ગ્રીષ્મા વેકરિયા હત્યાકેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા કરતાં પહેલાં જજ વિમલ કે. વ્યાસે મનુસ્મૃતિના એક શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું. આ શ્લોક હતો... यत्र श्यामः लोहिताक्षः दण्डः चरति पापहा प्रजाः तत्र न मुह्यन्ति नेता चेत् साधु पश्यति। આનો અર્થ ન્યાયશાસ્ત્ર અને દંડના વિધાન સાથે સંકળાયેલો છે. પુરાતન સમયમાં ન્યાય વ્યવસ્થા દ્વારા સમાજને કેવી સુચારુ રીતે ચલાવવામાં આવતો હતો એનું દૃષ્ટાંત આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. મહાભારતકાળમાં પણ યુધિષ્ઠિર આ જ દંડવિધાનને ટાંકીને યુવરાજ બન્યા હતા.
પ્રજાની સુખાકારીના મૂળ સિદ્ધાંતને વરેલો છે શ્લોક
यत्र श्यामो लोहिताक्षो दण्डश्चरति पापहा ।
प्रजास्तत्र न मुह्यन्ति नेता चेत्साधु पश्यति ॥२५॥
આ શ્લોકનો શબ્દાર્થ જોઈએ તો સીધેસીધો એવો અર્થ નીકળી શકે કે જ્યાં શ્યામ વર્ણ અને લાલ નેત્રોવાળા તથા પાપો (પાપીઓ)નો નાશ કરનારા 'દંડ'નું વિચરણ થાય છે અને જ્યાં શાસનનો નિર્વાહ કરનારા ઉચિતાનુચિતનો વિચાર કરીને દંડ આપે છે ત્યાં પ્રજા કદી પણ ઉદ્વેગી અથવા તો વ્યાકુળ નથી હોતી. ન્યાયની વ્યવસ્થામાં પ્રજાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરે તેવી ઉચિત સજા અને દંડ પાપીઓને આપવાની વ્યવસ્થા પર આ શ્લોક પ્રકાશ પાડે છે.
જેના આધારે દુર્યોધનને હરાવી યુવરાજ બન્યા હતા યુધિષ્ઠિર
મહાભારતકાળમાં પણ મનુસ્મૃતિના દંડવિધાને જ અનેક અવસરે નિર્ણાયક ભૂમિકા અદા કરી હતી. મનુસ્મૃતિ અનુસાર કુરુસભામાં જ્યારે દુર્યોધન અને યુધિષ્ઠિરમાંથી યુવરાજ કોને બનાવવા એનો નિર્ણય લેવાનો હતો, ત્યારે બંનેને હત્યાના ચાર આરોપીને સજા કરવાનો અવસર અપાયો હતો. દુર્યોધને સીધેસીધી ચારેયને મોતની સજા સંભળાવી દીધી હતી, પરંતુ યુધિષ્ઠિરે મનુસ્મૃતિના દંડવિધાનને ટાંકીને વર્ણ અને અપરાધની ગંભીરતા અનુસાર દંડ કરતાં તેમને યુવરાજ ઘોષિત કરાયા હતા.
મહાભારતકાળના દંડવિધાન આધારિત મર્મ
મહાભારતકાળમાં દંડવિધાન સૌથી તટસ્થ અને અસરકારક ગણાતું હોવાનો મનુસ્મૃતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતના ગ્રીષ્મા મર્ડર કેસમાં જજ વિમલ કે. વ્યાસે જે શ્લોકનું ઉદાહરણ આપ્યું હતું, એનો માર્મિક અર્થ દંડવિધાન દ્વારા સમાજમાં સુચારુ વ્યવસ્થા સ્થાપિત કરવાનો થાય છે. આ શ્લોક અનુસાર, દંડ કોઈ મૂર્તિમન્ત વસ્તુ નથી, પરંતુ એ એક ભાવ છે અને અમૂર્ત અવધારણા છે, પરંતુ શાસ્ત્રોમાં એનું વર્ણન કાળા (ડરાવનારા) અને લાલ-લાલ આંખોવાળી ભૌતિક જીવંત સત્તા તરીકે કરવામાં આવ્યું છે. આ દંડના ભયાનક સ્વરૂપને પ્રસ્તુત કરવાની રીત છે, જેને શબ્દશઃ ગ્રહણ કરવાની જરૂરિયાત નથી.
દંડ વિકરાળ, ભયજનક પશુ જેવો હોવો જોઈએ
કહેવાનો ભાવાર્થ એ છે કે દંડ એવો જ ભયજનક છે, જેમ કોઈ માતેલો બિહામણું પશુ તમારી સામે ઊભું હોય. દંડનો વિચાર જ ભયભીત કરનારો હોવો જોઈએ અને દંડ ભયભીત કરનારો વિકરાળ હશે તો જ તેની બીકથી સમાજમાં વ્યવસ્થા સુચારુ રહેશે. જેને દંડ કરવાનો છે તેની પર લગીરે દયા કરી ન શકાય, કારણ કે તેનો અપરાધ જ એટલો વિકરાળ છે. જ્યાં દંડનાયક દ્વારા અપરાધીને આવા દંડનો ભય દેખાડવામાં આવશે ત્યાં જ પ્રજા નીડરતાથી રહી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.