ઓલપાડ તાલુકાના સાયણ રહેતા મારા સાઢુભાઈએ જ તમારો ટેમ્પો સંતાડી રાખેલ હોવાનું મોબાઈલ રેકોર્ડિંગ આરોપીના સાઢુભાઈએ ટેમ્પો માલિકને સંભળાવી ટેમ્પો ચોરીની પોલ ખોલી હતી. જેના પગલે ટેમ્પો માલિક ચોરી ઘટનાના બે માસ પછી વકીલ રોકીને ઓલપાડ પોલીસમાં પહોંચ્યો હતો. તેમણે ડ્રાઇવરે બે લાખની કિંમતનો ટેમ્પો ચોરીને સંતાડી રાખેલ હોવાની ફરિયાદ નોંધાવી છે.
કારેલી ગામ પાસે ગંધાધરાની રૂદ્રાક્ષ સોસાયટીના મકાન નં-122 માં શિવાજી પવાર પરિવારજનો સાથે રહી વેપાર-ધંધો કરે છે. તેમણે ધંધાર્થે લીધેલો અશોક લેલન કંપનીનો સેકન્ડ હેન્ડ ક્રીમ કલરનો રૂપિયા 2 લાખની કિંમતનો ટેમ્પો નં-(GJ- 05,BX-5430) હતો. ટેમ્પો સુરત લીંબાયત રહેતો અને તેમને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો અને મૂળ મહારાષ્ટ્ર રાજ્યના કિશોર ભગવાન કાળે(31) (સાયણ)ને 22 માર્ચે ટેમ્પોની બાકી લોન ભરવાની શરતે આપી દીધો હતો. જો કે ડ્રાઇવરે ટેમ્પોની બાકી લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા ટેમ્પો માલિકને નોટીસ ફટકારાતા તેઓ ચોંકી ગયા હતા.
ટેમ્પો ડ્રાઇવર કિશોર કાળેનો ગત 27 માર્ચે મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો, જે સમયે કિશોર કાળેએ કહ્યું કે, ટેમ્પો તો મારા ઘરના આંગણામાં જ છે. જેથી તેઓ 1 એપ્રિલે ત્યાં તપાસ કરવા ગયા, ત્યારે ટેમ્પો સ્થળ ઉપર ન હતો. કિશોર કાળેએ કહ્યું કે,તમારો ટેમ્પો દોઢ માસથી આંગણામાં હતો અને હું બીજો ટેમ્પો હંકારતો હતો,પરંતુ 25થી તા-26માર્ચના સમય ગાળા દરમ્યાન ચોરાય ગયો હતો. જેથી મે ગત 02 એપ્રિલે સુરત,લીંબાયત પોલીસમાં ટેમ્પો ચોરીની અરજી પણ આપી હતી. જો કે ફરિયાદીને શંકા ગઈ હતી કે, કદાચ ટેમ્પો બેંકવાળા રીકવરીમાં લઇ ગયા હોઈ શકે.
પરંતુ તપાસમાં બેંક દ્વારા ટેમ્પોનો કબજો ન લેવાયો હોવાનું માલુમ પડ્યું હતું. જો કે હાલમાં કિશોર કાળેના સાઢુભાઇ અશોક ઉગલેએ ભોગ બનનાર ટેમ્પો માલિકને જાણ કરી હતી કે, મારા બીજા સાઢુભાઇ જ્ઞાનેશ્વરે ફોન ઉપર કહ્યું હતું કે, કિશોર કાળેનો મારા ઉપર ફોન આવેલ હતો અને જણાવ્યું હતું કે, આ ટેમ્પોની ચોરી થઈ નથી,પરંતુ મેં સંતાડી દીધેલ છે. આ પ્રકારનું રેકોર્ડીંગ અશોક ઉગલેએ ટેમ્પો માલિકને સંભળાવ્યું હતું. જેના પગલે ઓલપાડ પોલીસમાં ટેમ્પો ડ્રાઇવર કિશોર કાળે વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.