સુરતના પાંડેસરા વિસ્તારમાં સોફ્ટવેર એન્જિનિયરે મોઢા ઉપર પ્લાસ્ટિકની થેલી પહેરીને પોતાના બંને હાથ જીપલોકથી બાંધી દેતા તેને ગૂંગળામણ થવાથી મોતને ભેટ્યો હતો. જોકે તેણે સગાઇ બાદ ટેન્શનમાં રહેતો હોવાથી તેણે વિચિત્ર રીતે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. જોકે આ બનાવથી પાંડેસરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
બંને હાથ જીપલોકથી બાંધી દીધા હતા
પાંડેસરામાં બામરોલી રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ચેતન ડાયાલાલ સુથારે ગતરોજ રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યા બાદ તેણે મોઢા ઉપર પ્લાસ્ટિકની થેલી પહેરીને પોતાના બંને હાથ કેબલ ટાઈ એટલે જીપલોકથી બાંધી દેતા ગૂંગળામણ થતાં બેભાન થઇ ગયો હતો. પરિવારના સભ્યો તેને જોઇને ચોંકી ગયા હતા અને તેને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા.
શ્વાસ રુંધાઈ જવાથી મોત થયું
ચેતનને પરિવારજનો સિવિલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સિવિલમાં તેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોક્ટરે કહ્યું કે તેનું શ્વાસ રુંધાઈ જવાથી મોત થયું હોવાની શક્યતા છે. જોકે, હકીકત જાણવા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ જાણવા મળશે. હાલ તો તેના વિચિત્ર રીતે કરાયેલા આપઘાતને લઈને ચકચાર મચી જવા પામી છે.
પ્રાઇવેટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો
ચેતને વિચિત્ર તરકીબ અપનાવીને આપઘાત કરવાથી તેનાં પરિવારજનો તેમજ સ્થાનિકો પણ ચોંકી ગયાં હતાં. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ચેતન મૂળ રાજસ્થાનના શિહોરનો વતની હતો. તે સોફ્ટવેર એન્જિનિયર હતો અને પ્રાઇવેટ સંસ્થામાં નોકરી કરતો હતો. તેની પાંચ મહિના પહેલાં જ સગાઈ થઇ હતી. બાદમાં તે માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલું ભર્યું હોવાની શકયતા છે, પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે.
સુરતમાં છેલ્લા 11 દિવસમાં 11ના આપઘાત
સુરત શહેરમાં ડિસેમ્બરના 11 દિવસમાં 11 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં કિશોરી-કિશોરીઓથી લઈને યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. નવાગામમાં ટેમ્પાચાલકે મકાનના હપ્તા ભરવાના ટેન્શન, ખજોદ ડાયમંડ બુર્સમાં એક શ્રમજીવી, અડાજણમાં એકલવાયા જીવનથી કંટાળી યુવક, પાંડેસરામાં ઓટોપાર્ટ્સના વેપારીની પત્ની, કતારગામમાં યુવક, કતારગામ જીઆઈડીસીમાં યુવક, લસકાણામાં યુવક, સચીનમાં યુવાન, કાપોદ્રામાં યુવક સાથે પત્ની તરીકે રહેતી ૧૭ વર્ષીય કિશોરી, છુટાછેડા બાદ બીજા લગ્નથી પિતા નારાજ થતા પરણીતાએ આપઘાત કરી લીધો હતો.
8 દિવસ પહેલાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને ચકચાર મચી હતી. વરાછાના દિવાળીબાગ ખાતે આવેલ શ્રીનિધિ સોસાયટીમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનો દોડતાં થયાં હતાં અને વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
2 મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવકનો આપઘાત
સુરતના ડિંડોલીમાં એક 25 વર્ષીય યુવક આકાશ પટેલે આપઘાત કરી લીધો હતો. દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયાં હતાં અને પત્ની રિસામણે જતી રહી હતી. જેના માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. આકાશે લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. જેમાં લખ્યું છે કે, અંકિતા તને જોવા માટે હું તડપું છું. મારી ભૂલના કારણે તને ગુમાવી છે. હવે હું જીવવા નથી માગતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.