સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં રહેતી અને પીએચડી કરતી 25 વર્ષિય યુવતીએ ઉત્રાણ-કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના લગ્નના ત્રણ મહિના પછી પતિ સાથે સાથે ઝગડો થતો હોવાથી તેણી પિયરે આવી ગઈ હતી. તેણીએ માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરી હોવાની સંભાવના છે.
ઘરેથી યુનિવર્સિટી જવાનું કહીને નીકળી હતી
મળતી માહિતી પ્રમાણે જહાંગીરાબાદ વિસ્તારમાં દાંડી રોડ પાસેના સંગીન ગાર્ડનિયા ખાતે પિતાના ઘરે સેજલ દોલતભાઈ પરમાર(ઉ.વ.25) રહેતી હતી. સેજલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કેમેસ્ટ્રીમાં પીએચડી કરી રહી હતી. ગત રોજ સેજલે ઘરે કહ્યું કે તે યુનિવર્સિટી જઈ રહી છે. ત્યાર બાદ ઉત્રાણ અને કોસાડ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર જઈને સૌરાષ્ટ્ર એક્સપ્રેસની સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.
એક વર્ષ પહેલા લગ્ન થયા હતા
ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે સેજલના પરિવારનું નિવેદન લીધું હતું. જેમાં સેજલના એક વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્નના ત્રણ મહિનામાં જ તેણી પિયરમાં રહેવા આવી ગઈ હતી. સેજલની તેના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી સેજલ પિયરમાં આવી ગઈ હતી. ત્યારથી સેજલ પિતા સાથે જ રહેતી હતી. સેજલે ઘર કંકાસના કારણે માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યું હોવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.