વ્યથિત વિદ્યાર્થિનીનો પુતિનને પત્ર:સુરતની 12 વર્ષની વિદ્યાર્થિનીએ યુક્રેન સાથેનું યુદ્ધ રોકવા રશિયાના રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, લખ્યું- નિર્દોષ લોકોનો શું વાંક?

સુરત7 મહિનો પહેલા
  • રશિયાના પ્રેસિડેન્ટ પુતિનને પત્ર લખી ટ્વિટ કરીને પત્ર પહોંચાડ્યો
  • બે દેશના આંતરીક પ્રશ્નોને લીધે સામાન્ય નાગરિક ઘર વિહોણા બનશે એ વાતથી દુઃખી

સુરતમાં વન્ડરફુલ એકેડમીમાં અભ્યાસ કરતી મનાલી દિપકભાઈ ધકાણ (ઉ.વ. 12) એ હાલ ચાલી રહેલા યુક્રેન રશિયા યુદ્ધને રોકવા માટે રશિયાના પ્રેસિડેન્ટ પુતિનને પોતાની કાલીઘેલી ભાષામાં યુદ્ધ વિરામ માટે પત્ર લખ્યો છે. આ પત્ર પોતાના પિતાની મદદથી પોસ્ટ કર્યો અને રશિયાના પ્રેસિડેન્ટને ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ દ્વારા પણ મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે, મારૂ એવું કહેવું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિના પરીવાર અને દેશના નાગરિકોનો શું વાંક???? આ યુદ્ધ બાદ કોણ જીતશે ને કોણ હારશે એતો મને નથી ખબર પણ યુદ્ધ દરમિયાન જીવ તો નિર્દોષ નાગરિકો નો જ જવાનો છે.

પત્રમાં શું લખ્યું?
તેણીએ આ પત્રમાં લખ્યું છે કે જ્યારથી યુક્રેન-રશિયાનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી હું ન્યૂઝ ચેનલોમાં સમાચાર જોઉં છું અને ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. તારીખ 26/02/2022 ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિનો વીડિયો જોયો, તેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ કહે છે કે રશિયન આર્મી પહેલા મને મારશે અને ત્યારબાદ મારા પરિવારને મારશે. જેનાથી હું ખુબ જ દુઃખી થઈ છું. મારૂ એવું કહેવું છે કે તેમના પરીવાર અને દેશના નાગરિકોનો શું વાંક???? આ યુદ્ધ બાદ કોણ જીતશે ને કોણ હારશે એતો મને નથી ખબર પણ યુદ્ધ દરમિયાન જીવ તો નિર્દોષ નાગરિકો નો જ જવાનો છે. અમારા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપની સાથે ફોનમાં વાત કરીને યુદ્ધ રોકવા માટેની ભલામણ કરી હશે. પરંતુ કોઈ પ્રોટોકોલના કારણે એ વધુ વાત નહીં કરી શક્યા હોય, માત્ર ભલામણ જ કરી શક્યા હશે. પરંતુ હું એક સામાન્ય નાગરિક છું, હું કોઈ પ્રોટોકોલ નથી જાણતી, મને તો ફક્ત મારી જેવા સામાન્ય નાગરિક સાથેનો લગાવ છે. બે દેશના આંતરીક પ્રશ્નોને લીધે સામાન્ય નાગરિક ઘર વિહોણા બનશે. તે વાત જ મને ખુબ દુઃખી કરી રહી છે. માટે મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે કે આ યુદ્ધનો અંત લાવશો અને શાંતિ કાયમ કરશો.

યુક્રેનના પ્રેસિડેન્ટને બોલાતા સાંભળ્યા બાદ પત્ર લખ્યો
મનાલીએ કહ્યું કે છેલ્લા થોડા દિવસોથી જે રીતે હું યુદ્ધ થઇ રહ્યું છે તેને કારણે વ્યથિત હતી. યુક્રેનના પ્રેસિડેન્ટને બોલતા સાંભળ્યું કે રશિયાની સેના દ્વારા પહેલા મારી અને મારા પરિવારની હત્યા કરી નખાશે એ શબ્દો સાંભળીને મને એવું થયું કે આ અયોગ્ય છે અને આ પ્રકારે યુદ્ધ ન થવું જોઈએ. આપણા ત્યાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે પણ ગયા છે તો તેમના પણ જીવ જોખમમાં મુકાયા છે. આવી સ્થિતિમાં યુદ્ધ રોકી દેવું જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાના દેશનું શાસન ચલાવે છે અને પોતાની પ્રજાનું રક્ષણ કરી રહ્યા છે. આપણા ત્યાંથી પણ વિદ્યાર્થીઓ ખૂબ ખર્ચો કરીને ત્યાં ભણવા ગયા છે. હવે તેઓ પરત કેવી રીતે ફરે છે તેની પણ સૌને ચિંતા થઈ રહી છે માટે મે પત્ર લખીને રશિયન રાષ્ટ્રપતિને વિનંતી કરે છે કે તેઓ આ યુદ્ધ રોકી દે.

યુદ્ધની સ્થિતિ જોતા સંવેદના થઈ
મનાલીના પિતા દિપક ધકાણ (સોની) એ જણાવ્યું કે અત્યારની સ્થિતી જોતા તમામ લોકો જે પ્રકારના સમાચારો મળી રહ્યા છે તેના કારણે આ ભયાવહ સ્થિતિને લીધે દરેક વ્યક્તિ સંવેદનશીલતાથી વિચારી રહ્યું છે. તે જ રીતે મારી દીકરીએ પણ અત્યારની યુદ્ધની સ્થિતિ જોતા વિચાર્યા બાદ તેને સંવેદના થઈ અને રાષ્ટ્રપતિ પુતિનને પત્ર લખ્યો છે. આ અગાઉ પણ તેણે જ્યારે પુલવામાં આતંકવાદીઓના હુમલામાં આપણા સૈનિકોને શહીદ થયા હતા ત્યારે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આતંકવાદીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની માગ કરી હતી. ત્યારે વડાપ્રધાને તેના પત્રનો પ્રત્યુત્તર આપ્યો હતો. મારી દીકરીએ આ જ પ્રકારે ફરીથી રશિયન પ્રમુખને પણ વિનંતી કરે છે કે તેઓ આ યુદ્ધને રોકી દે.

વિદ્યાર્થિનીના પિતાએ ટ્વિટ દ્વારા પત્ર રશિયાના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડ્યો.
વિદ્યાર્થિનીના પિતાએ ટ્વિટ દ્વારા પત્ર રશિયાના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડ્યો.