તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિભા:સુરતની 10 વર્ષની ગર્લે ચાર વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી કિડ્ઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

સુરતએક મહિનો પહેલા
વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના રેકોર્ડમાં સ્થાન મળ્યું.
  • માતાને ઇનસ્પાયરીંગ હ્યુમન કેટેગરીમાં સર્ટિફિકેટ સાથે સન્માનિત કરાયા

સુરતની 10 વર્ષીય સુરતી ગર્લ એ સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ પુસ્તકો વાંચવા માટે શીર્ષક હેઠળ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સર્ટિફિકેટ મેળવી સુરતનું નામ કિડ્ઝ વિશ્વ રેકોર્ડમાં સોનેરી અક્ષરોએ લખી દેશનું ગૌરવ વધાર્યું છે. ચાર્વી ડોરાએ ચાર વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી આ રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ બનાવનાર ચાર્વી હવે 1000 પુસ્તકો આંગણવાડીઓમાં ડોનેટ કરશે. ચાર્વીએ જણાવ્યું હતું કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન USA દ્વારા 2020માં 2000 પૈકી 41 પુસ્તકોમાંથી પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા બાદ આ વિશ્વ રેકોર્ડથી સન્માનિત થયા છે. એટલું જ નહીં પણ બાળકોમાં વાંચનને લઈ જાગૃતતા લાવવા બદલ તેમની માતાને ઇનસ્પાયરીંગ હ્યુમન કેટેગરીમાં સર્ટિફિકેટ સાથે સન્માનિત કરાતા તેમની ખુશી બમણી થઈ ગઈ છે.

અબ્દુલ કલામના પુસ્તકો ચાર્વીના પસંદગીના પુસ્તકો રહ્યા
જ્યોતિબેન (ચાર્વીની માતા) એ જણાવ્યું હતું કે એકની એક દીકરી ચાર્વી ધોરણ-2થી જ વાંચન સાથે સંકળાયેલી છે. આજદિન સુધીમાં 2000 થી વધુ પુસ્તકો વાંચી કાઢ્યા છે. જેમાં વૈજ્ઞાનિક, સાહિત્યકાર, શિક્ષણ અને નોન શિક્ષણ સહિતના પુસ્તકોનો સમાવેશ થાય છે. વાંચનમાં પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન અબ્દુલ કલામજીના પુસ્તકો ચાર્વીના પસંદગીના પુસ્તકો રહ્યા છે. વાંચન બાદ ચાર્વીને ચેસ, સ્વિમિંગ, ગીત ગાવા અને ડ્રોઈંગનો શોખ છે.

માતાને ઇનસ્પાયરીંગ હ્યુમન કેટેગરીમાં સર્ટિફિકેટ સાથે સન્માનિત કરાતા ખુશી બમણી થઈ.
માતાને ઇનસ્પાયરીંગ હ્યુમન કેટેગરીમાં સર્ટિફિકેટ સાથે સન્માનિત કરાતા ખુશી બમણી થઈ.

1000 પુસ્તકો આંગણવાડીના બાળકોને ડોનેટ કરશે
વધુમાં જણાવ્યું હતું કે, ચાર્વીએ ધોરણ-4 અને 5માં ગણિત, વિજ્ઞાન, જનરલ નોલેજ અને અંગ્રેજી વિષય ઉપર લેવાતી ઓલિમ્પિક એક્ઝામ્સમાં સ્કૂલમાં ટોપ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આનંદની વાત એ છે કે બાળકોને અભ્યાસ કરાવી પોતાની આવકમાંથી ખરીદેલી 1000 પુસ્તકો આંગણવાડીના બાળકોને ડોનેટ કરવા જઈ રહી છે.

દીકરીના ટેલેન્ટમાં પિતા હંમેશા પીઠબળ આપતા આવ્યા.
દીકરીના ટેલેન્ટમાં પિતા હંમેશા પીઠબળ આપતા આવ્યા.

પિતાએ દીકરીના ટેલેન્ટમાં હંમેશા પીઠબળ આપ્યું
રોહિત ડોરા (ચાર્વીના પિતા) એ જણાવ્યું હતું કે તેઓ ફેસિલિટી મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દીકરીના ટેલેન્ટમાં હંમેશા પીઠબળ આપતા આવ્યા છે. પણ સૌથી વધુ સમય અને મહેનત એક માતા એટલે કે તેમની પત્ની જ્યોતિ કરતી આવી છે. જ્યોતિ માત્ર દીકરી ચાર્વી માટે જ નહીં પણ બાળકોમાં વાંચનની જાગૃતતા આવે એ માટે પણ કામ કરી રહી છે એટલે જ્યોતિને પણ ઇનસ્પાયરીંગ હુમન કેટેગરીમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાઈ છે એ ડોરા પરિવાર માટે બમણી ખુશી છે.

બાળકોમાં વાંચનને લઈ જાગૃતતા લાવવા બદલ માતાનું સન્માન.
બાળકોમાં વાંચનને લઈ જાગૃતતા લાવવા બદલ માતાનું સન્માન.

પરીક્ષણ બાદ ચાર્વીને વર્લ્ડ રેકોર્ડ હાંસલ થયો
વધુમાં જણાવ્યું હતું કે 2020 નવેમ્બરમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના સભ્યો સુરત આવ્યા હતા અને 2000 પુસ્તકોમાંથી 41 પુસ્તકો પસંદ કરી ચાર્વીને સવાલ પૂછ્યા હતા. એ તમામ સવાલોના ચાર્વીએ સાચા જવાબો આપ્યા હતા. જેનું જજ અને સાક્ષીઓની હાજરીમાં લાઈવ રેકોર્ડીંગ કરાયું હતું. ત્યારબાદ USA મોલકવામાં આવ્યું હતું. પરીક્ષણ બાદ ચાર્વીને સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ પુસ્તકો વાંચવા માટે શીર્ષક હેઠળ વર્લ્ડ રેકોર્ડ હાંસલ થયો છે.