CCTV:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાના બહાર યુવકની ચપ્પુના ઘા મારી હત્યા, બચવા દોડ્યો પણ દૂર જઈ ઢળી પડ્યો

સુરતએક વર્ષ પહેલા
યુવકને ચપ્પુના ઘા મારતા બે CCTVમાં કેદ થઈ ગયા - Divya Bhaskar
યુવકને ચપ્પુના ઘા મારતા બે CCTVમાં કેદ થઈ ગયા
  • મોબાઈલ ફોન લૂંટવા ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ
  • ઘટના CCTVમાં કેદ, બે લૂંટારૂઓએ પીછો કરી હત્યા કરી

શહેરના ભટાર વિસ્તારમાં એમ્બ્રોઈડરીના કારખાના બહાર યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. બે લૂંટારૂ દ્વારા મોબાઈલ ફોન માટે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ યુવક બચવા માટે ભાગ્યો હતો. જોકે, થોડે દૂર જઈ ઢળી પડ્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મિત્ર માટે ગુટખા બદલવા ગયો ને મોત મળ્યું
મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં બે મોટા ભાઈ અને તેમના પરિવાર સાથે ભટાર આઝાદનગર રોડ રસુલાબાદ આશિષ રામસાગર કનોજીયા(ઉ.વ.24) રહેતો હતો. આશિષ ભટાર રવિતેજ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ખાતા નં.23 માં મુકેશભાઈના એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો. ગતરાત્રે નાઈટ શિફ્ટમાં નોકરીએ ગયેલો આશિષ મળસ્કે 4.45 વાગ્યે કારીગર મિત્ર માટે ગુટખા બદલવા ગયો હતો. દરમિયાન 2 લૂંટારૂએ તેના હાથમાંથી મોબાઇલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારીગરે મોબાઇલ ન છોડતા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

યુવક લોહીલુહાણ હાલતમાં મૃત પડેલો મળ્યો
સાથી કારીગર માટે ગુટખા લેવા ગયેલો આશિષ ઘણા સમય સુધી પરત આવ્યો ન હતો અને બાદમાં બાજુના કારખાનામાં કામ કરતા કારીગરે કોઈક મજૂર તમારા ખાતાની બહાર પડેલો છે તેમ કહેતા ખાતાની આગળ ગલીમાં જઈ જોયું તો આશિષ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલો હતો. આ અંગે આશિષના મોટાભાઈ લલનને જાણ કરતા તે દોડી આવ્યો હતો અને તેણે ખટોદરા પોલીસને જાણ કરી હતી.

જમણા પડખામાં ચપ્પુ વડે ઘા કરી હત્યા કરી
પોલીસ સ્થળ ઉપર પહોંચી તો આશિષની જમણા પડખામાં ચપ્પુ વડે ઘા કરી હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે ખટોદરા પોલીસે લલનની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટના CCTVમાં કેદ થઈ
સીસીટીવી પ્રમાણે, બે અજાણ્યા લૂંટારૂ આશિષને છરીના ઘા ઝીકીને ફરાર થઇ જાય છે. ઘાયલ થયેલો યુવક ઘાયલ અવસ્થામાં ભાગતો સીસીટીવીમાં નજરે પડી રહ્યું છે. હત્યારાઓના વારનો ભોગ બન્યા બાદ આશિષ દૂર જઈને ઢળી પડે છે તેવું સીસીટીવીમાં દેખાય આવે છે. ત્યારબાદ બંને લૂંટારૂ નાસી છૂટ્યા હતા.