વિદેશ રહેતા યુવકો સાથે દીકરીના લગ્ન કરતા પરિવારજનો માટે વધુ એક સતર્ક કરતો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે સ્ત્રી અત્યાચારની ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્ન બાદ પહેલા તો દુબઈ લઈ જવાની મનાઈ અને દુબઈ લઈ ગયા બાદ 112 કલાકની નોકરી કરાવી હતી. જ્યારે દુબઈથી પરત ફર્યા તો પત્નીનું મિસકેરેજ થતા ભૂવા પાસે પણ લઈ ગયા હતા. જ્યારે અટેલેથી પણ ન અટકતા પતિને પત્નીને નોનવેજની સાથે દારૂ પણ પાયો હતો. ત્યારબાદ પતિને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.
લગ્ન સમયે પર સાસરીયાઓએ માથકૂટ કરી
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સુરતમાં રહેતી ખુશાલી(નામ બદલ્યું છે)ના લગ્ન મૂળ વલસાડ અને દુબઈમાં નોકરી કરતા શ્યામ ભરતભાઈ ચાંપાનેરી સાથે 2021માં થયા હતા. લગ્ન સમયે પણ શ્યામના પરિવારજનોએ માથાકૂટ કરી હતી. લગ્ન નક્કી થયા ત્યારથી શ્યામ એમ કહેતો કે, હું તને મારી સાથે જ દુબઇ લઇ જઇશ પરંતુ લગ્નના અઠવાડિયા પહેલા તેને મને સાથે લઇ જવાની ના પાડી દીધી. તે બાબતે પણ મારી સાથે બોલાચાલી કરી હતી. તેમ છતાં મારો ઘરસંસાર ન બગડે તે માટે હિંદુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મને પિયરથી આપેલ દાગીના અને કપડા લેતા તથા ચીજવસ્તુઓ લઇ હું મારા પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા માટે ગઈ હતી.
દુબઈ લઈ જવા માટે પત્ની પાસે રૂપિયા માગ્યા
વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન પહેલાના બે વર્ષથી મારા પતિ દુબઇ ખાતે નોકરી કરતા હોવાથી લગ્નના એકાદ અઠવાડિયા બાદ દુબઈ ખાતે જતા રહ્યા હતા. હુ મારા સાસુ, સસરા સાથે વલસાડ ખાતે રહેતી હતી. સાસુ સંભળાવતા કે, તારા કરતા બીજી છોકરી સાથે નક્કી કર્યું હોત તો સારું હતું. તે ગોરી હતી, તેમ કહી મને ટોર્ચર કરતા. જ્યારે સસરા મને કહેતા કે, તારા આ ઘરમાં આવવાથી કઇ સારુ થયું નથી. મને આજુબાજુ કોઇના ઘરે જવા ન દેતા અને કોઇ સાથે વાત પણ કરવા દેતા નહીં. મને મારા પતિએ ફેબ્રુઆરી-2022માં દુબઇ ખાતે બોલાવી તે સમયે પણ મારા પતિએ મારી પાસે રૂપિયા 15000 માંગ્યા હતા. જેથી મારા પિતા પાસેથી લઇને આપ્યાહતા.
દંબઈમાં 12-12 કલાકની નોકરી કરાવી
દુબઈ બોલાવ્યા બાદ નોકરીને લઇને બોલ્યા કરતા અને મને ત્યાં વાપરવા પૈસા પણ આપતા નહીં. હું દુબઇમાં 12 કલાકની જવેલર્સમાં નોકરી કરતી હતી, અને મારા પતિ તેમના ઘરની કોઈ પણ વાત મને કરતા નહીં. ત્યારબાદ એપ્રિલ 2022માં મારા સસરાની તિબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેથી મારા પતિ અને હું દુબઇ ખાતેથી વલસાડ આવ્યા હતા. દરમિયાન મને મારા પતિથી પ્રેગનેન્સી રહેલ, જે બાબતે ઘરમાં બધાને વાત કરતા ઘરમાં કોઇને ખુશી ન હતુ. અને મારા સસરા મને કહેતા કે, હવે તું કે નોકરો કરવાની, એટલી બધી શું ઉતાવળ હતી, પાંચ વર્ષ કાઢી નાખવા જોઇએ ને તેમ કહી મને માનસિક ત્રાસ આપતા હતા.
