તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલે ભાંડો ફોડ્યો:સુરતમાં પત્ની પિયરે જઈ માતાના ફોનથી રાત્રે 3 વાગ્યે બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરતી; પતિએ જાસૂસી કરી પકડી પાડી, આખરે છૂટાછેડા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોબાઇલ નહીં વાપરવાની કોર્ટમાં બાંયધરી આપ્યા બાદ પણ કોઈ ફરક ન પડ્યો

મોબાઇલનું વળગણ અનેક દામ્પત્યજીવનને વેર વિખેર કરી રહ્યું છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો, જ્યાં પત્નીએ મોબાઇલ ન વાપરવાની કોર્ટમાં બાંયધરી આપ્યા બાદ પિયર જઇને પોતાની માતાના ફોન પર મધરાત સુધી ચેટિંગ કરતી હતી. આ વાત પતિના ધ્યાને આવતા તેણે જાસૂસી કરાવી પત્નીને રંગેહાથે ઝડપી પાડી હતી. બાદમાં છૂટાછેડા આપી દીધા હતા. અલબત્ત, આ કેસમાં લગ્નેત્તર સંબંધ પણ દામ્પત્યજીવન પર ભારે પડ્યા હતા. જોકે, તેની બોયફ્રેન્ડ સાથે મુલાકાત પણ ફોન મારફત જ થઈ હતી.

પતિએ પિયર મોકલી તો ભરણપોષણનો કેસ કરી દીધો
કોટ વિસ્તારમાં રહેતા સના અને સમીન (નામ બદલ્યું છે)ના લગ્ન 2015માં થયા હતા. લગ્નજીવન સારી રીતે વિતી રહ્યું હતું. બાદમાં આ જ વિસ્તારના એક યુવક સાથે તેની ચેટિંગ શરૂ થઈ, બંને મળતા થયા. જો કે, પત્ની આખો દિવસ મોબાઇલ વાપરતી હોવાથી પતિને શંકા ગઈ હતી. સમયસર જમવાનું પણ મળતું ન હોવાથી ઝઘડા વધતા ગયા. આખરે પતિએ પિયર મોકલી આપી તો પત્નીએ ભરણપોષણનો કેસ કરી દીધો. પતિ તરફે વકીલ અશ્વિન જોગડિયાએ દલીલો કરી હતી. સમજાવટ બાદ પત્નીએ મોબાઇલ નહીં રાખે એવી ફેબ્રુઆરીમાં કોર્ટમાં બાંયધરી પણ આપી હતી.

મધરાતે સાસુને ઓનલાઇન જોઈ જમાઈ ચોંકી ઊઠ્યો
અરજદાર પતિની સાસુ નજીકમાં જ રહેતી હોવાથી સના થોડા-થોડા દિવસે પિયર જતી હતી. આ દરમિયાન એક દિવસ પતિએ સાસુને મધરાતે 3 વાગ્યે ઓનલાઇન જોઇ હતી. આથી શંકા જતાં જાસૂસી ઉપકરણ મારફત સાસુની ચેટિંગ કઢાવી તો પત્નીનું ભોપાળું ખૂલ્યું હતું. સમજાવ્યા છતાં પત્ની નહીં માનતા આખરે છૂટાછેડા થઈ ગયા હતા.

બીજા એક કિસ્સામાં: 3 વર્ષની મૂંગી બાળકીએ માતા-પિતાને એક કર્યા
છૂટાછેડા સુધી પહોંચેલું એક યુવા દંપતી આખરે એક થયું હતું, જેમાં 3 વર્ષની દિવ્યાંગ બાળકીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. પત્ની તરફે પ્રીતિ જોષી હાજર રહ્યા હતા. સુરતની અમીતાના લગ્ન રાજસ્થાનના રમેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. દોઢ વર્ષ બાદ પુત્રી જન્મી હતી. જો કે, તે બોલી શકતી ન હતી. દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડાં વધતા વાત છૂટાછેડા સુધી પહોંચી હતી. જો કે, ફેમિલી કોર્ટમાં સમાધાન દરમિયાન દંપતી પુત્રીને જોઇને પિગળી ગયું અને તેના ભવિષ્ય માટે એક થવા બંને રાજી થઇ ગયા હતા.