રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી(રેલવે અને ટેક્સટાઇલ ) બન્યા બાદ દર્શના જરદોશ પહેલી વખત સુરતમાં આવ્યા હતા. જન આશીર્વાદ યાત્રાને સુરતમાં પ્રવેશતા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. વલસાડ થઈને યાત્રા સુરત તરફ આવી હતી. સુરતની કામરેજ વિધાનસભા બેઠકથી જન આશીર્વાદ યાત્રા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફરીને પાલનપુર પાટીયા પહોંચી હતી.
મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને સમર્થકો ઉમટી પડ્યા
કામરેજ વિધાનસભા બેઠકમાં પાટીદારોનું વર્ચસ્વ જોવા મળે છે. કામરેજ વિધાનસભા બેઠક અને ત્યારબાદ વરાછા વિધાનસભા બેઠક તરફ યાત્રા આગળ વધી હતી. આ બંને બેઠકો ઉપર પાટીદારોનું વર્ચસ્વ જોવા મળે છે. પાટીદારોનું કેન્દ્ર એવું માનગઢ ચોક સરદાર પ્રતિમા ખાતે પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા. દર્શના જરદોશ સાથે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા.
પાટીદાર વિસ્તારમાં ભાજપને બહોળો પ્રતિસાદ મળતા કંઈક અંશે રાહત
પાટીદાર વિસ્તારમાં મળેલો બહોળો પ્રતિસાદ ભારતીય જનતા માટે કંઇક અંશે રાહતના સમાચાર કહી શકાય. કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં ભાજપની હાર થઈ હતી. જેને પરિણામે ભાજપ માટે સૌથી વધુ ચિંતાજનક કોઈ વિસ્તાર હોય તો તે વરાછા અને કામરેજ વિધાનસભા વિસ્તારના છે. મજબૂત સંગઠન હોવા છતાં પણ ભાજપને કોર્પોરેશનના ઇલેક્શનમાં કેટલેક અંશે નિષ્ફળતા મળી હતી.
દર્શના જરદોશને સુરતના લોકોએ વધાવી લીધા
દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રાનું સુરતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં દર્શના જરદોશને સ્થાન મળતાં સુરતમાં પહેલાથી જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. દર્શના જરદોશને સુરતના લોકોએ વધાવી લીધા હતા. વરાછા કામરેજ તેમજ અન્ય વિધાનસભા વિસ્તારોમાંથી પસાર થતી યાત્રા પાલનપુર પાટીયા ખાતે પહોંચી હતી.
લોકો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહ્યા છેઃ દર્શના જરદોશ
કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન દર્શના જરદોશે જણાવ્યું કે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જન આશિર્વાદ યાત્રાને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કોરોનાકાળ દરમિયાન વિકાસના કામોની ગતિને આગળ વધારતાં લોકો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહ્યા છે. ગુજરાતની પ્રજાએ ભાજપને ક્યારે પણ નિરાશ કરી નથી. આવનાર દિવસોમાં પણ ગુજરાતની પ્રજાના આશીર્વાદ ભાજપ સાથે જ રહેવાના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.