ઓલપાડ તાલુકાના શેરડી ગામે સુરત શહેરના ગુમ થયેલ એક યુવકની સળગી ગયેલ લાશ શેરડીના ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જો કે મૃતક યુવક વિજય નટુભાઇ પંડ્યાની સળગેલી લાશ શંકાસ્પદ હાલતમાં મળતા પોલીસે ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ,સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના વેડ રોડ ખાતેની બહુચર નગર સોસાયટીમાં વિજય નટુભાઇ પંડ્યા(32) ના લગ્ન છ માસ પહેલા ભૂમિબેન સાથે થયા હતા. તે સુરત ખાતે હીરા ઘસી પત્ની ભૂમિ સાથે રહેતો હતો, જયારે તેના માતા-પિતા અમદાવાદ ખાતે રહેતા હતા.
જયારે કોઈક કારણોસર ગત મંગળવાર,તા.03 જાન્યુઆરીના રોજ તે ઘરેથી ગુમ થયો હતો. જેથી આ બાબતે તેની પત્નીએ સુરત શહેરના ચોક બજાર પોલીસ મથકમાં ગુમ થયા બાબતની પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકનો મોબાઇલ ચાલુ હોવાથી ગુરૂવાર, તા 05 ના રોજ મોબાઈલ ઉપર રીંગ કરતા વિજય પંડ્યાના મોબાઈલ ફોનનું લોકેશન ઓલપાડ તાલુકાના શેરડી જણાયું હતું.જેથી પોલીસે ત્યાં જઈ મોબાઈલ ફોન ઉપર ફરી રીંગ કરી શોધખોળ કરતા વિજય પંડ્યાની સળગી ગયેલ લાશ ગિરીશભાઈના સળગેલ શેરડીના ખેતરમાંથી મળી આવી હતી.
ઓલપાડ પોલીસે મૃતકની લાશનો કબજો લઈ તેના પરિવારને જાણ કરતા મૃતકની પત્ની ભૂમિબેન તથા તેનો મિત્ર જીતુ રાઠોડ સાંધીએર પીએચસી ખાતે પહોંચી લાશની ઓળખ સમયે મૃતકના કપડાં બળી ગયેલ હતા,પરંતુ તેના હાથમાં પહેરેલ બ્રેસલેટ અને સફેદ કલરના બુટના આધારે આ લાશ વિજય પંડ્યાની જ હોવાની ઓળખ કરી હતી .
જો કે,PHC ઉપર ફરજ પરના તબીબ ડોક્ટર રાજેશ ગુર્જરે તેની લાશ સળગાવેલ છે? કે પછી શેરડીના ખેતરમાં શેરડી સળગવાથી તે સળગી ગયેલ છે? આ બાબતની શંકા જતા પોલીસ ને તેની લાશનું ફોરેન્સિક પીએમ કરાવવાનું કહ્યું હતું.જેથી વિજય પંડ્યાની લાશ ફોરેન્સિક પીએમ માટે સુરત નવી સિવિલ લઇ જવાઇ હતી.જેનો રિપોર્ટ આવ્યા બાદ મોત અંગે ખુલાશો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.