ઓલપાડ તાલુકાની માસમાં ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિશાલ બારૈયા વિરૂધ્ધ ગત ફેબ્રુઆરી મહિનામાં રૂ.18 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ તલાટી કમ મંત્રીને શનિવારે ઓલપાડ પોલીસ વેરાની રસીદો વાળી બુકો શોધવા માસમા ગ્રામ પંચાયત કચેરીએ લઇ આવી હતી. જોકે બુક મળી ન હોવાનું ઓલપાડ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં માસમા ગામના લોકો દ્વારા હજી પણ 118 જેટલી બોગસ વેરાની રસીદો ભેગી કરવામાં આવી છે. તે અંગે પણ કાર્યવાહી કરવાની તૈયારી ગામ લોકોએ કરી છે.
આ ઘટના અંગે ઓલપાડ તાલુકાના માસમા ગામના ખેડૂત નટવરભાઇ હીરાભાઇ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, માસમાં ગ્રુપ ગ્રામ પંચાયતને પારદર્શિ તલાટી કમ મંત્રીની કાયમી જરૂર છે. હાલ ઇન્ચાર્જ તલાટી કમ મંત્રીથી કામ ચલાવાઇ રહ્યું છે. વિશાલ બારૈયા જ્યારે તલાટી કમ મંત્રી હતા ત્યારે થયેલા ગેરવહીવટો ઉઘાડા પડી જતા તેમની વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. હજી પણ બોગસ વેરાની રસીદો મળી રહી છે.
ગ્રામ પંચાયતની હદમાં આવતા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ વિશાલ બારૈયાએ બોગસ વેરાની રસીદો આપીને રૂપીયા મેળવી લીધા બાદ તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી ન હતી. હજી પણ ગામલોકોને તલાટી કચેરીએથી વિશાલ બારૈયાના કાર્યકાળ દરમિયાન અપાયેલી બોગસ વેરાની રસીદો મળી રહી છે ત્યારે માસમા ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારીને વધુ આ અંગે ફરિયાદ કરવાની તૈયારી કરી છે.
માસમાના ખેડૂત અને આતલાટી કમ મંત્રી વિશાલ બારૈયાના અઢી વર્ષના કાર્યકાળમાં ગ્રામ પંચાયતના માજી સરપંચ તેમજ ડે.સરપંચની અધ્યક્ષતામાં માસિક મિટીંગો પણ મળતી હતી, જેમાં માસમા ગ્રુપ ગ્રામ પંચાયતનાં આવક-જાવકના હિસાબો પણ રજૂ થતા હતા. તો આ પ્રકારનો ગેરવહીવટી માજી સરપંચ અને ડે.સરપંચને કેમ ધ્યાને આવ્યો નહીં તે પ્રશ્ન ગામ લોકો ઉઠાવી રહ્યા છે.
નકલી રસીદો ક્યાં છપાઇ તેની પણ તપાસ કરો
ઓલપાડ પોલીસ મથકે ગત ફેબ્રુઆરી મહિનામાં તલાટી કમ મંત્રી વિશાલ બારૈયા વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ પણ બોગસ રસીદો મળવાનો સિલસીલો યથાવત રહ્યો છે. ગ્રામ પંચાયત કચેરીમાં વેરો ભરવા માટે જતા લોકોએ ભરેલા વેરાનો સરકારી ચોપડે આજદિન સુધી કોઇ રેકોર્ડ મળ્યો નથી ત્યારે આ રસીદો તલાટી કમ મંત્રીએ ક્યાં અને કોના મેળાપીપણામાં છપાવી તે પણ તપાસનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.