22 વર્ષના લગ્નગાળા બાદ પત્નીએ પતિ પર ચારિત્ર્ય સંબંધિત આરોપ લગાવી ઘરેલું કંકાશનો કેસ ફેમિલી કોર્ટમાં કર્યો હતો અને છુટાછેડા માટે 1 કરોડ માંગવાની સાથે 30 હજારની ખાધાખોરાકી પણ માંગી હતી. જો કે, પતિએ કોર્ટમાં સાબિત કરી આપ્યું કે પત્નીને ખાધાખોરાકીની જરૂર નથી. તે એક પેઢી ચલાવીને લાખ્ખોનું ટર્નઓવર કરે છે. દલીલો માન્ય રાખી કોર્ટે માત્ર સંતાનોના કેસમાં ભરણપોષણની રકમ મંજૂર કરી હતી. પતિ તરફે એડવોકેટ નહેલ મહેતા અને ચારમી સાદડીવાલાએ દલીલો કરી હતી.
નાનપુરા રહેતા દંપતીના લગ્ન વર્ષ 2000માં થયા હતા. લગ્ન બાદ દંપતીને બે સંતાનો અવતર્યા હતા. પતિ સરકારી જોબ કરતા હોય રૂપિયાની કોઈ કમી ન હતી. પત્ની પણ એક પેઢી ચલાવીને કમાતી હતી. આ વ્યવસાય લિફ્ટના ઉત્પાદન સાથે સંકળાયેલો હતો. જો કે, પત્નીનો પતિ સાથે નાની-નાની વાતે સતત ઝઘડો થતો રહેતો હતો. પતિની દલીલ મુજબ પત્ની મનીમાઇન્ડેડ હતી. બાળકોનું ધ્યાન પણ રાખતી ન હતી. દરમિયાન સતત ઝઘડા વચ્ચે પત્ની બંને બાળકો સાથે પિયર રહેવા જતી રહી હતી.
બાળકોના ખર્ચ માટેના 8 હજાર મંજૂર કરાયા
ફેમિલી કોર્ટમાં આવેલા આ કેસમાં પત્નીએ બાળકોના ખર્ચ માટે જે ખોરાકી માંગી હતી તેમાં કોર્ટના આદેશ મુજબ રૂપિયા આઠ હજાર મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે પત્નીની રૂપિયા 30 હજારની ખાધાખોરાકીની અરજી નામંજૂર કરવામાં આવી હતી. કોર્ટમાં પતિ તરફે દલીલ કરવામાં આવી હતી કે પત્નીનો લિફ્ટ ઉત્પાદનનો વ્યવસાય છે. તેના નામે એકાઉન્ટ્સ પણ છે અને તે આઇટી રિટર્ન પણ ભરે છે. પતિના વકીલે કહ્યું કે, મૈખિક રીતે રૂપિયા એક કરોડની માંગણી કરવામાં આવી હતી.
પત્નીની અરજી મુજબ પતિનું અફેર ચાલે છે
પત્નીની જે અરજી હતી તે મુજબ લિફ્ટનો ધંધો પણ પતિનો હતો. પતિ રાત્રે કોઈ રશિયન યુવતી સાથે ચેટિંગ કરતો, બિભત્સ ફોટો પણ મોકલતો અને સતત પિયરમાંથી રૂપિયા લાવવાની માગણી કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.