ઉત્સાહ, ઉમંગ, ખુશી, આનંદના પર્વ ગણાતા ઉતરાયણની ભવ્ય ઉજવણી થઇ રહી છે. આજે ઉતરાયણનો પર્વ છે. ગુજરાતભરમાં ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે. વહેલી સવારથી જ કાપ્યો છે.. ના નાદ સાથે શહેર ગુંજી ઉઠ્યું છે. તો બીજી તરફ રંગબેરંગી પતંગોથી આકાશનો અહ્લાદક નજારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે.
હર્ષ સંઘવીએ ગુજરાતના લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખીને ગૌ પૂજા કરી હતી. ગાય માતાની પૂજા કર્યા બાદ તેઓ પરિવાર સાથે પતંગ ઉડાવતા પણ નજરે પડ્યા હતા. તેમના વિસ્તારમાં પરિવાર અને આસપાસના લોકો સાથે હર્ષ સંઘવીએ મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ તમામ સુરતીઓ અને ગુજરાતના લોકોને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાતી અને હિન્દી ફિલ્મ કલાકાર ધર્મેશ વ્યાસે સુરતમાં કરી ઉતરાયણ
ગુજરાતી રંગભૂમિથી ફિલ્મના પડદા સુધી પહોંચેલા કલાકાર અને હિન્દીમાં પણ અનેક ફિલ્મો કરી ચૂકેલા ધર્મેશ વ્યાસ ઉત્તરાયણ કરવા તો સુરત જ આવે છે. ધર્મેશ વ્યાસને ઉતરાયણનો ગાંડો શોખ છે. જન્મ મુંબઈ થયો પરંતુ જ્યારથી તેમને સમજદાર થયા ત્યારથી તેઓ ઉતરાયણ મનાવા ત્રણ દિવસ સુરત તેના મિત્રને ત્યાં જ આવે છે. ત્યારે આ વખતની ઉત્તરાયણ કરવા ધર્મેશ વ્યાસ સુરત આવ્યા ત્યારે દિવ્ય ભાસ્કર સાથે તેમણે વિશેષ વાતચીત કરી હતી. ઉતરાયણને લઈને તેમણે જણાવ્યું હતું કે દરેકના અલગ અલગ શોખ હોય છે ઉતરાયણનો મને નાનપણથી જ ગાંડો શોખ છે. સુરતની ઉતરાયણ જેવી બીજે ક્યાંય હું માનતો નથી. હું જ્યારથી સમજદાર થયો છું ત્યારથી ઉતરાયણ મનાવવાનો શોખ હું સુરતથી જ કરું છું.
આનંદ ઉમંગ અને ફૂલ ઉત્સાહ સાથે ઉતરાયણ
વધુમાં જણાવ્યું હતું કે,સુરતમાં મારા મિત્રો સાથે ખૂબ જ આનંદ ઉમંગ અને ફૂલ ઉત્સાહ સાથે ઉતરાયણ મનાવું છું. આ દિવસે લોકોએ માત્ર આનંદ અને જલસા જ કરવાનો છે. આ જલસાની સાથે લોકોએ અબોલા પક્ષી અને પોતાના જીવનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ધર્મેશ વ્યાસે સુરતની ઉતરાયણ તેને દર વર્ષે ફિલ્મમાં સારું કામ આપે છે. આવનાર દિવસોમાં વિદેશમાં આ ત્રણે ફિલ્મ સાઈન થઈ છે અને તે પહેલા અમદાવાદમાં ગુજરાતી ફિલ્મનું નક્કી થયું છે. આ તમામ સમાચાર તમને આવનારા સમયમાં મળી જશે. દર વર્ષની ઉતરાયણના દિવસોમાં મને આ તમામ સારા સમાચાર મળતા હોય છે.
સુરતના સાંસદ દર્શના જરદોશે પતંગ ઉડાવ્યો
સુરતીઓ ઉતરાયણમાં ઉત્સાહભેર પતંગ ઉડાવતા હોય છે. સુરતના સાંસદ દર્શના જરદોશ પણ દર વર્ષે ઉતરાયણને ખૂબ જ ઉત્સાહભેર ઉજવતા હોય છે. મૂળ સુરતી સ્વભાવ હોવાને કારણે તેઓ મકરસંક્રાંતિનો તહેવાર ગમે ત્યાં પ્રવાસ હોય પરંતુ સુરત પહોંચી જતા હોય છે અને પોતાના મતવિસ્તારના અને પરિવારના લોકો સાથે ઉતરાયણની મોજ માણતા હોય છે. પતંગ ચગાવવાના ખૂબ જ શોખીન સાંસદ દર્શનાબેન આજે સવારે જ ધાબા ઉપર જઈને પોતાના મિત્રો સાથે પતંગ ચગાવતા જોવા મળ્યા હતા સાથે સાથે તેમણે લાડુ અને ચીકી પણ વેચ્યા હતા.
સુરતમાં ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી
કોરોનાને લઈને છેલ્લા બે વર્ષથી તહેવારોની ભવ્ય રીતે ઉજવણી થઇ શકી ન હતી. પરંતુ આ વર્ષે કોઈ નિયંત્રણ ન હોય લોકો મનમુકીને તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. આજે ઉતરાયણનો પર્વ હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં ઉતરાયણની રંગચંગે અને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે ત્યારે સુરતીઓ હમેંશા દરેક તહેવાર અલગ અંદાજમાં ઉજવવા માટે જાણીતા છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે.
વિકેન્ડ હોય પતંગ રસિયાઓમાં ઉત્સાહ બમણો
ઉતરાયણનો પર્વને લઈને વહેલી સવારથી જ કાપ્યો છે.. એ લપેટ... ના નાદ સાથે શહેર ગુંજી રહ્યું છે. શહેરમાં અગાસી પર ડીજે, લાઉડસ્પીકર લગાડી ફિલ્મો ગીતો પર સુરતીઓ ડાન્સ અને ગરબા કરવાની સાથે ઉતરાયણ પર્વની પરિવાર, મિત્રો સાથે મજા માણી રહ્યા છે. આ ઉપરાંત આ વર્ષે શનિવારે એટલે કે આજે ઉતરાયણનો પર્વ અને આવતી કાલે રવિવારની રજા હોય પતંગ રસીયાઓમાં ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે. સવારથી જ બાળકો સહીત વડીલો પણ અગાસી પર પહોંચી ગયા છે અને પતંગ ચગાવી કાપ્યો છે.. ના નાદ સાથે ઉતરાયણ પર્વની મજા માણી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.