પ્રચારનું બોમ્બાર્ડિંગ:યોગીની વખાણનીતિ 24 મિનિટમાં મોદી-સુરતીઓની ભરપેટ પ્રશંસા, કહ્યું - રામમંદિર માટે પહેલું દાન સુરતનું હતું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સમૃદ્ધિ, સુશાસન, વિકાસ અને હવે આતંકવાદ-અરાજકતા હટાવવાનું પણ મોડેલ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચારનું બોમ્બાર્ડિંગ શરૂ કરી દીધું છે. ચોર્યાસી વિધાનસભાના ગોડાદરામાં શુક્રવારે સાંજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભા ગજવી કહ્યું કે, રામ મંદિર માટે પહેલું દાન સુરતના જ ટેક્સટાઇલ વેપારીઓએ મોકલ્યું હતું.

ભારત જ્યારે સ્વતંત્ર થયો ત્યારે તે કેવું હશે તે કોંગ્રેસે લોકોને જોવાનો મોકો ન આપ્યો પણ મોદીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા લહેરાવી લોકોને આઝાદીના દિવસની યાદ અપાવી હતી. મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને દરેક ભારતીયને તેમના પર ગર્વ છે.

વર્ષ 2019માં ભાજપે એક સ્લોગન આપ્યું હતું, મોદી હૈ તો મુનકીન હૈ. કોંગ્રેસ જે ન કરી શકી તે મોદીએ કરી બતાવ્યું છે. 2020માં રામ મંદિરના કામનો શુભારંભ કરી દીધો. કોરોનાકાળમાં અન્ય તમામ પક્ષો ઘરની બહાર ન નીકળ્યા. મોદીએ જીવન-જીવીકાઓને બચાવવાની પ્રેરણા આપી. જ્યાં બીમાર છે ત્યાં ઇલાજ પહોંચાડ્યો.

દવા-વેક્સિન ફ્રી આપી, 80 કરોડ લોકોને રાશન આપ્યું. સુરતની સાડી-કપડા નેપાળ સુધી લોકોને પસંદ આવે છે. અહીં ડબલ ટ્રીપલ એન્જિન સરકાર છે જે બુલેટ ટ્રેનની સ્પીડમાં કામ કરેી રહી છે. યુપીમાં તો હવે કોઈ મા-બહેનની છેડતી કરવાની હિંમત કરતું નથી અને કોઈ કરી પણ દે તો બુલડોઝર તૈયાર જ હોય છે.

દેવેન્દ્ર ફડનવીસ, ઉપમુખ્ય, મહારાષ્ટ્ર
આપવાળા ચૂનાવી પક્ષી છે ચૂંટણી બાદ દિલ્હી જતા રહેશે

મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ સાંજે 6.00 વાગ્યાની લિંબાયતની જાહેર સભામાં 7.45 કલાકે આવ્યાં હતાં. કોંગ્રેસ-આપ ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, આઝાદી મળી ગઈ હવે કોંગ્રેસને વિસર્જીત કરો પરંતુ લોકોએ ધ્યાન ન આપ્યું ને કોંગ્રેસ ને ચૂંટતા ગયાં અને દેશમાં ભ્રષ્ટાચાર સહિતની બદી વધતી ગઈ, પરંતુ ગુજરાત એ જાણી ગયું ને 27 વર્ષ પહેલાં કોંગ્રેસને વિસર્જીત કરી દેશમાં સૌથી પહેલાં ગુજરાતે કોંગ્રેસને વિસર્જીત કરી છે. સાઇબેરિયાના પક્ષી ઠંડીમાં મુંબઈ-સુરત આવે છે ને ઠંડી જતાં રહે છે. આપવાળા પણ ચૂંનાવી પક્ષી છે. ચૂંટણી બાદ દિલ્હીના પક્ષી દિલ્હી જતાં રહેશે. દુનિયામાં જુઠ્ઠાની ઓલિમ્પિક થતી હોય તો આપવાળા મેડલ લઈ જાય.. પંજાબમાં જુઠ્ઠું બોલી આવ્યા હવે જનતાને સમજાઈ રહ્યું છે.

