સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની 80 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. જીવલેણ કોરોના મહામારીમાં પણ ગ્રામજનોએ હોળીનાં અંગારા પર ચાલવાની પરંપરા અખંડ રાખી હતી.
80 વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે
ઓલપાડ તાલુકાનું સરસ ગામ કે જ્યાં ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરને આવેલું હોય અહીં શિવ દર્શન સાથે હોળી પૂજનની પણ અનોખી અને ઐતિહાસિક 80 વર્ષ જૂની પરંપરા ચાલી આવી છે. સરસ ગામે ગ્રામ પંચાયતના સહયોગથી થતી આવેલી હોળી પૂજા વિધિમાં હોળી દહન બાદ અંગારા પર ગ્રામજનો ઉઘાડા પગે ચાલે છે.
છ સેન્ટીમીટર સુધીનો થર પાથરેલા અંગારા પર ચાલે
હોળીની રાત્રે શ્રદ્ધામાં ગળાડૂબ બાળકોથી લઇને વયોવૃદ્ધ લોકોને સળગતા અંગારામાં ચાલતા જોઈ દર્શન અર્થે આવેલા લોકો મંત્ર મુગ્ધ બની જાય છે. હોળીકા દહન બાદ ત્યાંના લોકો છ સેન્ટીમીટર સુધીનો થર પાથરેલા અંગારા પર ચાલે છે. નાના બાળકથી લઇને વયો વૃદ્ધ લોકો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે. વર્ષો થી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરતાં આવ્યા છે.
લોકો હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે આવે
સરસ ગામના લોકોની પણ શ્રદ્ધા હોળીના પર્વ પર છે. વર્ષોથી ચાલી આવતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે ઓલપાડ ગામના લોકો જ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવશ્ય પધારે છે.
હોળીના દિવસ સિવાય આ અંગારા પર ચાલી શકાતું નથી
સરસ ગામે બાપ-દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે. આજે ગ્રામજનો ચાલે છે. તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે. સરસ ગામમાં જ નહીં પરંતુ સુરત જિલ્લાના કોઈ પણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ આગમાં ચાલી શકીએ છે. જે હોળી માતાની શ્રદ્ધા છે. હોળીના આગના અંગારા પર જ વર્ષમાં એકવાર ચાલી શકાય છે, પરંતુ હોળીના દિવસ સિવાય આ આગના દેવતા પર ચાલી શકાતું નથી.
- ચંદુભાઈ પટેલ, ગામ આગેવાન
પુજા બાદ ચંદુભાઈ સૌથી પહેલા અંગારામાં ચાલે છે
60 વર્ષીય ચંદુભાઈ 40 વર્ષથી ચાલતા આવ્યા છે, છેલ્લા 80 વર્ષ અગાઉથી હોળીના અંગારામાં ચાલવાની પરંપરાના છે. અને પોતે વર્ષોથી એના સાક્ષી છે. હોળીની પુજા બાદ ચંદુભાઈ સૌથી પહેલા અંગારામાં ચાલે છે. ત્યારબાદ ગામના યુવાનો અને અન્ય લોકો અંગારા પર ચાલે છે. કોરોના મહામારી દરમિયાન ગત વર્ષે ચંદુભાઈ એકલા એ અંગારા પર ચાલીને પરંપરા ટકાવી રાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.