બમરોલીની બેકાવાલા ઈન્ડસ્ટ્રિયલમાં રોડરોલરે કચડી નાંખતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બમરોલી રોડ પર બિલ્ડીંગના છાંયડામાં શ્રમજીવી મહિલા સૂતી હતી દરમિયાન રોડરોલર રિવર્સ લેતી વખતે કચડી નાંખતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર માટે સિવિલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
ઘટના પર ઢાંક પીછોડો કરવા માટે મહિલાને પહેલા માળેથી પટકાઈ હોવાની કેફિયત સાથે દાખલ કરાઈ હતી. જોકે મહિલાના મોત બાદ પરિવારે તબીબ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અલથાણ સોહમ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતા પરમ કાળીયા કટારા અને તેમની પત્ની સુરંતા(21)મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. શુક્રવારે પરમ અને તેમની પત્ની સુરંતા અન્ય કામદારો સાથે બમરોલી રોડ બેકાવાળા ઈન્ડસ્ટ્રિયલમાં કોન્ટ્રાક્ટર અર્પિત રૈયાણી દ્વારા ચાલતા રોડ બનાવવાના મજુરી કામ માટે ગયા હતા. બપોર સુધી રોડ બનાવવાનંુ કામ કરી જમ્યા બાદ સુરંતા તેના 3 મહિનાના પુત્ર કાળુને સાથે લઈ બિલ્ડીંગના છાંયડામાં આરામ કરી રહી હતી.
દરમિયાન રોડ રોલરના ચાલક અજયે રોડરોલર રિવર્સ લેતી વખતે સુરંતાબેન પર ચડાવી દીધું હતું અને તેમને પગ તેમજ કમરનાભાગે ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલી સુરંતાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જોકે સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરવા માટે સિવિલ હોસ્પિટલમાં સુરંતાબેન પહેલા માળેથી પટકાયા હોવાની કેફીયત રજૂ કરવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવાર બાદ રાત્રે સુરંતાબેનનુું મોત નિપજ્યા બાદ પતિ અને પરિવારના સભ્યોએ તબીબો સમક્ષ સાચી હકીકત જણાવી હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને પતિ પરમ કટારાની ફરિયાદના આધારે રોડરોલરના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો નોંધી ઝડપી પાડવા ગતિમાન ચક્રો હાથ ધર્યા હતા.
સાથે સૂતેલા 3 માસના પુત્રનો ચમત્કારી બચાવ
ઘટના સમયે સુરંતાબેનની સાથે તેમનો 3 મહિનાનો પુત્ર પણ તેમની સાથે સૂતેલો હતો. સદ્નસીબે 3 મહિનાનો માસૂમ કાળુનો આ ઘટનામાં ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે મહિલાનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ પરિવારે વળતરની માંગણી સાથે મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર પણ કર્યો હતો. જોકે આખરે બન્ને પક્ષે સમાધાન બાદ પરિવારે મૃતદેહ સ્વિકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.