આ વર્ષે શનિ અને રવિ એમ બે દિવસ ઉત્તરાયણ માણવા મળશે. વાસી ઉત્તરાયણ રવિવારે હોવાથી ઉજવણીનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. પતંગરિયાઓ માટે સારા સમાચાર છે કે, આ વખતે પવનની ગતિ સારી રહેવાની સંભાવના છે. શનિવારે સવારે પવનની દિશા ઉત્તર-પૂર્વની અને ઉત્તરની રહેશે, ગતિ 9થી 21 કિલોમીટરની રહેશે. જ્યારે રવિવારે પવનની ઝડપ વધુ રહેશે.
જેમાં 10થી 24 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે. પવન તેજ રહેવાને કારણે ઠૂમકા મારવાની શક્યતા નહીંવત છે. બપોર સુધી પવનની ગતિ સામાન્ય રહેશે અને તે ત્યારપછી તેજ રહેવાનું અનુમાન છે. જેથી સાંજે પતંગ ચગાવવાની વધારે મજા આવશે.
શહેરમાં 100 કરોડ રૂપિયાના દોરી અને પતંગનું વેચાણ થયું
શહેરમાં આ વર્ષે ઉતરાયણનો માહોલ જામ્યો છે. ડબગરવાડ સહિતની માર્કેટમાં છેલ્લા દિવસે લોકોની ભીડ જામી હતી. મોડી રાત સુધી દોરી ઘસાવવા અને પતંગ ખરીદવા પડાપડી થઈ હતી. જેમાં અંદાજે 100 કરોડથી વધારેનું વેચાણ થયું હતું. ભાવમાં તોતિંગ વધારો હોવા છતાં સુરતીઓએ ખરીદી કરી હતી.
છેલ્લાં દિવસે જ દોરી-પતંગનો 20 કરોડથી વધુનો વેપાર થયો
પતંગ રસિયાઓ ઉત્રાયણ પહેલા જ દોરી-પતંગની ખરીદી કરી લેતા હોય છે. જ્યારે અમુક લોકો આગળના દિવસે ખરીદી કરે છે. ખાસ કરીને ડબગરવાડ અને ભાગળની દુકાનોમાં છેલ્લા દિવસે મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. આગલા દિવસે અંદાજે 20 કરોડથી વધુના દોરી-પતંગ વેચાયા હતા.
આ વર્ષે દોરીના ભવ બમણા અને પતંગના 30 ટકા વધ્યા
માંજો ભલે સુરતી વખણાતો હોય પણ પતંગ ખંભાતના. જો કે, આ વર્ષે દોરી અને પતંગ બંનેના ભાવમાં વધારો થયો છે. દોરીના ભાવ ડબલ થઈ ગયા છે, જ્યારે પતંગના ભાવમાં 30 ટકા ભાવ વધારો થયો છે. જો કે, તેમ છતાં આ વર્ષે દોરી અને પતંગ બંનેની શહેરમાં ભારે માંગ રહી હતી.
નમ્ર અપીલ : કાચવાળો કાતિલ માંજો ટાળો, લોકો અને પક્ષી બંને માટે જોખમી છે
ઉત્તરાયણમાં આપણી મજા પક્ષીઓ માટે સજા ન બને એનું ધ્યાન રાખવું આપણી ફરજ છે. કાચવાળો ઘાતક દોરો વાપરવાનું ટાળો. ગયા વર્ષે 150થી વધુ પક્ષી ઘાયલ થયા હતાં જેમાંથી કેટલાકના મોત પણ થયા હતાં. સવારે 6થી 8 અને સાંજે 5થી 7 દરમિયાન પતંગ ન ઉડાવો. ખાસ કરીને સાંજે પક્ષીઓ માળા તરફ પરત થતા હોય છે.
BRTSમાં પતંગ પકડવા કે ચગાવવા નહીં
બીઆરટીએસ કોરિડોરમાં પતંગ ચગાવતા, પકડતાં હોય અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેથી પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુમાં બીઆરટીએસ કોરિડોરમાં રસ્તો રેલિંગ ઉપરથી કુદીને પસાર નહીં થવું, ફક્ત ઝિબ્રા ક્રોસિંગ પરથી બંને બાજુ જોઈને કાળજીપૂર્વક ઓળંગવાનું પણ જણાવવામાં આવ્યું છે.
ઇજાગસ્ત પક્ષી માટેના હેલ્પલાઇન નંબર
છેલ્લા 15 વર્ષથી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઈન સેવા ચાલે છે. જે માટે 8460670644, 9979087053, 9825504766, 9825525637, 9909927924 પર ઈજાગ્રસ્ત પક્ષી કે નાગરિકોની સારવાર માટે કોલ કરી શકાશે. શહેરમાં ઘણી સામાજિક સંસ્થાઓ જીવદયા અને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, જે સરાહનીય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.