તપાસ:ગુગલ પરથી નંબર મેળવી કોલ કરતા મહિલાએ 1 લાખ ગુમાવ્યા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાંદેરની શિક્ષિકાને ઠગે એનિડેસ્ક એપ ડાઉનલોડ કરાવી રૂપિયા ખંખેરી લીધા

રાંદેર વિસ્તારમાં રહેતી ટ્યૂશન ટીચરે એક બેન્કમાંથી બીજી બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે ગુગલ પરથી કસ્ટમર કેરનો નંબર મેળવી કોલ કરતા સામેથી વાત કરનારે પોતાના વાતોમાં ભોળવી એનિડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી એકાઉન્ટમાંથી રૂ.1 લાખ તફડાવી લીધા હતા. બનાવ અંગે ટીચરે ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાંદેર પાલનપુર પાટીયા હિદાયતનગર સોસાયટીમાં રહેતા ડિમ્પલબેન કેયુરભાઈ પાનવાલા (ઉ.વ.31) ટ્યૂશન કલાસ ચલાવે છે. ગત તા.23 મેના રોજ તેમને સેન્ટ્રલ બેન્કમાંથી કોટક મહિન્દ્રા બેન્કમાં રૂપિયા ટ્રાન્સફર કરવા હતા. જેથી તેમણે ગુગલ પરથી ગુગલ-પે કસ્ટમર કેરનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.

ત્યાર બાદ તેમણે કોલ કરતા કસ્ટમર કેર નંબર પર સામેથી વાત કરનાર વ્યક્તિએ ડિંપલબેનને વિશ્વાસમાં લઈ એનિડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. ડિંપલબેને એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમના કહેવા મુજબ પ્રોસેસ કરતા તેમના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે રૂપિયા 1 લાખ તફડાવી લીધા હતા. એકાઉન્ટમાંથી રૂપીયા ઉપડી ગયા હોવાની જાણ થતા ડિમ્પલબેને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડિમ્પલબેનની ફરિયાદના આધારે રાંદેર પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સાથે આરોપીને ઝડપી લેવા માટેના ગતિમાન ચક્રો હાથ ધર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...