બેલદારના આપઘાતનો ભેદ ખુલ્યો:પ્રેમી સાથે અંગત પળો માણતો વીડિયો જોઈ લેતાં પત્નીએ પતિને ધમકાવ્યો હતો, પત્ની સહિત 4 સામે ગુનો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્નીના અનૈતિક સંબંધની જાણ પરિવારને પણ કરી હતી

પતિએ પત્નીનો પ્રેમી સાથે અંગત પળોનો વિડીયો અને ફોટો પત્નીના મોબાઇલમાં જોઇ લેતા ઝઘડો થયો હતો. જેમાં પત્નીએ પતિને જ માર માર્યો ઉપરથી પત્નીએ ધમકી આપી કે તુ મારા પ્રેમીને ઓળખતો નથી, તેને જાણ કરીશ તો તારૂ પુરૂ કરી દેશે, પછી પત્નીના પ્રેમીએ પણ પતિને ધમકી આપી હતી. જેના પગલે પતિ દિપક સોલંકી(38)એ પત્નીના અનૈતિક સંબધોના કારણે 13મી એપ્રિલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ પાલિકામાં બેલદાર તરીકે નોકરી કરતો હતો અને રાંદેરમાં ઉગત કેનાલ રોડ પર પાલિકાના આવાસમાં રહેતો હતો. આ ઘટનામાં અઢી મહિના પછી મૃતકના ભાઈ પ્રતિક સોલંકીએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે.

જેના આધારે પોલીસે મૃતકની પત્ની નયના દિપક સોલંકી, સસરા ઉકા સવજી બારૈયા, સાસુ નિમુ ઉકા બારૈયા(ત્રણેય રહે, ભગવાનનગર સોસા, સિંગણપોર) અને અજાણ્યા સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે. મૃતકના ભાઇએ આપેલી પોલીસ ફરિયાદ મુજબ મૃતક દિપકે પોતાની પત્નીના અનૈતિક સંબંધો મામલે પોતાના પરિવારને પણ જણાવ્યું હતું. પોતાની અંગત પળોના વિડીયો વિશે પતિને ખબર પડી જતાં પત્નીએ તે વિડિયો ડીલીટ કરી નાખ્યો હતો.

જો કે દિપકે તેના ફોનમાં ફોટા લઈ લીધા હતા. પછી દિપકે પત્નીને પૂછતાં તે મારામારી કરવા લાગી અને મારો ફોન તારે અડકવો નહિ, તું મારા પ્રેમીને ઓળખતો નથી, તે તારૂ પુરુ કરી દેશે, પછી પત્નીએ વોટસએપ કોલ કરી પ્રેમી સાથે પતિને વાત કરાવી હતી. પ્રેમીએ મહિલાના પતિને કહયું કે તારાથી કશું થતુ નથી,હું તેણીનેે છોડવાનો નથી, એમ કહી પ્રેમીએ ધમકી આપી હતી.

સાસુ-સસરા બોલ્યા, આવું તો ચાલ્યા કરે
સાસુ-સસરાને દીકરીની કરતૂત બાબતે ફોન પર જમાઈએ વાત કરી હતી. જેમાં સાસુ-સસરાએ કહયું કે આવુ તો ચાલ્યા કરે એમાં નવુ શું છે, તુ ઢીલો છો તો નયના શું કરે છાનોમાનો પડી રહે તેવો જવાબ આપ્યો હતો. મૃતક દિપક સોલંકીના ભાઇ પ્રતિક સોલંકીએ આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ 26મી માર્ચના દિવસે મૃતક દિપક સોલંકીનો મોટો ભાઈ હોસ્પિટલમાં એડમિટ હતો તે વખતે દિપક સોલંકી ત્યાં આવી રડવા લાગ્યો હતો અને પછી પરિવારજનોને વાત કરી કે મારી પત્ની અજાણ્યા પુરુષ સાથે અનૈતિક સંબધો છે અને તે પુરુષ સાથે મે મારી પત્નીના મોબાઇલમાં મારા ઘરમાં મારા બેડ પર અંગત પળો માણતો વિડીયો જોયો છે.