પાટીદારોના ગઢમાં યોગીનો રોડ શો:વરાછાને હિન્દુત્વના રંગે રંગવા યોગી આદિત્યનાથનો 8 કિમીની રેલી બાદ સભાનું આયોજન

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
યોગી આદિત્યનાથ ફરી સુરતમાં ચૂંટણી પ્રચાર કરશે - Divya Bhaskar
યોગી આદિત્યનાથ ફરી સુરતમાં ચૂંટણી પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભાના ઇલેક્શન ને લઇ સુરતમાં તમામ બેઠકો પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ બરોબર જામી રહ્યો છે. તમામ રાજકીય પક્ષ પોત પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહી છે.ભાજપ દ્વારા પોતાના જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાઓ ને સ્ટાર પ્રચારક તરીકે સુરતના જુદી જુદી બેઠકોના ઉમેદવાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ત્યારે હિન્દુત્વની ભાવના સાથે જોડાયેલા અને બુલડોઝર બાબા તરીકે ઓળખાતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી સુરતમાં આવી રહ્યા છે. અને આ વખતે પુખ્ત હિન્દુત્વના મુદ્દા સાથે પાટીદાર વિસ્તારમાં રોડશો યોજીને મતદારોને રીઝવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છે.

યોગી આદિત્યનાથ ફરી સુરતમાં આવશે
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં આવી રહ્યા છે. અગાઉ સુરતમાં ચોર્યાસી વિધાનસભા બેઠક માટે પ્રચાર કરવા આવ્યા હતા. 84 વિધાનસભા બેઠક પર પ્રાંતીઓમાં ઉત્તર પ્રદેશ ની સૌથી વધુ મતદાર સંખ્યા હોવાથી સ્ટાર પ્રચારક તરીકે તેમને અહીં બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી યોગી આદિત્યનાથને પ્રચાર માટે બોલાવવામાં આવ્યા છે. આ વખતે યોગી આદિત્યનાથને એવી બેઠક પર બોલાવવામાં આવ્યા છે જે સૌથી રસપ્રદ અને ખરેખર એ બેઠક પર કોણ વિજય થશે તે કહેવું મુશ્કેલ છે તેની પર મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે બોલાવવામાં આવ્યા છે.

વરાછામાં સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથ આવશે
​​​​​​​
સુરતની વરાછા બેઠક પર ત્રણ પાટીદારો વચ્ચેનો ત્રિપાંખિયો જંગ બરોબર જામ્યો છે. આ બેઠક પર પરિણામ શું આવશે તેનું આકલન ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ભાજપ દ્વારા સીટિંગ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને મેદાને ઉતાર્યા છે, તો તેની સામે આપ દ્વારા પાસના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયાને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પ્રફુલ ઉર્ફે પપ્પન તોગડીયાને મેદાને ઉતાર્યા છે. જેને લઇ આ બેઠક પર રાજકીય જંગ ખૂબ જ રોમાંચક બની રહ્યો છે. ત્યારે આ વિસ્તારના મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ભાજપ દ્વારા અત્યાર સુધી મનસુખ માંડવીયા અને પરસોતમ રૂપાલા જેવા પાટીદાર સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા હતા.જ્યારે હવે હિન્દુ છબી ધરાવતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મેદાને ઉતારી રહ્યા છે અને તેમનો ભવ્ય રોડ શો યોજી મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

યોગી આદિત્યનાથનો વરાછામાં યોજાશે રોડ શો
સુરતના વરાછા વિધાનસભાના ભાજપના ઉમેદવારના પ્રચાર માટે અને ભાજપથી રિસાયેલા મતદારોને પોતાના તરફ ફરી આકર્ષવા માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નો આવતીકાલે ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરથી શરૂ કરી વૈશાલી ચાર રસ્તા, મીની બજાર, હીરાબાગ, કાપોદ્રા, સીમાડા નાકા, શ્યામધામ મંદિર સિંહ સર્કલ ખાતે સમાપન કરવામાં આવશે. અંદાજે આઠ કિલોમીટર થી લાંબો આ રોડ શો યોજી સમગ્ર વરાછા વિસ્તારને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે.

વરાછામાં હિન્દુત્વના રંગ સાથે પાટીદારોને રિઝવાનો ભાજપનો પ્રયાસ
​​​​​​​
વરાછા વિસ્તારમાં સૌથી વધુ મતદારોની સંખ્યા સૌરાષ્ટ્રવાસીઓની છે. તેમાં પણ સૌથી વધુ સૌરાષ્ટ્રના પાટીદારોની સંખ્યા વધુ જોવા મળી છે. આ બેઠક પર પ્રાંતીઓની ખૂબ જ નજીવી જેવી સંખ્યા રહી છે. તેમ છતાં ભાજપ દ્વારા સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે. જેને લઇ આવું આકલન કરવામાં આવી રહ્યું છે કે ભાજપ દ્વારા આ વિસ્તારમાં હિન્દુત્વનો ભગવો પ્રસરાવી પાટીદારોને પોતાની તરફ રિઝવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જે રીતે વરાછા સહિતના વિસ્તારોમાં મતદારો જુદા જુદા પ્રશ્નોથી ભાજપથી નારાજ થયા છે. ત્યારે તેમને પોતાની તરફ વાળવા માટે હિન્દુત્વનો ભાગો રંગ પ્રસરવાનો આ એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે યોગી આદિત્યનાથ યુપીમાં હિન્દુ સમ્રાટ ની છાપ ધરાવી રહ્યા છે સાથે સાથે જે રીતે ગેરકાયદેસર દબાણો દૂર કરીને બુલોઝર બાબા તરીકે છાપ ઊભી કરી છે તેને લઈ હિન્દુઓમાં તેની ખૂબ જ વિશેષ હિન્દુવાદી નેતા તરીકેની પ્રખર નામના મળી છે.

અન્ય સમાચારો પણ છે...