છેતરપિંડી:બોગસ વીજબિલ બનાવી DGVCL સાથે છેતરપિંડી કરનારા 6 વિરૂદ્ધ ગુનો નોંધાયો, ફેક્ટરીના માલિકો સાથે મિલીભગતમાં ઓછા યુનીટ સાથે ખોટા બિલ બનાવી રોકડની તોડ બાજી કરાતી હતી

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રીડર પરેશ પરમાર અને એજન્ટ ધીરૂ વેકરીયાએ કામરેજના ધોરણ પારડી બાદ દેલાડ ગામે ખોટા બિલ બનાવ્યા

ડીજીવીસીએલ દ્વારા મીટર રીડીંગ લેવા માટેનું ખાનગી એજન્સી પાસે કામ કરવામાં આવતું હતું. ત્યારે મીટર રીડર દ્વારા ખાનગી એજન્ટ સાથેની સાથ ગાંઠમાં રોકડી કરવાની પેરવીમાં કંપનીનાં માલિકો સાથે મળીને વીજ વપરાશ કરતા ઓછા યુનિટનું ખોટું બિલ આપી રોકડ રકમની તોડ બાજી કરતા હતા. આ ટોળકીએ કામરેજ તાલુકાના નવી પારડી ખાતેની ફેક્ટરીના માલિકો સાથે પાડેલા સેટિંગ મુજબ ઓલપાડના દેલાડ ગામે કર્યું હોવાનું વીજ કંપનીના ઉપરી અધિકારીઓના ધ્યાને આવતા તપાસ કરતા મીટર રીડરો દ્વારા રીડીંગ ઓછુ બતાવી વચેટિયા સાથેના સેટિંગમાં ખોટા બિલ આપી કંપની સાથે છેતરપીંડી કરવાની ઘટનામાં 6 વિરૂદ્ધ ગુનો નોધાવ્યો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મીટર રીડીંગ માટેની કામગીરી માટે પીએમ એજન્સીને કામીગીરી સોપવામાં આવી હતી. આ એજન્સી દ્વાર રોકવામાં આવેલા મીટર રીડરો દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યારે ગત તારીખ 4/7/2020ના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વડી કચેરીના અધિકારીઓ દ્વારા ઓલપાડ તાલુકાના દેલાડ ગામે વીજ જોડાણોની તપાસ કરતા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મયંકભાઈ બાબુભાઈ સવાણીના મીટરનો વપરાશ ચેક કરતા તેમને મીટર રીડર રવિ ભુપતભાઈ મેઘાણી (હાલ રહે બી.63 મારૂતિધામ સોસાયટી ઉમરા ગામ મૂળ રહે મોટા કોટડા, વિસાવદર, જુનાગઢ) એ આપેલ વીજ બિલના રીડીંગમાં ચકાસતા યુનિટનું ઓછુ બિલ બનાવી 1,95,454ની વીજ કંપની સાથે ગેરરીતી કર્યાનું નોધાયુ હતુ. ત્યારે આ રીતે કરવા બાબતની પૂછતાછ કરતા તેના નિવેદન મુજબ પી.એમ.એજન્સીના સુપરવાઈઝર જીગ્નેશ પરશુરામ શ્રાવણે (રહે નંદની હોમ્સ ઉમરગામ મૂળ રહે વાયતી, હિગોલીયા મહારાષ્ટ્ર )એ રવિને ફોન કરી મયંક સવાણી અને હરેશભાઈ વિઠ્ઠલભાઈ ખુંટ ઓસ્કાર ઇન્ડસ્ટ્રી દેલાડએ બંનેના પોગ્રામ મુજબ બિલ નહી બનાવવા કહી પાછળથી ઓછા રીડીંગ નાખી બિલ બનાવડાવી રોકડ નાણા થઈ વહીવટ કરાતો હતો.

જીગ્નેશ શ્રવણેની પૂછપરછમાં આપેલી માહિતી મુજબ હાલ કીમ ડીવીઝનમાં મીટર રીડર તરીકે કામ કરતો પરેશ અમરતભાઈ પરમાર (રહે.કીમ શુભમ રેસીડેન્સી, તપોવન સ્કૂલની બાજુમાં)એ જીગ્નેશને મળી તેની પાસે રાખેલા મયંક સવાણીના બિલમાં રીડીંગ ઓછા કરી બીજું બિલ બનાવી આપવાનું કહેતા જીગ્નેશે આવું કરવાની નાં પાડતા અંતે ખાનગી એજન્ટ ધીરૂ ગોપાલ વેકરીયા સાથે ટેલીફોનીક ચર્ચા કરાવી સેટિંગ કર્યું હતું. જીગ્નેશે તેના હાથ નીચે કામ કરતા રવિ મેઘાણીને કહી ઓછા રીડીંગ થઈ ખોટા બિલ બનાવી રોકડ રકમનો વહીવટ કર્યો હતો.

નવા મીટર અપવાવવાનું ખાનગી કામગીરી કરતો ધીરૂ વેકરીયા અને રીડર રવિ મેઘાણી તથા પરેશ પરમાર અને સુપરવાઈઝર જીગ્નેશ શ્રવાણેએ મયંક બાબુભાઈ સવાણી તથા હરેશભાઈ વિઠ્ઠલ ખુંટ સાથે મળી મયંક સવાણીને 27070 યુનિટનું 1,95,454 લાખનું ઓછુ બિલ આપવા સાથે હરેશ ખુંટને પણ 27137 યુનિટનું 1,76,408 લાખનું ખરેખર મીટર રીડીંગ કરતા સોફ્ટવેરમાં ઓછુ રીડીંગ બતાવી ખોટું બિલ આપી કુલ 3,71,863 ના ખોટા બિલ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જે ગુનો કરતા 6 વિરૂદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે મીટર રીડર પરેશ પરમાર અને ખાનગી એજન્સી ચલાવતો ધીરૂ વેકરીયાએ એક સરખી મોડસ ઓપરેન્ડી મુજબ કામરેજના ધોરણ પારડી બાદ દેલાડ ગામે ખોટા બિલ બનાવી વીજ કંપની સાથે મોટી છેતરપીંડી કરી હોવાનું પણ નોધાયું છે.

વચેટિયા ધીરૂ વેકરીયાને ઓલપાડ પોલીસ ટ્રાન્સફર વોરંટથી લાવશે
ડી.જી.વી.સી એલના નવા મીટર અપવાવવાનું ખાનગી કામગીરી કરતો ધીરૂ ગોપાલ વેકરીયા કે જે મીટર રીડરને રોકડ રકમ આપી ફેક્ટરી માલિકો સાથેના સેટિંગમાં વીજ બીલમાં ઓછા રીડીંગ કરી આપવાની ગેરકાયદે કામગીરી કરાવતો આવ્યો હતો. અગાઉ કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે પણ આ રીતે કરતા પોલીસમાં તેના વિરૂદ્ધ ગુનો નોધાવામાં આવ્યો હતો. સાથે અન્ય ગુનામાં તે પોલીસના હાથે લાગતા હાલ તે લાજપોર જેલમાં હોઈ ઓલપાડ પોલીસ તેનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...