અકસ્માત:સુરત-દાંડી રોડ પર બાઇક સ્લીપ થતા પાછળ બેસેલા યુવકનું મોત

ઓલપાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેલુકમાં રહેતા યુવકોને નરથાણ પાસે અકસ્માત નડ્યો

સુરત-દાંડી રાજ્યધોરી માર્ગ ઉપર નરથાણ ગામ પાસે તાપ્તીવેલી સ્કુલની સામે બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક પાછળ સવારી કરી રહેલ એક શ્રમજીવી યુવકને યમરાજ ઘટનાસ્થળેથી જ ઉપાડી ગયા છે. જયારે ઈજાગ્રસ્ત બાઈક ચાલક યુવક હાલ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે. સુરત શહેર-ડભોલી ગામનો વતની ચેતન સુક્કડભાઈ રાઠોડ (26)હાલ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના વેલુક ગામના હળપતિવાસમાં રહેતો હતો.

આ શ્રમજીવી યુવક ચેતન રાઠોડ ગત મંગળવાર,તા.03 ના રોજ સાંજે 4.00 કલાકના સુમારે વેલુક ગામના હળપતિવાસમાં રહીશ ભરત ગોવિંદભાઈ રાઠોડ સાથે તેના કબજાની મોટર સાયકલ નંબર-GJ-05,HW-6572 પાછળ સવારી કરી સુરત-દાંડી રોડ ઉપર જઈ રહ્યો હતો.તે સમયે ભરત રાઠોડ તેના કબજાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. જયારે બંન્ને બાઈક ઉપર સુરતથી નરથાણ જતા દાંડી રોડ ઉપર તાપ્તીવેલી સ્કુલની સામેથી પસાર થતા હતા. ત્યારે ભરત રાઠોડની બાઈક રોડ ઉપર સ્લીપ થઈ ગઈ હતી. જેથી સર્જાયેલા અકસ્માતમાં બાઈક રોડ બાજુની ગટરમાં ફંગોરાઈ ગઈ હતી.

જયારે બાઈક ચાલક ભરત અને બાઈક પાછળ સવારી કરી ચેતન રાઠોડ રોડ ઉપર પટકાતા ચેતન રાઠોડને માથા તથા શરીરે ગંભીર અને જીવલેણ ઇજા થવાથી તેને ઘટનાસ્થળે જ યમરાજનો ભેટો થઈ જવાથી તેનું મોત નીપજયું હતું.જયારે બાઈક હંકારી રહેલ ભરત રાઠોડને શરીરે ઓછી વધતી ઈજા થતા તેને સુરત ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ બાબતે મૃતકના ભાઈ અને સુરત શહેરના ડભોલી ગામે રહી કેટરીંગનો ધંધો કરતા ઉમેશ સુક્કડભાઈ રાઠોડે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...