અમરોલીના મધુવન શાકમાર્કેટમાં લીંબુના ભાવ બાબતે થયેલા ઝઘડામાં લારી ચલાવતા જયસ્વાલ બંધુઓએ સ્થાનિક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી 3 હુમલાખોરોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના છાપરાભાઠા રોડ સ્થિત ગણેશપુરા પાસેની મધુવન સોસાયટીમાં રહેતા ઇસ્લામ કરમતભાઇ શેખ દલાલીનો વ્યવસાય કરે છે.
તેમનો 21 વર્ષીય પુત્ર ઈમરાન શેખ ગત રાત્રે 9 વાગ્યાના સુમારે તક્ષશિલા સ્કૂલ સામે મધુવન શાક માર્કેટમાં ખરીદી કરવા ગયો હતો. ત્યારે શાકભાજીની લારી ચલાવતા જ્ઞાન જયસ્વાલ સાથે લીંબુના ભાવ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારપછીના ઝઘડામાં જ્ઞાન જયસ્વાલે સાથી આનંદ જયસ્વાલ અને તેના ભાઈ સાથે મળીને ઈમરાન શેખ પર છરી વડે હુમલો કર્યો હતો.
જયસ્વાલ બંધુઓએ ઈમરાનને છાતી, પેટ, પીઠ અને હાથના ઉપરના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ ઈમરાન શેખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ઇમરાન શેખના ભાઇ ઇસ્લામ શેખની ફરિયાદ પરથી અમરોલી પોલીસે હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. અમરોલી પોલીસે ત્રણેયને પકડવા માટે કવાયત શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.