ભાસ્કર એક્સક્લુઝિવ:MCom, MSc અને MA થયેલા યુવકો પણ યુનિવર્સિટીમાં પટાવાળા બનવાની રેસમાં

સુરત7 દિવસ પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 111 જગ્યા માટે અરજી કરનારા 372 ઉમેદવારોમાંથી 20નું ઉચ્ચ શિક્ષણ

નર્મદ યુનિવર્સિટીએ 11 મહિના કરાર પર 400 બિનશૈક્ષણિક કર્મચારની ભરતી બહાર પાડી છે. જેમાં પટ્ટાવાળાની 111 જગ્યા માટે 372 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાંથી 20 ઉમેદવારો પાસે બીકોમ, બીએ, બીએસસી, એમકોમ, એમએ અને એમએસસીની ડિગ્રી છે. ધોરણ-7 પાસની સાથે 5 વર્ષનો અનુભવ કે પછી ધોરણ-10 પાસની સાથે 1 વર્ષનો અનુભવ માંગ્યો હતો. ઉપરાંત યુનિવર્સિટી પટ્ટાવાળાને મહિને રૂ. 14,800 પગાર ચુકવવામાં આવશે.

ખાનગી કંપનીનો પગાર ઓછો, જોબ સિક્યુરિટી પણ નહીં
ઉમેદવાર રવિએ જણાવ્યું કે હાલમાં જ મેં બીએસસી કર્યું છે અને એમએસસીનો અભ્યાસ કરનારો છું. ઘરની આર્થિક સ્થિતિને જોતા રોજગારની ખૂબ જરૂર છે. ખાનગી કંપનીમાં રોજગારી મળે છે, પણ પગાર ઓછો અને જોબ સિક્યુરિટી મળતી નથી. જેથી મે પટ્ટાવાળામાં એપ્લાય કર્યું છે. યુનિવર્સિટીમાં પટ્ટાવાળાનું કામ કરી અનુભવ મેળવીશ અને આવતા વર્ષે ક્લાર્કની પોસ્ટ માટે એપ્લાય કરીશ.

સ્કૂલમાં શિક્ષકની નોકરી મળે એમ છે પણ પગાર માત્ર રૂ. 8 હજાર જ છે
ઉમેદવાર રસિકે જણાવ્યું કે મેં એમએ અને બીએડ કર્યા બાદ ટેટ પાસ કરી છે. સ્કૂલમાં શિક્ષકની નોકરી મળે એમ છે પણ પગાર માત્ર 8 હજાર જ છે. જોબ સિક્યુરિટી પણ નથી. હું અહીં કામ કરવા સાથે સરકારી નોકરી માટેની તૈયારી પણ કરી શકીશ.

‘ઉમેદવારો માટે માત્ર પગાર જ મહત્વનો પટાવાળા સહિતનું કામ કરવા તૈયાર’
પટ્ટાવાળા માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કરનારી પેનલના મેમ્બર ડો. પૂનમ ચૌહાણ, ડો. દિપિલ વરસાણી અને ડો. પ્રકાશ બચરવાલાએ કહ્યું કે, ઉમેદવારો માટે પગાર જ મહત્વનો લાગે છે. પગાર સારો મળે તો ચા-પાણી સહિતની કામો કરવા ઉમેદવારો તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...