• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Youth Wins Battle Against Corona In 6 Days Despite Both Kidney Failures, Family Feels It Is Wrong To Kill Patients In Civil

રેર ઓફ ધી રેર કિસ્સો:સુરતના યુવાનની બંને કિડની ફેલ છતાં કોરોના સામે 6 દિવસમાં જંગ જીત્યો, સિવિલમાં દર્દીઓને મારી નાખે એ વાત ખોટી હોવાનો પરિવારે અનુભવ કર્યો

સુરત9 મહિનો પહેલા
દર્દી જ્યારે હોસ્પિટલમાં આવ્યો હતો ત્યારે 80 ટકા ઓક્સિજન લેવલ હતું અને બન્ને કિડની ખરાબ હતી.
  • ખાનગી હોસ્પિટલના ભાવ સાંભળીને જીવવાની આશા જ છૂટી ગઈ હતી
  • યુવાનની બંને કિડની ફેલ હોવાથી અઠવાડિયામાં બેવાર ડાયાલિસિસ કરાતું હતું

સુરત સિવિલ હોસ્પિટલમાં બન્ને કિડની ફેલિયર અને અઠવાડિયામાં બેવાર ડાયાલિસિસ કરાવતા દર્દીને 6 દિવસની સારવાર બાદ સાજો કરી રજા અપાઈ છે. નવાઈની વાત એ છે કે, વેન્ટિલેટર પરથી બહાર આવીને સાજા થઈ રજા લેનાર રમેશચંદ્ર પાઠકનો કિસ્સો રે ઓફ ધી રેર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. એટલું જ નહીં, પણ દર્દીની જાગૃતિ અને સમયસરની સારવારને લઈ તેને સાજો કરવામાં ડોક્ટરોને ઘણી મદદ મળી હોય એમ કહી શકાય છે. રમેશચંદ્ર પાઠક અને તેમના પરિવારે ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે નવું જીવન મળ્યું છે, સિવિલના ડોક્ટરોને ક્યારેય નહીં ભૂલીએ, ખાનગી હોસ્પિટલના ભાવ સાંભળીને જીવવાની આશા જ છૂટી ગઈ હતી. સિવિલમાં દર્દીઓને મારી નાખે એ વાત સદંતર ખોટી હોવાનો અનુભવ જાતે કર્યો છે. ડોક્ટરોએ સારવારમાં ધ્યાન ન આપ્યું હોત તો પરિવાર આજે ચોધાર આંસુએ રડતો હોત.

કોરોના ઇન્ફેક્શન 25 ટકા જેટલું હતું
અવધેશ પાઠક (દર્દીના નાના ભાઈ)એ જણાવ્યું હતું કે આખો પરિવાર ખૂબ જ આનંદમાં છે. આજે જ રજા આપવામાં આવી. વતન યુપી અયોધ્યા સુધી તમામ ખુશ છે. ઘરે આવ્યા બાદ ભાઈ રમેશચંદ્ર પાઠક મોબાઈલ ફોન પર વતન પરિવાર સાથે વાત કરતા થાકતા જ નથી. 21 એપ્રિલે RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કિડની સ્પેશિયાલિસ્ટ તબીબે લોહી ચઢાવવાની સલાહ આપી હતી. ત્યાર બાદ એક ખાનગી હોસ્પિટલમાં એક બોટલ લોહી ચઢાવ્યા બાદ અચાનક શ્વાસની તકલીફ ઊભી થતાં સીટી સ્કેન કરાવ્યું હતું, જેમાં કોરોના ઇન્ફેક્શન 25 ટકા જેટલું દેખાતાં તાત્કાલિક ડોક્ટરે દાખલ થવાની સલાહ આપી હતી. જોકે ખાનગી હોસ્પિટલના ભાવ (પેકેજ) સાંભળી ભાઈએ તો જીવવાની આશા જ છોડી દીધી હતી.

ડાયાલિસિસ સાથે કોરોનાની 6 દિવસ સુધી સારવાર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે 23મીએ ડોક્ટરની સલાહ બાદ જ ભાઈને સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનો સીટી સ્કેન રિપોર્ટ જોઈ તબીબોએ કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. ડાયાલિસિસ સાથે કોરોનાની 6 દિવસ સુધી સારવાર આપી ભાઈ રમેશચંદ્રને સાજા કરી દીધા હતા. ત્રણ સંતાનના પિતા આજે વતન રહેતા પરિવાર સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે, એ જ અમારા માટે ખુશીની વાત છે. આખો પરિવાર ડોક્ટરોનો આભાર માની રહ્યો છે.

5 દિવસ રેમડેસિવરના ઇન્જેક્શન, સ્ટિરોઇડ સાથે વેન્ટિલેટર પર રાખ્યા હતા.
5 દિવસ રેમડેસિવરના ઇન્જેક્શન, સ્ટિરોઇડ સાથે વેન્ટિલેટર પર રાખ્યા હતા.

સ્ટિરોઇડ સાથે વેન્ટિલેટર પર રાખી સાજા કર્યા
ડો હિરેન રાબડિયા (મેડિસિન વિભાગના રેસિડેન્ટ)એ જણાવ્યું હતું કે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવ્યો હતો ત્યારે 80 ટકા ઓક્સિજન લેવલ હતું. બન્ને કિડની ખરાબ હતી. ડાયાલિસિસ પર હતો. તાત્કાલિક બે દિવસ બાયપેપ પર રાખવાની ફરજ પડી હતી. બે વાર ડાયાલિસિસ કરાવવા પડ્યા હતા. એની સાથે 5 દિવસ રેમડેસિવરનાં ઇન્જેક્શન, સ્ટિરોઇડ સાથે વેન્ટિલેટર પર રાખ્યા હતા, જ્યાંથી ઓક્સિજન આવવું એટલે રેર ઓફ ધી રેર કેસ કહી શકાય છે. 6 દિવસની સારવારમાં આટલી જલદી રિકવરી પાછળ દર્દીની જાગૃતિ અને ડોક્ટરોની સમયસર સારવાર મુખ્ય ભૂમિકા કહી શકાય છે. એસો. પ્રોફેસર ડો. વિવેક ગર્ગ, એનેસ્થેસિયા હેમાનગિની પટેલ, રેસિડેન્ટ તબીબ હિરેન રાબડિયા સહિત સમગ્ર ટીમ અને નર્સિંગ સ્ટાફની મહેનત ફળી ગઈ એ જ અમારી સિદ્ધિ છે.