સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા થયા પછી લોકોમાં ભયનો માહોલ છે. યુવતીઓની પજવણીને લગતી આવી ઘટનાઓ છેલ્લા ઘણાં સમયથી ઘણી વધી છે. આ સ્થિતિમાં યુવતીઓ અને તેમના પરિવારજનો ઘણાં ચિંતિત છે. આ સ્થિતિમાં ખાસ યુવતીઓ માટે સેલ્ફ ડિફેન્સના ક્લાસની જાહેરાત થતાં જ 15 કલાકમાં 132 યુવતીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સહિત શહેરની બીજી અનેક સંસ્થાઓએ માર્ચના પહેલા અઠવાડિયામાં સેલ્ફ ડિફેન્સના ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.
ઈન્ડિયા હેલ્થલાઈન દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ ડૉ. પૂર્વેશ ઢાકેચા કહે છે કે, ‘આ પ્રકારના સેલ્ફ ડિફેન્સ ક્લાસમાં શારીરિક અને માનસિક બંને પ્રકારની તાલીમ આપવામાં આવશે. તેમાં શારીરિક અને માનસિક મજબૂતાઈ માટે લાઠી, તલવાર અને બંદૂક જેવા જુદા જુદા હથિયારોની તાલીમ આપવામાં આવશે. આ જ હેતુથી દોરડાથી ઉપર ચઢવાની પણ પ્રેક્ટિસ કરાવાશે. આ ઉપરાંત હથિયાર વિના કેવી રીતે સામનો કરવો તે પણ શીખવવામાં આવશે. અમે એક વર્ષમાં 11 હજાર યુવતીઓને આવી તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.’
‘ત્રણ છોકરાએ બાઈક પર પીછો કર્યો એટલે ટ્રેનિંગનો નિર્ણય’
હું છેલ્લાં કેટલાક સમયથી સ્ટેશન નજીકની વિનસ હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફ તરીકે જોબ કરી રહી છું. હું કામરેજમાં રહું છું. હોસ્પિટલમાં અમારે શિફ્ટ હોય છે. એટલે જોબનો સમય ફિક્સ નથી હોતો. મેં અનેકવાર રસ્તામાં જોયું છે કે, છોકરીઓની જાહેરમાં છેડતી થાય છે. પાસોદરાની ઘટના પછી સેલ્ફ ડિફેન્સ કોર્સમાં મેં રજિસ્ટ્રેશન કરાવી દીધું. મેં મારી અનેક ફ્રેન્ડ્સને પણ આ કોર્સ કરવાનું કહ્યું છે. > માનસી પટેલ, ઉંમર 22 વર્ષ
ગ્રીષ્માનો હત્યાનો વીડિયો જોઈને હું હતપ્રત છું. મારી સાથે બે ઘટના બની હતી. એકવાર રાત્રે હું મારા પપ્પાને બસ સ્ટેશન પર છોડીને આવતી હતી, ત્યારે એક કારચાલકે મારો પીછો કર્યો હતો. એ પહેલાં હું 12માં ધોરણમાં હતી ત્યારે પણ ત્રણ છોકરાએ બાઈક પર મારો પીછો કર્યો હતો. આ ઘટનાઓમાં હું માંડ માંડ બચી હતી. તેથી હવે મેં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવાનો નિર્ણય કર્યો છે. > ડૉ. અમી કિકાણી, ઉંમર 25 વર્ષ
સુરતની ઘટના દર્દનાક છે. છોકરીઓને શિક્ષણની સાથે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગની પણ ખૂબ જ જરૂરી છે. દરેક જગ્યાએ શિક્ષણ કામ આવતું નથી. શારીરિક-માનસિક મજબૂતાઈ પણ જરૂરી છે. હવે દીકરી બચાવો, દીકરી ભણાવોની સાથે દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ આપો એવું કહેવું પડશે. હાલના વાતાવરણમાં મને સેલ્ફ ડિફેન્સનો કોર્સ કરવો જરૂરી લાગે છે એટલે મેં પણ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. > ડૉ. રુતા ધોરાજિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.