રેશમના ભાવોમાં થયેલા વધારાને કારણે સાઉથના માર્કેટના વિવર્સો દ્વારા સાડીનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે, જેને કારણે સુરતના જરી ઉદ્યોગ પર અસર પડી છે. જ્યાં સુધી સુધી સ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી જરીના ઉત્પાદનમાં 50 ટકા કાપ મુકવાનો નિર્ણય સુરત જરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.
દક્ષિણમાં કમોસમી વરસાદને કારણે રેશમના પાકને નુકસાન થયું છે. જેથી રેશમના ભાવ વધતાં આંદ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના સાડીના વીવર્સને પુરતા ભાવ ન મળતા ઉતપાદન બંધ કરી દીધું છે. જેથી સુરતના જરી ઉદ્યોગ પર અસર થઈ છે. જૂના પેમેન્ટ પણ ફસાઈ ગયા છે. એકમો બંધ થઈ રહ્યા છે. કામના કલાક ઘટાડાય તો મશીન વહેલા બંધ થવાથી જરીનો માલ કાળો પડી શકે છે. જેથી કસબના મશીનો સિંગલ ડેકથી ચલાવીને ઉત્પાદન 50 ટકા કરાશે. ઓર્ડર વગર માલ મોકલવામાં આવશે નહીં અને જૂના પેમેન્ટોની ઉઘરાણીની સામે જ માલની ડિલિવરી કરાશે.
એક-બે મહિના કામ બંધ કરીએ તો પણ ચાલે: વેપારીઓ
વેપારીઓ કહે છે કે, યુનિટો ચલાવવાના ફાંફા છે, કારીગરોની રોજી-રોટીનો પ્રશ્ન ઉભો થયો છે. માલનો ભરાવો થતાં એક બે મહિના સદંતર બંધ કરીએ તો પણ ફરક પડે તેમ નથી. સામે હોળીનો તહેવાર છે અને માર્ચ એન્ડિંગ સામે હોવાથી નાણાંભીડ છે. માટે હવે કેવા ફેરફાર લાવવા તે મુદ્દે નિર્ણય લેવા સુરત જરી મેન્યુફેક્ચરર્સ એસો.ની આગેવાનીમાં આંધ્ર-કર્ણાટક, વારાણસી સહિતના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.