અકસ્માત:વીજ ટ્રાન્સર્ફોમર માટે ખાડા ખોદી રહેલા શ્રમિકનું વાન અડફેટે મોત

ઓલપાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ તાલુકાના દેલાડ ગામ પાસે બનેલી અકસ્માતની ઘટના

ઓલપાડ તાલુકાના દેલાડ ગામ નજીક મારૂતિવાનના ચાલકે યુવક ને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વિગત મુજબ મુળ દાહોદનો વતની નરવતભાઇ ચંદુભાઇ નાયક (ઉ.વ.૫૭) હાલ કામરેજમાં રહી સાયણ ખાતે DGVCL કંપનીમાં ટ્રાન્સફોર્મરના ખાડા ખોદી અર્લીંગનું કામ કરતો હતો.

ગત મંગળવારના રોજ ઓલપાડ તાલુકાના દેલાડ ગામે રોયલ એસ્ટેટ ખાતે તેના અન્ય સાથી શ્રમજીવીઓ સાથે DGVCL કંપનીના ટ્રાન્સફોર્મરના ખાડા ખોદી ત્યારે એક મારૂતિવાન નં.જીજે-૦૫, આર.ઈ-૪૭૪૫ નો ચાલક લાલજી છગનભાઇ મકવાણા(રહે ઉમરા ગામ) એ ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં તેને શરીરે ઇજાઓ થઈ હતી.

જેથી તેને સારવાર અર્થે સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બાબતે મૃતકના નાના ભાઈ રણજીત ચંદુ નાયકે ગત બુધવાર,તા.11 ના રોજ મોડી સાંજના સુમારે ઓલપાડ પોલીસ મથકમાં મારૂતિવાન ચાલકે તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી નરવતભાઇને ટક્કર મારી મોત નીપજાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...