તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં વર્લ્ડ બેંકની ટીમ સુરતમાં છે. વર્લ્ડ બેંક પ્રોજેક્ટ માટે રકમ આપનાર હોવાને કારણે તમામ ઊંડાણપૂર્વકની માહિતી એકત્રિત કરી રહ્યું છે. આજે વર્લ્ડ બેંકના કર્મચારીઓ દ્વારા તાપી નદી કિનારે જ્યાં તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવનાર છે. ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વર્લ્ડ બેંકની દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાપી તટ ઉપર ફરી નાનામાં નાની બાબતોને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વર્લ્ડ બેંક દ્વારા માત્ર કોર્પોરેશનના તાપી રિવરફ્રન્ટ જ નહીં પરંતુ અન્ય પ્રોજેક્ટની પણ માહિતી એકત્રિત કરી છે.
પ્રેઝન્ટેશન રજૂ કરાયું
સુરત મહાનગરપાલિકાનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તાપી રિવરફ્રન્ટને લઈને હવે વર્લ્ડ બેંકની ટીમ સુરત આવી પહોંચી છે. ગઈકાલથી વર્લ્ડ બેંકની ટીમ સુડા ખાતે મીટિંગ કરી હતી. મનપાના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રિવરફ્રન્ટની ડિઝાઇન અને કેટલા વિસ્તાર સુધી આ પ્રોજેક્ટનો ફેલાવો છે. તે સહિતની નાનામાં નાની વિગતો રજૂ કરવામાં આવી હતી.
ટીમની તપાસ
તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.3904 કરોડ અંદાજવામાં આવ્યો છે. વર્લ્ડ બેંક આ પ્રોજેક્ટમાં સૌથી વધુ હિસ્સો નજીવા દરે વ્યાજથી લોન આપશે. જેથી કરીને પોતે આપેલા નાણાંને યોગ્ય રીતે ઉપયોગ કોર્પોરેશન કરે તે માટે તમામ પ્રોજેક્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ કોર્પોરેશનની આવક કેટલી છે. તે અંગે પણ વર્લ્ડ બેંકના કર્મચારીઓ વિગત મેળવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કરતાં પણ વધુ આકર્ષક અને સુંદર રિવરફ્રન્ટ તૈયાર કરવા માટે સુરત મહાનગર પાલિકા આગળ વધી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.