ કરતાં લોકોની ઊંઘ હરામ થઈ છે.
સી.સી.ટી.વી. ફૂટેજ જોતાં હથિયાર સાથે દેખાતા જીવને પણ જોખમ
ગાયત્રી નગર, અંબિકા નગર, આરાધના નગર, સાઈબંગલો, કૈલાશ નગર મળી, પાંચ સોસાયટીમાં એક અઠવાડીયાથી આંટાફેરા કરી રહી છે. સી.સી.ટીવીમાં રેકોર્ડ ફૂટેજ જોતાં હથિયાર સાથે આવતી ચોર ટોળકી એટલી ઘાતક છે, કે જેનાથી જીવને પણ મોટું જોખમ છે. ત્યારે સોસાયટીના તમામ ઘરોની સતત રેકી કરતી ટોળકીએ લોકો ભયભીત છે. પોલીસે ગંભીરતાથી કામગીરી કરવી જરૂરી છે. -ધીરૂભાઈ મનાણી, પંચાયત સભ્ય
તાત્કાલિક અસરથી રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવા સૂચના આપી છે
સાયણ વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાં રાત્રિના ચોર ટોળકી આવતી હોવાની સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે રજૂઆતની ગંભીરતાને લઈને તાત્કાલિક અસરથી રાત્રી પેટ્રોલીંગ ચાલુ કરવાની સૂચના આપી છે, સાથે સોસાયટીઓમાં રાત્રીના હોમગાર્ડ જવાનોને આ સોસાયટીમાં મૂક્યા છે. - એમ.એ. ચૌહાણ, પીએસઆઈ, સાયણ ચોકી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.