દુર્ઘટના:નવાગામ બ્રિજ ઉપર પતંગની દોરીના લીધે બાઇક પરથી પડતાં મહિલાનું મોત

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિંડોલીનું સોનાર દંપતી સંબંધીને ત્યાં જવા નીકળ્યું હતું
  • 30 વર્ષીય પરિણીતા અનિતાનું બ્રેઇન હેમરેજ થતાં મોત નીપજ્યું

ડિંડોલીમાં પતિ સાથે બાઇક પર જતી વખતે રસ્તા વચ્ચે પતંગની દોરી આવી જતાં બાઇક પરથી પટકાયેલી મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. નવાગામ ડિંડોલી બિલિયા નગર ખાતે રહેતા પ્રકાશભાઈ સોનાર લુમ્સના કારખાનામાં કામ કરી બે જોડિયા પુત્રીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તારીખ 9 જાન્યુઆરીના રોજ સાંજે પ્રકાશભાઈ અને તેમના 30 વર્ષીય પત્ની અનિતાબેન સોનાર બંને જણા બાઈક ઉપર સંબંધીને ત્યાં જવા માટે નીકળ્યા હતા.

સોનાર દંપતિ નવાગામ પાસે બ્રિજ પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે અચાનક પતંગની દોરી અનિતાબેનના કાન ઉપર આવી ગઇ હતી. જેથી અનિતાબેન કાન પરથી દોરી કાઢવા જતા તેમણે બાઇક પરથી સંતુલન ગુમાવી દીધું હતું અને બાઇક પરથી નીચે પટકાયા હતા. અનિતાબેન ચાલુ બાઇક પરથી નીચે પટકાતા તેમના માથાના ભાગે મૂઢ ઇજાઓ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અનિતાબેનને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં તેમની તપાસ કરવામાં આવતા તેમને હેમરેજ થયાનુું નિદાન થતા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું સોમવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે ડિંડોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પતંગની દોરીના કારણે શહેરમાં પ્રથમ મોત
ઉતરાયણ નજીક આવી રહી છે તેમ રોજ પતંગની દોરી થી ઇજા થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પતંગની દોરીના કારણે મોત નીપજ્યું હોવાનો આ સીઝનમાં આ પહેલો બનાવ સામે આવ્યો છે.

બે જોડિયા દીકરીઓએ માતા ગુમાવી
મૃતક અનિતાબેનને સંતાનમાં 5 વર્ષની બે જોડિયા દીકરીઓ છે. અનિતાબેનના અકાળે અવસાનને પગલે બંને દિકરીઓએ માતાની છાયા ગુમાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...