તેજસ્વી સૂર્યા, સાંસદ, બેંગલોર
દેશની જેમ ગુજરાતમાં પણ રાજકીય સ્થિરતાથી વિકાસ

કોટસફિલ રોડની સભામાં ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ અને સાઉથ બેંગલોરથી સાંસદ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું કે ગુજરાતનો વિકાસ રાજનૈતિક સ્થિરતાના લીધે શક્ય બન્યો છે. દેશમાં પણ પોલિટિકલ સ્થિરતાના લીધે વિકાસ થયો છે. 75 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં દેશને અન્યાય સહન કરવો પડ્યો. 2014 બાદ જ સ્વાભિમાની ભારતનું નિર્માણ થયું છે. આગામી 25 વરસ અગત્યના છે. ગુજરાતમાં ભાજપની ટક્કરમાં કોઈ નથી. માત્ર 15-20 સીટ પર કોંગ્રેસ સાથે ટક્કર છે. કોંગ્રેસનો કોઈ મોટો નેતા ગુજરાત આવી રહ્યો નથી તેઓ ચુનાવ મેદાનથી ગાયબ છે. વોકિંગ કરી રહ્યા છે. વજન ઉતારવા માટે વોકિંગ કરી રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
દેશભરમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું

​​​​​​​અલથાણમાં હર્ષ સંઘવીના સમર્થનમાં યોજાયેલી સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગેસ-આપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, મોદીના વિઝન હેઠળ ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું છે. દંગા-કર્ફ્યું જેવી સ્થિતિથી બહાર આવવા જનતાએ જે વિશ્વાસ મુક્યો છે તે ક્યારેય તૂટવા નહીં દઈએ. દેશમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. આઝાદી પછી સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી (ગ્રીન એનર્જી) સૌથી પહેલા મોદીના નેતૃત્વમાં પ્રસ્થાપિત થઈ છે.

પુરુષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી
370, રામમંદિર, કાશી વિશ્વનાથ કોરિડોરને ખ્યાસ ધ્યાનમાં લેજો

​​​​​​​કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વરાછામાં ભાજપ ઉમેદવાર કુમાર કાનાણીની સાથે વિરાટ સભાને સંબોધતા કહ્યું કે, ગુજરાતનાં પાણીના ઈન્ફ્રાસ્ટ્રકચર જેવું ઈન્ફ્રાસ્ટ્રકચર દુનિયામાં બીજા કોઈનું નથી. અત્યાર સુધી નૌકાદળના જહાજના ફ્લેગમાં બ્રિટીશકાળનું ચિન્હ હતું. 75 વર્ષ બાદ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળના ધ્વજનું ચિન્હ લગાડ્યું. 370ની કલમ, રામમંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોરને ધ્યાનમાં રાખીને વોટ કરજો.

પ્રમોદ તિવારી, કોંગ્રેસ
​​​​​​​કેજરીવાલ અને ઓવૈસી ભાજપના જ દત્તક પુત્ર છે

રાજ્ય સભાના સાંસદ પ્રમોદ તિવારીએ આક્ષેપ કર્યો હતો કે, આપ અને ઓવૈસીને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. બંને ભાઈઓ જ છે. જેમને ભાજપે દત્તક લીધા છે. ગુજરાતી જનતા ખૂબ જ હોશિયાર છે અને તે આપ અને ઓવૈસીનો ચહેરો ઓળખી લેશે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતના લોકો બરાબર વિચારીને નિર્ણય લેશે.

ગોપાલ ઇટાલિયા, આપ
સંતાનથી વધુ ભણેલાંને ચૂંટો 10 પાસને લાવવાનું શું કામ?

વરાછામાં આપના ઉમેદવાર અલ્પેશ કથિરીયાનાં પ્રચાર માટે આવેલા આપનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જાહેર સભામાં ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. દીકરીની સગાઈ માટે દીકરો ભણેલો છે કે નથી તે પૂછીએ છે. જો ભણેલો ન હોય તો વાત બંધ. તો વિધાનસભાની ચૂંટણીમાં પણ આવા બધાને કાઢી ભણેલાં ગણેલાને ચૂટો. તમારા સંતાન કરતા પણ વધારે ભણેલાને ધારાસભ્ય બનાવો. 10 પાસને લાવવાનું શું કામ?

અન્ય સમાચારો પણ છે...