તડામાર તૈયારી:સુરતના પાલમાં અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થશે, 4100 લાડુ ધરાવાશે

સુરતએક મહિનો પહેલા
  • હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે

કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે વર્ષથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી ન હતી. વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી જતાંની સાથે તમામ તહેવારો ખૂબ જ ધૂમધામથી ઊજવાય રહ્યા છે. એ જ રીતે અટલ આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી હનુમાન મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદ લેવા માટે આવતા હોય છે. આ વખતે હનુમાન જયંતિને લઈને આશ્રમ તરફથી 4100 બુંદીનો લાડુ ચઢાવવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

શહેરના વિવિધ હનુમાનજી મંદિરોની અંદર હનુમાન જન્મ જયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. હનુમાનજી મહારાજનો પ્રસાદ લેવા માટે ભાવિક ભક્તો મંદિરોમાં જતા હોય છે. અટલ આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી બુંદીનો પ્રસાદ તરીકે લાડુ બનાવવામાં આવતો હોય છે જે સમગ્ર શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. સાવરે 10:00થી લઈને રાત્રે 11:00 સુધી ભંડારાનું મોટું આયોજન કરવામાં આવતું હોય છે.

અટલ આશ્રમના મહંત બટુક ગીરી મહારાજે જણાવ્યું કે અહીં હનુમાનજી મંદિરની અંદર 2004થી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દર વર્ષે વિશાળ લાડુનો પ્રસાદ ભગવાનને ચઢાવવામાં આવતો હોય છે. દર વર્ષે ચોક્કસ પ્રમાણમાં લાડુનું કદ વધારવામાં આવતું હોય છે. 2014માં જે બનાવવામાં આવતો હતો તે વધીને હવે ત્યાં 4100 કિલો જેટલો થઈ ગયો છે. દર વર્ષે અહીં 20થી 25 હજાર જેટલા ભાવિક ભક્તો આવીને પ્રસાદી ગ્રહણ કરતા હોય છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લાં બે વરસથી આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ હવે ભગવાનની કૃપા થઈ છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હવે આવી સ્થિતિ ફરી ઉભી ન થાય.

લાડુ

  • ખાંડઃ 1600 કિલો
  • ચણાની દાળઃ 1700 કિલો
  • તેલઃ 600 કિલો
  • સૂકો મેવોઃ 150 કિલો