ડાયમંડ સિટી સુરતમાં આગામી દિવસોમાં સુરત પોલીસ 595 નવા સીસીટીવી કેમેરા લગાડવાની તૈયારી કરી રહી છે. જેના માટે ગુજરાત સરકારના ‘વિશ્વાસ’ પ્રોજેકટ હેઠળ આ કેમેરા લગાવાશે. અત્યાર સુરત શહેરમાં પીપીપી ધોરણે 725 કેમેરા લગાડેલા છે. આ કેમેરા થકી સુરત પોલીસને અત્યાર સુધીમાં 84 ટકા ગુના ઉકેલવામાં મદદ મળી છે. 595 નવા કેમેરા ખાસ કરીને જે એરિયામાં ઓછા કેમેરા છે તેવા એરિયામાં લગાડાશે.
ઉપરાંત આગામી દિવસોમાં સુરત મહાનગર પાલિકા દ્વારા પણ 2 હજાર કેમેરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લગાડાશે, પાલિકા અને પોલીસ બંને એકબીજાને સીસીટીવી કેમેરાના નેટવર્ક ફીડ આપશે, જેથી એકબીજાના કેમેરાને જોઈ શકશે, સાથે પોલીસને પાલિકાના કેમેરા થકી ગુનેગારોને પકડવામાં મદદ પણ મળશે. આ કેમેરાનો અંદાજિત ખર્ચ લગભગ 40 થી 50 કરોડનો છે. નવા કેમેરાઓમાં ખાસ કરીને પોલીસ ફિક્સ કેમેરા, પીટીઝેડ, સ્પીડ કેમેરા, ઓટોમેટીક નંબર પ્લેટ કેમેરા અને રોંગ સાઇડ ડ્રાઇવીંગ ટ્રાફિક વાયરલેશ કેમેરા લાગશે.
પિકઅવર્સમાં ટ્રાફિક ક્લિયર કરવામાં સરળતા
શહેરમાં ખાસ કરીને પીકઅર્વસમાં જે વિસ્તારમાં ટ્રાફિક રહેતો હોય તે વિસ્તારોના સીસીટીવી કેમેરા પર ટ્રાફિક પોલીસ દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં પીકઅર્વસમાં ટ્રાફિકના એસીપી અથવા તો પીઆઈ સીસીટીવી કેમેરા થકી શહેરમાં જ્યાં વધારે ટ્રાફિક રહેતો હોય તે વિસ્તારના પીઆઈને જાણ કરી ટ્રાફિક ક્લિયર કરાવવાનું શરૂ કરી દીધું છે. > અજય તોમર, પોલીસ કમિશનર, સુરત શહેર
નાગરિકની સુરક્ષા માટે ઉપયોગી પૂરવાર થયા
સુરત પોલીસે વર્ષ 2012ના ડિસેમ્બરમાં પીપીપી ધોરણે 104 સીસીટીવી કેમેરાથી શરૂઆત કરી હતી. આજે શહેરમાં 725 સીસીટીવી કેમેરા અલગ અલગ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે. આ કેમેરા સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ઉપયોગી નીવડી રહ્યા છે. > અશોક કાનૂંગો, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.