દેલાસા અને કપાસી ગામ ની મધ્યેથી પ્રસાર થતી અરબી સમુદ્રને જોડતી સેના ખાડી પર બ્રીજ બનાવવાની 1970 માં કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રીજની મહત્તમ કામગીરી પૂર્ણ થયાબાદ વહીવટી કારણોસર કામગીરી અટકી જતાં 52 વર્ષ સુધી પડી રહેલો બ્રીજ ખંડેર થયો. ત્યારે કોંગ્રેસનાં રાજમાં અધૂરો રહેલો અને ખંડેર થયેલા બ્રીજની જગ્યાએ 23 કરોડના ખર્ચે નવો બ્રીજ બનાવવાની કામગીરીને રાજ્ય સરકારે મંજૂરી આપી હોવાની ગુરૂવારે સવારે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનની મળેલી કારોબારી બેઠકમાં રાજ્ય સરકારના કેબિનેટમંત્રી મુકેશભાઈ પટેલે જાહેરાત કરવામાં આવી હતી.
ઓલપાડ તાલુકાની જનતાને ચોર્યાસી તાલુકાના હજીરા પતિના ગામો સુધી જવા માટે 40 કિલોમીટર થી વધુનો ફેરાવો થતો હોય જેથી સમયની સાથે નાણાંકીય વ્યય અને મોટી હેરાનગતિ થતી આવી છે. ત્યારે ઓલપાડ તાલુકાની જનતાની મુશ્કેલી ઉકેલવા માટે ગત વર્ષ 1970 ની કોંગ્રેસ સરકાર દ્વારા દેલાસા અને કપાસી ગામની મધ્યેથી પ્રસાર થતી અરબી સમુદ્રને જોડતી સેના ખાડી પર બ્રીજની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે બ્રીજની મહત્તમ કામગીરી પૂર્ણ થયાબાદ વહીવટી કારણોસર અચાનક કામ બંધ થયા બાદ વર્ષો સુધી અધૂરી રહેલી કામગીરી પૂર્ણ ન કરવા સાથે જ વહીવટી તંત્રની લાપરવાહી અને અધિકારીઓની નફ્ફટાઇથી બ્રિજ ખંડેર થયો હતો.
બ્રીજના અભાવે તાલુકાની જનતાને પડતી મુશ્કેલી ઉકેલાય બાબતને ધ્યાનમાં લઈને 20 જાન્યુઆરી 2015 ના રોજ દેલાસા કપાસી બ્રીજ બાબતનો દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયેલ. આ સમયે તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લોક સંવાદ સેતુ કાર્યક્રમ દરમિયાન દેલાસા કપાસી બ્રિજ બાબતે ધારાસભ્ય મુકેશ પટેલે રજૂઆત કરાતા મુખ્યમંત્રીએ નવો બ્રીજ બનાવવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારાબ્રીજની કામગીરી બાબતે સરકારમાં સતત રજૂઆત કરતાં હાલ જ્યારે તેઓ રાજ્ય સરકારમાં મંત્રી હોય તેમની રજૂઆતને પગલે અંતે 50 વર્ષ બાદ દેલાસા કપાસી બ્રિજની કામગીરી ને મંજૂરીની મહોર લાગી છે. ગુરૂવારે સવારે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનની મળેલી કારોબારી બેઠકમાં હાજર રાજ્ય સરકારના કૃષિમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ 23 કરોડના ખર્ચે નિર્માણ થનાર દેલાસા-કપાસી બ્રિજ 38 ગામોના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
40 કિમીનું અંતર ઘટીને 10 કિમીનું થઇ જશે
દેલાસા કપાસી બ્રીજનો ઓલપાડ તાલુકાના કાંઠાના 38 ગામની 30 હજારથી વધુ લોકોને સીધો લાભ મળશે. હાલ ઓલપાડ તાલુકાના કાંઠાના ગામથી હજીરા સુધી પહોંચવા માટે 40 કિલોમીટરથી વધુનું લાંબું અંતર કાપવું પડતું હોય જે બ્રીજ બનવાથી માત્ર 10 કિલોમીટર માં જ પૂરું થશે. આ બ્રીજ બનવાથી ઓલપાડ તાલુકા સાથે હજીરા ટુકા અંતરે જોડાશે. જેથી ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં નવા ઉદ્યોગો આવતા અને ઓલપાડ તાલુકાના યુવકો હજીરા જવાથી રોજગારી પણ મળતી થશે.
કાંઠા વિસ્તારના 30 હજારથી વધુ લોકોને લાભ
ઓલપાડ વિધાનસભામાં જયારે કોંગ્રેસ રાજ કરતી હતી,તે સમયે ઓલપાડ તાલુકાના દેલાસાથી કપાસી ગામને જોડતા બ્રિજનો માત્ર પાયો નાંખી કામ અધુરૂં છોડી દીધું હતું.પરંતુ ભાજપ સરકારે આ બ્રિજ માટે રૂપિયા 23 કરોડ મંજુર કરાવ્યા છે. જે બ્રિજના નિર્માણથી દરિયાઈ પટ્ટીના હજીરા-તેના- ઓલપાડ રાજ્યધોરી માર્ગ સાથે જોડાણ થવાથી તાલુકાના 38 ગામોના લોકોને ચકરાવામાંથી મુક્તિ મળશે. - મુકેશ પટેલ, રાજય સરકાર મંત્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.