પોલીસની નો-ડ્રગ્સ ઈન સુરત સિટી ઝુંબેશને પગલે સુરતમાં ગાંજો ઘૂસાડવો મુશ્કેલ થઈ ગયો છે. ત્યારે સુરતમાં ગાંજાની અછતને પારખીને નશાના સોદાગરોએ ગાંજાનો ભાવ આસામાને પહોંચાડી દીધો છે. જે ગાંજો ઓડિશાથી 5 હજારમાં મળતો હતો તેનો ભાવ હાલ 24 હજાર કરી દેવામાં આવ્યો છે. જેનો ખુલાસો લિંબાયતમાંથી 8 કિલો ગાંજા સાથે ઝડપાયેલા યુવકની પૂછપરછમાં થયો છે.
ઘરમાં જ ગાંજાની પડીકીઓ બનાવતો
એસઓજીને મળેલી બાતમીના આધારે એસઓજીએ લિંબાયત બેઠી કોલોની ફારુકી મસ્જીદની સામે ઘર નં.એ/65 ના બીજા માળે રહેતા વસિમ કયુમ સૈયદ ( ઉ.વ.23 ) ને ત્યાં રેડ કરી હતી. ઘરમાં સોફા ઉપર મુકેલા થેલાની તપાસ કરતા રૂ.88,300ની મત્તાનો 8 કિલો 830 ગ્રામ ગાંજો મળ્યો હતો. એસઓજીએ વસિમ પાસેથી ગાંજો ઉપરાંત એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,03,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મામા જ ગાંજો લાવીને આપી ગયા
વસિમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ગાંજાની પડીકી બનાવી ચોરીછૂપીથી છુટક વેચાણ કરે છે અને તેને ગાંજો તેના મામા અકરમ અલ્લારખા શેખ ( રહે. મીઠીખાડી, લીંબાયત, સુરત ) અને તેનો સાગરીત સોએબ ઈકબાલ શેખ ( રહે.કમરૂનગર ટેનામેન્ટ, કમરૂનગર પોલીસ ચોકીની પાછળ, મીઠીખાડી, લીંબાયત, સુરત ) થોડા દિવસ અગાઉ વેચાણથી આપી ગયા હતા.
નશાના સોદાગરોએ ભાવ આસમાને પહોંચાડી દીધો
વસિમની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સુરત પોલીસની નો ડ્રગ્સ ઈન સુરત સિટી ઝુંબેશને પગલે ગાંજાની અછત સર્જાતા નશાના સોદાગરોએ તેનો ભાવ આસમાને પહોંચાડી દીધો છે. અગાઉ ઓડિશાથી રૂ.5 હજારમાં મોકલાતા ગાંજાની કિંમત પાંચગણી વધારીને રૂ.24 હજાર કરી દીધી છે. તેના મામા આ કિંમત ચૂકવીને મહામુશ્કેલીએ ઓડિશાથી ગાંજો લાવ્યા હતા અને તેને વેચ્યા બાદ વસિમ પણ જે પડીકી બનાવી વેચતો હતો તેની કિંમત અંદાજીત રૂ.30 હજાર પ્રતિ કિલો જેટલી થાય છે.
ભેસ્તાનમાં ગાંજો વેચતી મહિલા ઝડપાઈ
સુરતમાં પાંડેસરા પોલીસને માહિતી મળી હતી કે ભેસ્તાન ખાતે આવેલા આવાસમાં બાનુ ઉર્ફે યાસ્મીન નામની મહિલા તથા સોયેબ નામના ઈસમો ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડી વેચાણ કરે છે. માહિતીના આધારે પાંડેસરા પોલીસે 29 ડિસેમ્બરના રોજ દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા 38 હજાર 480 રૂપિયાનો 3 કિલો 848 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ઘટનામાં બાનુ ઉર્ફે યાસ્મીનની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આ ગાંજાનો જથ્થો સોયેબ નજીર શાહ નામના ઇસમે મંગાવ્યો હતો અને પ્રશાંત નામના ઇસમે આ ગાંજાનો જત્થો આપ્યો હતો. જેથી પોલીસે બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રકમાંથી 5.30 કિલો ગાંજો ઝડપાયો
સુરત સિટી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કુંભારીયા ગામના પાદર ફળીયામાં સહયોગ ટ્રાન્સપોર્ટના ગેટ પાસે ખાડી કિનારે પાર્ક ટ્રક(MH-48-J-0772)ની તપાસ કરી હતી. જે અંતર્ગત ડ્રાઇવર કેબીનમાંથી ડ્રાઇવર સદ્દામ શફીક શેખ (ઉ.વ. 30 રહે. ગુલશેર નગર, માલેગાંવ, જિ. નાસીક, મહારાષ્ટ્ર) અને ક્લીનર નાસીર હુસૈન ઇકબાલ અહેમદ અંસારી (ઉ.વ. 27) ને ઝડપી પાડી કેબીનમાંથી 5.303 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે લીધો હતો. પોલીસે સદ્દામ અને નાસીર વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં માંલેગાંવના ગફાર શેખ નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યાની અને સુરતમાં ગફાર નામના વ્યક્તિને ડિલીવરી આપવાનો હોવાની કબૂલાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.