પત્નીએ જ ઘડ્યો પતિની હત્યાનો પ્લાન:સુરતમાં પરિણીતાએ પતિ પર કરાવ્યો જીવલેણ હુમલો, પ્રેમીને મધ રાત્રે બોલાવી છાતીમાં ચપ્પાના ઘા માર્યા

સુરતએક મહિનો પહેલા

સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. એમાં પત્નીએ જ પોતાના પતિની હત્યા માટેનો પ્લાન બનાવ્યો હતો. પત્નીએ પ્રેમીને દાહોદથી સુરત બોલાવ્યો હતો અને પ્રેમમાં અડચણરૂપ બનેલા પતિની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. એને લઇ રાત્રિ દરમિયાન પતિ ફૂટપાથ પર નિદ્રા માણી રહ્યો હતો. ત્યારે પ્રેમીએ આવી પતિના છાતીમાં ચપ્પુ મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પતિ સિવિલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ પણ કરી લીધી છે.

શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો
ગત 28 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ડિંડોલી સણિયા કણદે ગામ પાસે આવેલ આત્મીય સંસ્કારધામ સંકુલની બાંધકામ સાઈટમાં કામ કરતા શ્રમજીવી ખુમાનભાઈ મંગાભાઈ ભૂરિયા પોતાની પત્ની તથા બાળકી સાથે પતરાંના શેડમાં સૂતાં હતાં. એ વખતે ધાબળો ઓઢીને આવેલા એક અજાણ્યા ઇસમે ખુમાનભાઈ ઉપર ચપ્પુથી છાતીના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. આ દરમિયાન આજુબાજુ પતરાંના શેડમાં રહેતા શ્રમજીવી મજૂરો જાગી ગયા હતા અને ખુમાનભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. આ સમગ્ર મામલે ખુમાનભાઈની પત્ની ગીતાબેન દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ ફરિયાદ આપી હતી. પોલીસે હુમલો કરનાર સામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી હતી.

પત્નીએ બનાવ્યો પતિની હત્યાનો પ્લાન
ઘટનાની જાણ થતાં જ પોલીસ આ બાબતે સકર્તાથી અને ગંભીરતાથી કામગીરી કરી રહી હતી. એને લઇ સુરતની ડિંડોલી પોલીસે શ્રમજીવી યુવક પર હુમલો થયો ત્યારે તેની આસપાસ રહેતા અન્ય શ્રમજીવી લોકોની પણ કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યાર બાદ ઘટના અંગે પોલીસે ખુમાનભાઈની પત્ની ગીતાબેનની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. એમાં તેની પત્નીના જવાબો પર પોલીસને શંકા જતાં તેની ઊલટતપાસ કરી હતી, જેમાં તે ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે તેના પતિની હત્યા કરવા માટેનો પ્લાન તેણે બનાવ્યો હતો.

પ્રેમીને પામવા બનાવ્યો હતો હત્યાનો પ્લાન
પોલીસની કડક અને ઊલટ પૂછપરછમાં ભાંગી પડેલી અને ગુનાની કબૂલાત કરતાં પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે પતિના ગામના કૌટુંબિક ભાઈ લાલા ભૂરિયા સાથે છેલ્લાં પાંચેક વર્ષથી પ્રેમસંબંધ છે. કોરોના લોકડાઉન વખતે પ્રેમી લાલા ભૂરિયા તથા ગીતા ભૂરિયા તેમજ પતિ સુરત શહેરમાં અલગ અલગ બાંધકામ સાઈટ પર સાથે મજૂરીકામ કરતાં હતાં. અમારા બંનેના પ્રેમસંબંધ વિશે મારા પતિને ખબર પડી ગઈ હતી. એને લઇ તેમના ગામ બિલવાણ ખાતે તેમના પતિ ખુમાન ભૂરિયા અને પ્રેમી લાલા ભૂરિયા સાથે ગત રક્ષાબંધન વખતે તેમના પ્રેમસંબંધને લઈને ઝઘડો થયો હતો. ત્યાર બાદ તેઓ પોતાના પતિ, બાળકી સાથે સુરત આવી ગયા હતા અને ડિંડોલીમાં સણિયા કણદે ખાતે આવેલા આત્મીય સંસ્કારધામ સંકુલ બાંધકામ સાઈટ પર મજૂરીકામ કરતા હતા. દરમિયાન ગીતાબેને ફોન કરીને પોતાના પ્રેમી લાલા ભૂરિયાને દાહોદથી સુરત બોલાવી લીધો હતો અને તેમના પ્રેમમાં અડચણરૂપ પતિનો કાંટો કાઢી નાખવા માટે જણાવ્યું હતું.

પ્રેમીએ રાત્રે ઊંઘમાં ચપ્પુના ઘા ઝીંકી ફરાર
પતિની હત્યાનો પ્લાન બનાવ્યા બાદ પત્નીનો પ્રેમી લાલા ભૂરિયા સુરત આવી ગયો હતો. સુરતમાં આવી તે બે દિવસ રોકાયો હતો. આ દરમિયાન તેનો પિતરાઈ ભાઈ સૂઈ જાય ત્યારે તેને ઊંઘમાં જ હત્યા કરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. એને અંજામ આપવા ગત તા. 28 ડિસેમ્બરના રોજ મધરાત્રિએ પ્રેમી ધાબળો ઓઢીને આવીને બાંધકામ સાઈટની બાજુમાં પતરાંના શેડમાં સૂતેલા ખુમાન ભૂરિયાના છાતીના ભાગે ચપ્પુનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયો હતો.

પોલીસે બંને આરોપીની કરી ધરપકડ
પોલીસને ઘટનાની સમગ્ર હકીકત વિશે જાણકારી મળી ગયા બાદ સૌપ્રથમ તેના પતિને મારવાના કાવતરા બદલ પત્ની ગીતા ભૂરિયાની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેના પ્રેમીની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે મહિલાનો પ્રેમી અને ભોગ બનનારનો પિતરાઈ ભાઈ લાલા ભૂરિયાની પણ ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...