સુરત:અંજની ઈન્ડસ્ટ્રીમાં શ્રમિકનું મોત, ઓડિશામાં અમરોલી પોલીસ સામે માનવ વધનો ગુનો નોંધાયો

સુરત2 વર્ષ પહેલા
મૃતક યુવકની ફાઈલ તસવીર
  • અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીમાં થયેલી બબાલમાં નવો વળાંક
  • અમરોલી પોલીસના મારથી કારીગરનું મોત થયાના આક્ષેપ કરાયો

અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીમાં ગત ગુરુવારે થયેલી બબાલમાં નવો વળાંક આવ્યો છે. ટિકીટ લેવા માટે ગયો ત્યાં ઝઘડો થતાં પોલીસે સત્યવાન સ્વાઇ પર લાઠીચાર્જ કરી દેતાં તેનું હોસ્પિટલમાં મોત થયું છે. પોલીસે માર માર્યો હોવાને કારણે મોત થયું હોવાના આરોપ સાથે મૃતકના પરિવારે ઓરિસ્સા વતન જઈ ઝીરો નંબરથી ભંજનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઓરિસ્સા પોલીસે સુરતની અમરોલી પોલીસ સામે મનુષ્ય વધની કલમ 304 મુજબ ગુનો રજીસ્ટ્રાર કર્યો છે. વધુમાં આ બાબતે મૃતકના ભાઈ સંતોષ સ્વાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે 14મી મેએ મારો ભાઈ સત્યવાન સ્વાઇ ટિકિટ લેવા માટે ગયો હતો. દરમિયાન ત્યાં ઝઘડો થયો હતો, જેથી અમરોલી પોલીસ ત્યાં આવી હતી. પોલીસે મારા ભાઈ પર લાઠીચાર્જં કર્યો હતો. ભાઈને ઈજા થતાં તેના બે મિત્રો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તેનું મોત થયું હતું. આ વાત મૃતકના ભાઈને પદ્મભાન સ્વાઈ અને સંજય પ્રધાને કરી હતી.

પોલીસ સાચી હોય તો કારખાનાના સીસીટીવી ફૂટેજ બતાવેઃ મૃતકનો ભાઈ

મૃતકના ભાઈ સંતોષ સ્વાઈએ જણાવ્યું હતું કે, મને રાત્રે પદ્મભાન સ્વાઈના પરિવારજનો મારા ઘરે આવ્યા અને કહ્યું કે તમે સુરત પદ્મભાનને કોલ કરો, જેથી મે કોલ કર્યો હતો, ત્યારે તેણે મને રાત્રે 11.30 વાગ્યે ભાઈના મોતના સમાચાર આપ્યા, મોત કેવી રીતે થયું તે બાબતે પૂછતાં તેમણે કહ્યું કે અમરોલી પોલીસના 5 થી 7 પોલીસવાળાઓએ આવીને તેને માર માર્યો, જેના કારણે બેહોશ થયો, નજીકમાં કોઈકે મારા ભાઈને પાણી પિવડાવ્યું પછી પદ્મભાન સ્વાઈ સાથે એક મિત્ર તેને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ ગયા, જયાં તેનું મોત થયુ, ખરેખર પોલીસ સાચી હોય તો અમે તેને બે સવાલો કરવા માંગી છીએ કે તમે કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અમને બતાવો, કારખાનામાં 17 કારીગરો કામ કરતા હતા. આ તમામની ઓરિસ્સાની ટિકિટો કન્ફર્મ થઈ ન હતી તે ટિકિટ અચાનક મોડીરાતે કન્ફર્મ કરી શનિવારે વહેલી સવારે તમામને ટ્રેનમાં ઓરિસ્સા મોકલી અપાયા. મારા ભાઈનું મોત થયું ગુરુવારે રાત્રે પછી શુક્રવારે અંતિમ સંસ્કાર સુરતમાં કરી નાખ્યાં હતા. કારખાનાનો માલિક પણ પોલીસની સાથે મિલીભગત હોય એવું લાગે છે. પદ્મભાન સ્વાઈ ઓરિસ્સામાં હાલમાં હોમ કવોરન્ટીન છે, પદ્મભાન સ્વાઈની નજર સામે મારા ભાઈને પોલીસે માર્યો છે. ઓરિસ્સા સરકારને પણ અમે ન્યાય માટેની વાત કરી છે સાથે ન્યાય ન મળે તો દિલ્હી સુધી પણ જઈશું.

અંજની ઇન્ડસ્ટ્રીમાં કોરીગરોએ વતન જવા માટે હોબાળો મચાવ્યો

મૂળ ઓરિસ્સાના વતની અને હાલ અમરોલી સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રી વિભાગ-2માં રહેતા સત્યવાન સ્વાઇ (ઉવ.32)ની ગુરુવારે મોડીસાંજે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત થયું હતું. જોકે, મરનારના રૂમ પાર્ટનર પદ્મભાને આક્ષેપ કર્યા હતા કે, ગુરૂવારે સાંજે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કોરીગરોએ વતન જવા માટે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે અમરોલી પોલીસે દોડી આવી તેને માર માર્યો હતો. જો કે સત્યવાનની લાશનું પોસ્ટ મોર્ટમ કરાયું છે. મરનારના શરીર પર પણ મારના કોઇ નિશાન નહીં હોવાનું તબીબે જણાવ્યું હતું.

હાર્ટએટેકથી મોત થયું હોઇ શકે

પ્રશાંત સુમ્બે(ડીસીપી-ઝોન-4)એ જણાવ્યું હતું કે, ઈજાના કારણે મોત થયું નથી. કદાચ હાર્ટએટેકના કારણે મોત થયું હોય શકે. બાકી પોલીસે કોઈને માર માર્યો નથી. છતાં અમે તેના વિશેરા લઈને એફએસએલમાં મોકલી આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...