સુરતમાં કોંગ્રેસનો વિરોધ:ટેક્સટાઇલ ઉદ્યોગમાં GSTમાં કરવામાં આવેલો વધારો પરત ખેંચી માત્ર બે ટકા લેવા માગ

સુરત10 દિવસ પહેલા
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી.
  • કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જીએસટી ઘટાડવા માટે રજૂઆત કરી

કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઈલ ઉદ્યોગમાં જીએસટી 12 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા 5 ટકા જીએસટી લેવામાં આવતો હતો. શરૂઆતના તબક્કા માટે કરેલો વધારો ઉદ્યોગકારો અને વેપારીઓ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ સરકારે પોતે લીધેલા નિર્ણયમાં કોઈપણ ફેરફાર કર્યો ન હતો. કેન્દ્ર સરકારે હવે પાંચ ટકાને બદલે 12 ટકા જીએસટી કરવાનો નિર્ણય કરતા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જીએસટી ઘટાડવા માટે રજૂઆત કરી હતી.

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક નવી મુસીબત ઉભી થશે
કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગમાં જીએસટીની ટકાવારીમાં વધારો કરતા ઉદ્યોગો પર વધારાનું ભારણ આવ્યું છે. કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગ પાસેથી માત્ર 2 ટકા જીએસટી લેવી જોઈએ તેવી માગ કરી છે. કેન્દ્ર સરકાર જીએસટી કાઉન્સિલ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને 1 જાન્યુઆરી 2022થી 12 ટકા જીએસટી વસૂલવાનું શરૂ કરશે. પહેલા માત્ર રેડીમેડ કપડા ઉપર જ જીએસટી લાગુ પડી હતી. હવે કાપડ ઉપર પણ ધરખમ વધારો થતાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક નવી મુસીબત ઉભી થશે.

ટેક્સટાઇલ ઉધોગને ટકાવી રાખવાની માગ.
ટેક્સટાઇલ ઉધોગને ટકાવી રાખવાની માગ.

કાપડ મોંઘું થશે અને તેની અસર ગ્રાહકોના ખિસ્સા ઉપર થશે
કોંગ્રેસના શહેર ઉપાધ્યક્ષ હરીશ સૂર્યવંશી દ્વારા આવેદનપત્ર આપીને કાપડ ઉદ્યોગ પર નાખવામાં આવેલી જીએસટી ઘટાડવાની માગ કરવામાં આવી છે. જીએસટી વધારવાના કારણે કાપડ મોંઘું થશે અને તેના કારણે ગ્રાહકોના ખિસ્સા ઉપર અસર થશે. વૈશ્વિક બજારમાં સુરતના ટેક્સટાઇલ ઉધોગને ટકાવી રાખવાની સ્થિતિમાં આ પ્રકારના તઘલખી નિર્ણય વેપારની ગતિને ધીમી કરે છે અને ઉદ્યોગ માટે આવી નીતિઓ નુકસાનકારક પુરવાર થાય છે. કેન્દ્ર સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે તેને પરત ખેંચી લઇને કાપડ પર માત્ર બે ટકા જેટલો જ જીએસટી લગાડવામાં આવે તેવી માગ કરી છે.