તંત્રની કામગીરી:સુરતમાં પાકા કામના કેદીઓ માટે ઓપન જેલ બનાવવા તંત્રે કમર કસી, ઓલપાડ વિસ્તારની જમીન પર પસંદગી ઊતારવામાં આવે તેવી સંભાવના

સુરતએક મહિનો પહેલા
એકથી દોઢ મહિનામાં ઓપન જેલ માટેની જમીન નીમ કરી જેલ સત્તાવાળીઓને સોંપી દેવામાં આવશે.
  • પાકા કામના કેદીઓની સ્કિલ ડેવલપ કરવા સાથે પુનર્વસન માટે ઓપન જેલ બનાવવા કવાયત હાથ ધરાય
  • કેદીઓ પશુપાલન-ખેતી, ડાયમંડ પોલિશિંગ અને ટેક્સટાઇલ વર્ક, એમ્બ્રોઇડરી-જરી વર્કની કામગીરી કરી શકશે

રાજકોટ અને વડોદરા બાદ સુરતમાં પાકા કામના કેદીઓ માટે ઓપન જેલ બનાવવા તંત્રે કમર કસી છે. ઓપન જેલ માટે ઓલપાડ વિસ્તારની જમીન પર પસંદગી ઊતારવામાં આવે તેવી સંભાવના છે. પાકા કામના કેદીઓની સ્કિલ ડેવલપ કરવા સાથે પુનર્વસન માટે ઓપન જેલ બનાવવા કવાયત હાથ ધરાય છે. આ ઓપન જેલમાં પાકા કામના કેદીઓ પશુપાલન અને ખેતી કરવા સાથે ડાયમંડ પોલિશિંગ અને ટેક્સ્ટાઇલ વર્ક, એમ્બ્રોઇડરી વર્ક તેમજ જરી વર્કની કામગીરી કરી શકશે.

ઓપન જેલનો મુખ્ય હેતુ કેદીઓમાં વધુને વધુ સ્કિલ ડેવલપ થાય
મુકેશ પટેલ (મંત્રી) એ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ઝોનમાં હાલ ઓપન જેલ નથી. ઓપન જેલ માટે જમીન સંપાદનની કામગીરી પુરજોશમાં આગળ ધપી રહી છે. સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ઓલપાડ તેમજ લાજપોર તરફની સરકારી જમીન જેલ સત્તાવાળાઓને બતાવી છે. તેઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આગામી એકથી દોઢ મહિનામાં જમીન નીમ કરી દેવાશે. ઓપન જેલનો મુખ્ય હેતુ જેલવાસવેળા પાકા કામના કેદીઓમાં વધુને વધુ સ્કિલ ડેવલપ થાય તેમજ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાખોરીની દુનિયામાં પગ નહીં મૂકે, એટલે કે જેલની અંદર રોજગારીનું માધ્યમ ઊભું કરી તેઓનું પુનર્વસન કરી શકાય. ઓપન જેલમાં ડાયમંડ પોલિશિંગ, ટેક્સ્ટાઇલ વર્ક, પશુપાલન અને ખેતી એમ ચાર વ્યવસાયની તકો ઊભી કરાશે. તેમજ મહિલાઓ માટે એમ્બ્રોઇડરીને લગતી રોજગારી ઊભી કરવામાં આવશે.

ઓલપાડ વિસ્તારની જમીન પર પસંદગી ઊતારવામાં આવે તેવી સંભાવના છે.
ઓલપાડ વિસ્તારની જમીન પર પસંદગી ઊતારવામાં આવે તેવી સંભાવના છે.

4760 કાચા-પાકા કેદી જ્યારે 640 પાકા કામના કેદીઓ
વધુમાં જણાવ્યું હતું કે, લાજપોર જેલ હાલ 4760 કાચા-પાકા કેદી જ્યારે 640 પાકા કામના કેદીઓ છે. મોટાભાગના કેદીઓ સુરત જિલ્લામાં બનેલા ગુનાઓ સાથે સંકળાયેલા કેદી છે, જ્યારે પાસા કે જેલ ટ્રાન્સફરના માધ્યમથી આવેલા કેદીઓ પણ હોય છે. ત્યારે લાજપોર જેલમાં હાલ જે કેદીઓ છે, તે પૈકી મોટાભાગના ડાયમંડની વિભિન્ન પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા છે. જ્યારે કેટલાક ટેક્સ્ટાઇલ વર્ક સાથે સંકળાયેલા છે. ત્યારે ઓપન જેલમાં ડાયમંડ પોલિશિંગ અને ટેક્સ્ટાઇલ તેમજ મહિલાઓ માટે એમ્બ્રોઇડરી વર્ક સંદર્ભની રોજગારી ઊભી કરવા પ્રાથમિકતા અપાશે.

જમીન નક્કી થયા બાદ સરકાર ઓપન જેલ બનાવવા માટે ગ્રાંટ ફાળવશે.
જમીન નક્કી થયા બાદ સરકાર ઓપન જેલ બનાવવા માટે ગ્રાંટ ફાળવશે.

ગૃહમંત્રીએ ઓપન જેલના કન્સેપ્ટ પર ભાર મૂક્યો હતો
આતુશ ઓક (કલેકટર સુરત જિલ્લા) એ જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહમંત્રીએ જેલ મુલાકાત વેળા ઓપન જેલના કન્સેપ્ટ પર ભાર મૂક્યો હતો. દરમિયાન આગામી એકથી દોઢ મહિનામાં ઓપન જેલ માટેની જમીન નીમ કરી જેલ સત્તાવાળીઓને સોંપી દેવામાં આવશે. જમીન નક્કી થયા બાદ સરકાર ઓપન જેલ બનાવવા માટે ગ્રાંટ ફાળવશે.