ઓલપાડ કોલેજ અને નહેરૂ યુવા કેન્દ્ર-સુરતના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ઓલપાડ ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં “આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.તેના ભાગરૂપે સુરત ફાયર,પોલીસ અને એમ્બ્યુલન્સ વાહનોના પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જયારે ઓલપાડ કોલેજના બીજા માળના રૂમમાં લાગેલી આગમાં ફસાયેલા ત્રણ સ્ટુડન્ટોને બચાવવા ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કાર્યક્રમ પણ યોજાયો હતો.
વિગત મુજબ ગત તા-04, મંગળવાર ના રોજ”આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ”ની ઉજવણીના ભાગરૂપે ઓલપાડ આર્ટ્સ,કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સુરત-મોરાભાગળ ફાયર સ્ટેશનના જવાનોની ટીમે ફાયર મોકડ્રીલ કાર્યક્રમ યોજ્યો હતો.ઓલપાડ કોલેજમાં યોજાયેલ આ “મોકડ્રીલ” કાર્યક્રમમાં કોલેજના બીજા માળના રૂમમાં અચાનક આગ ભભૂકતા 3 કોલેજીયનો ફસાયા હોવાથી કોલેજના સત્તાધીશોએ ત્વરિત સુરત ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્રને જાણ કરી હતી.જેના પગલે ફાયર જવાનો અગ્નિશામક સાધનો સાથે તથા સ્થાનિક પોલીસ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને સરકારી તંત્રના અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જયારે અગ્નિશામક સાધનો સાથે ઘટના સ્થળે પહોંચેલ ફાયર ટીમના જવાનોએ ભભૂકેલી આગને કાબુમાં લઈ રૂમમાં ફસાયેલ ત્રણે સ્ટુડન્ટોને સલામત બચાવી લીધા હતા.
જયારે આગ ઘટનાથી ગભરાયેલા ત્રણે સ્ટુડન્ટોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા તાકીદે સારવાર આપવામાં આવી હતી.જો કે આ તો ફાયર જવાનોનો મોકડ્રીલ કાર્યક્રમ હોવાનું લોકોને માલુમ પડતા તેઓએ મુખના સ્મિત સાથે હાંશકારો લીધો હતો.આ પ્રસંગે ફાયર બ્રિગેડના ઓફિસરોએ કોલેજના સ્ટુડન્ટોને ઈમરજન્સી સમયે શું કરવું અને શું ન કરવું?તેની સમજ આપી હતી.જયારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં 108 એમ્બ્યુલન્સમાં કયા-કયા પ્રકારની સામગ્રીઓ ઉપલબ્ધ છે તથા તે સાધનોથી સારવાર કરી કેવી રીતે જીવ બચાવી શકાય? તેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રદર્શન કાર્યક્રમ બાદ ઓલપાડ કોલેજથી પોલીસ સ્ટેશન સુધી ટ્રાફિક અવેરનેસ માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં એન.સી.સી.- એન. એસ. એસ. વોલેન્ટિયર, એન.વાય.કે.એસ.ના વોલેન્ટિયર્સ, ઓલપાડ પોલીસ સ્ટાફ, ફાયર જવાનોનો સ્ટાફ,108 એમ્બયુલન્સ સ્ટાફ તથા જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં જોડાયેલા સ્ટુડન્ટોએ ઓલપાડ પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા પોલીસ તંત્રએ આ રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવાનો તથા ગામ લોકોને ટ્રાફિક જાગૃતતા આપવાનો હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે ઓલપાડ પોલીસની પીસીઆર વાન તથા જિલ્લા ટ્રાફિક પોલીસની વાનના કર્મીઓએ પોતાના ઇક્વિપમેન્ટનું માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.