મેટ્રો રેલ પ્રોજેક્ટનું વિવાદોમાં સપડાયેલા 11 કિમીના એલિવેટેડ રૂટ ડ્રિમ સિટીથી કાદરશાહ નાળ સુધીનું કામ છેલ્લા 3 દિવસથી ખોરંભે ચડ્યું છે. કંપનીની નિરસ કામગીરીના લીધે આ મુદ્દો ફરી ગાંધીનગર સુધી ચર્ચામાં આવ્યો છે. આ મામલે કંપની સામે કાર્યવાહી થવાની સંભાવના છે.
ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટની રૂપરેખા તથા હાલની સ્થિતિ અંગે ગાંધીનગર કચેરીથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જેમાં સુરત લાઇન-૧ના એલિવેટેડ રૂટની નિરસ કામગીરી અંગે સ્થાનિક પદાધિકારીઓની ઝાટકણી કાઢવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. કોન્ટ્રાક્ટર કંપનીના પેમેન્ટ ઇશ્યુના લીધે કામગીરી ખોરંભે ચઢી હતી. 11 કિમીના એલિવેટેડ રૂટ ઉપર એકમાત્ર કાદરશાહ નાળ ખાતે જ સ્ટેશન બનાવવાનું કામ ધીમી ગતિએ ચાલતું હતું્. જોકે આ કામગીરી પણ ૩ દિવસથી બંધ થઈ ગઈ છે. આખરે ગાંધીનગરથી તમામ ઇશ્યુનો નિકાલ કરવા જણાવી ઢીલી કામગીરી સામે કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે.
સબ-કોન્ટ્રાક્ટરોએ પણ કામગીરી બંધ કરવા માંડી
11 કિમીનો એલિવેટેડ રૂટ બનાવતી સદ્ભાવ કંપનીને 6 મહિનાથી પેમેન્ટ નથી મળ્યાં. જેથી સબ કોન્ટ્રાક્ટરોએ પણ કામ ધીમું કરી દીધું હતું. માત્ર કાદરશાહ નાળ ખાતે કામગીરી ચાલતી જે 3 દિવસથી ખોરંભે ચઢી છે.
2024ની ચૂટણી પહેલાં ટ્રેન દોડતી થવી મુશ્કેલ
વર્ષ 2024ની ચૂંટણી પહેલાં સુરતમાં મેટ્રો દોડતી કરી દેવાની ધારણા ખોટી પડતી જોઈ ગાંધીનગરના આલા અધિકારીઓ જીએમઆરસીના સંકલન સામે આંખ લાલ કરી આક્રમક પગલું ભરે તેવી શક્યતા છે.
અલથાણમાં મેટ્રો ભવન માટે જમીન મંગાઇ
કોરિડોર 1 ડ્રીમ સિટીથી સરથાણા રૂટનું કામ શરૂ થઇ ગયું છે. મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત અલથાણમાં ભવ્ય મેટ્રો ભવન બનાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સુરત મહાનગર પાલિકા પાસે જમીનની માંગણી કરી છે. આગામી ગુરુવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં જગ્યાની ફાળવણી સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. મેટ્રો ભવન માટે અલથાણ ટી.પી. 37ના ફાયનલ પ્લોટ નંબર 131 વાળી ડીસ્ટ્રીક સેન્ટર માટેની રીર્ઝવ જમીનની માંગણી કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.