સુરત એસઓજી પોલીસે રેલ્વે સ્ટેશન પાસેથી એક બંગલાદેશી મહિલાને ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં બાંગ્લા દેશ બોર્ડર પર દલાલને પૈસા ચૂકવી તેની મદદથી તેણે ભારતમાં ઘુસણખોરી કરી હતી અને બોગસ ડોક્યુમેન્ટના આધારે તેણે ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો હતો. વધુમાં મહિલા સુરતના કામરેજ વિસ્તારમાં રહીને દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી હોવાનું બહાર આવ્યું હતું.
સુરત આવેલી મહિલાને ઝડપી પાડી
સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે એક બાંગ્લાદેશી મહિલા બંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી ટ્રેન મારફતે સુરત આવી રહી છે. માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી સુરત રેલ્વે સ્ટેશન પાસેથી મહિલાની ધરપકડ કરી હતી.
મહિલા પાસેથી પોલીસે અનેક દસ્તાવેજો કબજે કર્યા
પોલીસે તેની પાસેથી એક રેલ્વે ટિકિટ, બાંગ્લાદેશી પાસપોર્ટની કલર ઝેરોક્ષ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની કલર ઝેરોક્ષ, અસલ ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાનકાર્ડ અને મોબાઈલ ફોન મળી કુલ 10 હજારની મત્તા કબજે કરી હતી.
મહિલા રૂપિયા કમાવવા ગેરકાયદેસર બાંગ્લાદેશથી સુરત આવી
મહિલાની કડક પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશની વતની હોય અને પૈસા કમાવવાની લાલચે બાંગ્લાદેશ બોર્ડર ઉપર દલાલને પૈસા ચૂકવી તેની મદદથી બોર્ડર ક્રોસ કરી ભારત દેશમાં ઘૂસણખોરી કરી હતી. ત્યારબાદ બસ અને ટ્રેન મારફતે સુરત આવી કામરેજ વિસ્તારમાં રહી દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી હતી.
દલાલ મારફતથી ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવ્યા
બાંગ્લાદેશ બોર્ડર પાસે એક ઇસમની મદદથી પોતાના ભારતીય તરીકેનો જન્મનો પુરાવો, આધાર કાર્ડ, પાનકાર્ડ વગેરે બનાવ્યા હતા અને તે પુરાવાના આધારે તેણે ભારતનો પાસપોર્ટ પણ બનાવ્યો હતો. તે પાસપોર્ટ પર તે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. આ ઉપરાંત આજથી સાતેક મહિના પહેલા પોતાના વતન બાંગ્લાદેશ ગઈ હતી અને ત્યાં પોતાનો બાંગ્લાદેશનો પાસપોર્ટ પણ બનાવ્યો હતો.
ઘૂસણખોરી કરી ટ્રેન મારફતે સુરત ખાતે આવતા પકડાઈ
ગત 1 જાન્યુઆરી 2023ના રોજ દલાલ મારફતે બોર્ડર ક્રોસ કરી ભારત દેશમાં ઘૂસણખોરી કરી ટ્રેન મારફતે સુરત ખાતે આવતા પકડાઈ ગઈ હતી. વધુમાં મહિલા સામે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલાને પકડી મહિધરપુરા પોલીસને સોંપવામાં આવી
પિનાકીન પરમાર (ડીસીપી, સુરત)એ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં 26મી જાન્યુઆરી આવતી હોવાથી સુરક્ષાને અનુસંધાને ચેકિંગ ચાલી રહ્યું હતું. તપાસ દરમિયાન એક બાંગ્લાદેશની મહિલાને ઝડપી પાડી છે. બાતમી આધારે મહિલાને પકડી મહિધરપુરા પોલીસને સોંપવામાં આવી છે. મહિધરપુરા પોલીસમાં ગુનો દાખલ કર્યો છે. મહિલાએ એજન્ચ મારફતે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. તેના આધારે ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધો હતો. હાલ તો મહિલા ભારતમાં શા માટે અને કોઈ ગેરકાયદે પ્રવૃતિઓ કરી છે કે નહીં તેને લઈને વધુ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.