સુરત પાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં પાણીની લાઈનની કામગીરી બે દિવસ ચાલવાની હોવાથી આવતીકાલ બુધવાર અને ગુરુવારે કોસાડના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો ખોટકાશે. આ દિવસ દરમિયાન કોસાડ વિસ્તારના લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત પૂરતા પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકા તંત્રએ અપીલ કરી છે.
નવા વિસ્તારમાં પાણી પુરવઠો આપવા માટેની કામગીરી
સુરત શહેરના બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કતારગામ ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા માટે હાઇડ્રોલિક વિભાગ કામગીરી કરી રહ્યો છે. કતારગામ ઝોનના નવા વિસ્તારમાં પાણી પુરવઠો આપવા માટેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના પગલે 8 અને 9 ફેબ્રુઆરીના રોજ કોસાડ વિસ્તારમાં રાઈઝીંગ લાઈન પર વાલ્વ મુકવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત બાયપાસ લાઈન પર લીકેજ રીપેરીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
સૃષ્ટિ સોસાયટીથી લઈને કોસાડ સુધી પાણીકાપ
8 ફેબ્રુઆરીના રોજ અમરોલી સાયણ મેઈન રોડની આસપાસનો વિસ્તાર, સૃષ્ટિ સોસાયટી વિ-1, 2 અને 3ની આસપાસની સોસાયટી વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં. આ ઉપરાંત કોસાડ ગામતળ તથા આસપાસનો વિસ્તાર તથા કોસાડ રજવાડી પ્લોટની આસ-પાસનો વિસ્તાર જેવા કે, જુનો કોસાડ રોડ, નવો કોસાડ રોડ, ક્રોસ રોડ, સત્તાધાર ચોકડીનો વિસ્તાર તેમજ કોસાડ વિસ્તારમાં 8 અને 9 ફેબ્રુઆરીના રોજ પાણી પુરવઠો મળશે નહીં અથવા ઓછા દબાણથી મળશે. 10મી ફેબ્રુઆરીથી સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે. બે દિવસ જે વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે તે વિસ્તારના લોકોને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.