સુરતમાં પહેલીવાર લિવર ટ્રાન્સપ્લાન્ટ:બ્રેઇનડેડ યોગ શિક્ષિકાના કિડની સહિતના અંગદાનથી 5ને નવજીવન, લિવર ટ્રાન્સપ્લાન્ટથી ઉદ્યોગપતિને જીવનદાન આપ્યું

સુરત4 મહિનો પહેલા
વલસાડના મહિલા યોગ શિક્ષિકાના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન.
  • અજાણ્યા વાહનની ટક્કરના કારણે હોસ્પિટલમાં દાખલ મહિલાને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા

વલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની છઠ્ઠી ઘટના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતમાં સૌપ્રથમ વખત દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું છે.

અકસ્માતમાં મહિલાને બ્રેઇન હેમરેજ થયું
મળતી માહિતી પ્રમાણે, વલસાડના માણેક બાગ ખાતે રહેતા યોગ શિક્ષિકા રંજનબેન ગત 30 સપ્ટેમ્બરના રોજ સવારે તેમના ઘરેથી તેમના બેન તનુજાને ત્યાં મોપેડ પર જઈ રહ્યા હતા. ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોપેડ પરથી નીચે પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થવાથી વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. ગત રોજ એપલ હોસ્પિટલના ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

યોગ શિક્ષકને પરિવારે સલામી આપી.
યોગ શિક્ષકને પરિવારે સલામી આપી.

કિડની અમદાવાદ અને વડોદરા ફાળવાઈ
રંજનબેનના પતિ પ્રવીણભાઈએ જણાવ્યું કે મારા પત્ની બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બાળીને રાખ થઇ જવાનું છે, તેના કરતા તેમના અંગોના થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન કરવા તૈયાર છે. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જ્યારે એક કિડની અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ને અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી હતા.

કિડની અમદાવાદ અને વડોદરા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી.
કિડની અમદાવાદ અને વડોદરા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી.

લિવર પહોંચાડવા ગ્રીન કોરીડોર બનાવાયો હતો
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું છે. લિવર સમયસર કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાં લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર અને કિડનીનું કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે તેનો લાભ સમગ્ર દક્ષીણ ગુજરાતના દર્દીઓને મળશે.

સુરતમાં પ્રથમવાર લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
સુરતમાં પ્રથમવાર લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

કિડની દાનથી બે મહિલાની નવજીવન મળ્યું
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં રાજકોટની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી 45 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે જેના થકી 30 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

લિવરને પહોંચાડવા ગ્રીન કોરીડોર કરાયો હતો.
લિવરને પહોંચાડવા ગ્રીન કોરીડોર કરાયો હતો.

કુલ 870 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી મળી
કોવિડ-19ની મહામારી પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન 46 કિડની, 26 લિવર, 10 હૃદય, 16 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 44 ચક્ષુઓ સહીત કુલ 143 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 132 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 406 કિડની, 171 લિવર, 8 પેન્ક્રીઆસ, 36 હૃદય, 20 ફેફસાં અને 308 ચક્ષુઓ કુલ 949 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 870 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

લોકદૃષ્ટી ચક્ષુબેંકે આંખોનું દાન સ્વીકાર્યું
કિરણ હોસ્પિટલની ટીમે સુરતમાં સૌપ્રથમ વખત લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. શહેરના ઉદ્યોગપતિને નવ જીવન મળ્યું છે. બે કિડનીઓ પૈકી એકનું અમદાવાદની આરકેડીઆરસી હોસ્પિટલ ખાતે રાજકોટની 40 વર્ષિય મહિલામાં જ્યારે બીજીનું વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની 45 વર્ષિય મહિલામાં કરાયું છે. જ્યારે ચક્ષુઓનું દાન સુરતની લોકદ્રષ્ટી ચક્ષુબેંક દ્વારા સ્વિકારવામાં આવ્યું છે.