મિસકેરેજ થયા બાદ ભૂવા પાસે લઈ ગયા
મારા સાસુ પણ મને કહેતા કે, દીકરો જ આવવો જોઇએ અને મારા શ્યામ જેવો ગોરો જ આવવો જોઇએ તેમ કહેતા હતા. પ્રેગનેન્સીના બે માસમાં હું ડિપ્રેશનમાં આવી જતા મિસકેરેજ થઈ ગયું હતુ. જે બાબતે મારા પતિ, સાસુ, નણંદ ખુશ થયા હતા. હું મારા પતિ સાથે મહાલક્ષ્મી મંદિર ગયા હતા ત્યારે હું નોનવેજ ખાતી ન હતી તેમ છતા પણ મને નોનવેજ અને ડ્રિન્ક પીવડાવ્યું હતું. ત્યારબાદ મારા પતિ ભગતભૂવા પાસે લઇ ગયા હતા. જેથી આવી જગ્યાએ પહેલી વખત ગયેલ હોય જેથી હું ડરી ગઈ હતી અને મારા પતિને કહ્યું હતું કે, મને બીજી વખત આ જગ્યાએ નહીં લઇ આવતા.
બીજીવાર ભૂવા પાસે લઈ જતા કહેતા પતિએ માર માર્યો
દમણ જવાનું હોવાનું કહી મને તેઓની સાથે લઇ ગયેલા, અને મારા સાસુ અને નણંદ આવ્યા હતા. ત્યાં ગયા બાદ મારા સાસુ મને જબરજરતી લઇ ગયેલા, જેથી પરત ઘરે આવી મારા પતિને કહ્યું કે, મારે આવવું ન હતું તેમ છતાં મમ્મી મને જબરજસ્તી કેમ લઇ ગયેલા હતા. જેથી મારા પતિએ મને માર માર્યો હતો. ત્યારબાદ કહ્યું કે કેમ માર માર્યો તો મને કહ્યું કે, હજુ મારીશ, તારા દાંત તોડી નાખીશ તારે જ્યાં ફરીયાદ કરવી હોય ત્યાં કરે તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. મારા સાસુ-સસરા, નણંદ પણ મારા રૂમમાં આવી અને તેઓ મને મારી સાથે ઝઘડો કરવા લાગ્યા અને મારા સાસુ મને કહેતા કે, મારા છોકરા પાછળ બોવ લાઈન વાગી છે, અમને કંઈ ફરક નહીં પડે. જે સહન કરવાનું તે તારે જ કરવાનુ છે, જો જવાની હોય તો ચાલવા માંડ અને ભૂલી જજે કે મારો દીકરો તને લેવા માટે આવે, તું કંઈ કરોડપતિના ત્યાંની કંઇ રૂપસુંદરી નથી.
ઝઘડો કરીને પત્નીને ઘરની બહાર કાઢી મૂકી ને પતિ દુબઈ જતો રહ્યો
મારા નણંદ પણ મને કહેતી કે, અનાથ આશ્રમમાંથી છોકરો શોધી લગ્ન કરી લે, મારા ભાઇની રાહ જોતી નહીં તેમ કહી મને ગાળો આપી હતી. મારા ભાઇને કંઈ થશે તો તમને જીવતા છોડીશ નહીં કહી ધમકી આપી હતી. મને કહેતા કે, તારા ઘરના કોઈ પણ વ્યક્તિ અહીં જોઈએ નહીં અને આવશે તો હું ધક્કો મારીને બહાર કાઢીશ અને મને મારા ઘરે પણ જવા દેતા નહીં. ત્યારબાદ બોલાચાલી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ બીજા દિવસે મારા પતિને તેડવા માટે કહ્યું પરંતુ તેડવા માટે આવ્યા નહીં અને દુબઇ જતા રહ્યા હતા.. ત્યારબાદ સમાધાન માટે ઘણા પ્રયત્ન કરેલ પરંતુ તેઓ મને તેડવા માટે આવેલ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.