ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ચોમાસાને 40 દિવસ બાકી છે ત્યારે 7 મુખ્ય રોડનું રિપેરિંગ 60 દિવસ પહેલાં અશક્ય, છતાં પણ નવાં ખોદકામો ચાલુ

સુરત7 દિવસ પહેલાલેખક: પ્રજ્ઞેશ પારેખ
  • કૉપી લિંક
પાલિકા મુખ્ય કચેરી રોડ - Divya Bhaskar
પાલિકા મુખ્ય કચેરી રોડ
  • પાલિકાના સ્થાયી ચેરમેને આપેલી સૂચના 3 સપ્તાહ બાદ પણ હવામાં
  • મેયર મેડમ... તમે સમીક્ષા રાઉન્ડ તો લીધો પણ નવાં નવાં ખોદકામ થઈ રહ્યાં છે તેનું શું?

ચોમાસા આડે માંડ 40 દિવસ બાકી છે ત્યારે પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીના ઠેકાણાં નથી. ઠેર ઠેરના ખોદકામને સેઈફ સ્ટેઇજ પર લાવવાનું તો દૂર, ડ્રેનેજ-હાઇડ્રોલિક જેવા નવા ખોદકામ શરૂ કરાતાં સેન્ટ્રલ, અઠવા, વરાછા ઝોનના રોડની હાલત કફોડી બનશે. નિયમ પ્રમાણેની રોડ મરામત માટે ઓછામાં ઓછા 60 દિવસ જોઈએ. શહેરના 7 મુખ્ય માર્ગો પર વધુ મુશ્કેલી થશે. રોડની ટ્રેન્ચ બેસી જવી, ધોવાઈ જવા જેવી સમસ્યાઓ સર્જાશે. સ્થાયી ચેરમેને તમામ ઝોનને આપેલી સૂચનાને 3 સપ્તાહ થવા છતાં રિપેરિંગને બદલે વધુને વધુ ખોદકામો કરાઈ રહ્યા છે.

પાલિકા મુખ્ય કચેરી રોડ: આ રસ્તા પર જ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી આવી છે. હજારો વાહનચાલકો, રાહદારીઓ અહીંથી પસાર થાય છે. હવે ચોમાસું નજીક છે ત્યારે નવા ખોદકામો હાથ ધરાયા છે.

ભાગળ રોડ: અહીંથી દરરોજ હજારો લોકો પસાર થયા છે છતા રસ્તાને ખોદકામ બાદ આડેધડ પૂરી દેવાયો છે.

મસ્કતી હોસ્પિટલ રોડ: રોજના સેંકડો દર્દીઓ અહીંથી પસાર થતા હોવા છતા કેટલાય સમયથી કામ ઠેરનું ઠેર છે.

કતારગામ હોડીબંગલા: ખાડો તો પૂરાયો છે પરંતુ કપચી નાખી દેતા અનેક બાઇકચાલકો અહીં સ્લિપ થાય છે.

અઠવાલાઈન્સ રોડ: અનેક સરકારી કચેરીઓ આ રોડ પર આવેલી હોવા છતા સામે ચોમાસે કામગીરી ચાલે છે.

ચિંતામણી જૈન દહેરાસર રોડ: અહીં સેંકડો લોકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદમાં સ્થિતિ હજુ બગડશે.

વરિયાવી બજાર પાસે: ડ્રેનેજ માટે ખોદકામ કરાયાના મહિના ઉપર સમય થયો છતા ખાડો પૂરાતો નથી.

રોડ બન્યા હોય તે જ રીતે રિપેર કરવા પડે, પાણી પચવું પણ જરૂરી
શહેરના રોડ જે રીતે બનાવાયા હોય તે જ રીતે રિપેરિંગમાં પણ લેયર બનાવવા પડે. ખાડા ખોદાયા હોત તો પૂરાણ બાદ પાણીથી ભરી પચવા દેવું પડે જેથી માટી જેટલી બેસવાની હોય એટલી બેસી જાય. પ્રોપર રિપેરિંગ માટે 22થી 30 દિવસ જરૂરી છે. ત્યાર પછી રોડ સ્થાયી પણ થવા જોઈએ. - પ્રો. અતુલ દેસાઇ, SVNIT

પાલિકા શું કહે છે; કામગીરી લાંબી ચાલે એવું છે છતાં ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવા તમામ પ્રયાસ કરાશે
પાલિકાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, ડ્રેનેજ લાઈન નવી નાંખવાથી લઈને મેટ્રોના વિકાસ કામો માટે ખાદકામો થઈ રહ્યાં છે. આ કામગીરી લાંબી ચાલશે છતાં ચોમાસામાં લોકોને અગવડતાં ન પડે તે માટે તમામ પ્રયાસો કરાશે.

અન્ય સમાચારો પણ છે...