તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ:જેનું આધારકાર્ડ છે તેને એની ખબર જ નથી અને બેન્કે ખાતું ખોલી નાખ્યું, લાખોની લોન આપવા તૈયાર

સુરત6 મહિનો પહેલાલેખક: અનુપ મિશ્રા
  • કૉપી લિંક
આવી લોન આપતી સોશિયલ સાઇટ્સ પર અઢળક જાહેરાતો છે. - Divya Bhaskar
આવી લોન આપતી સોશિયલ સાઇટ્સ પર અઢળક જાહેરાતો છે.
  • તમારું આધારકાર્ડ ખોટા હાથોમાં ગયું તો ઘણું જોખમ ઊભું થઈ શકે છે, ગુજરાતમાં મોટી ગેંગ સક્રિય
  • ભાસ્કરે ખાતું ખોલાવ્યું, ફાઇનાન્સ કંપનીઓ લોન આપવા પાછળ પડી
  • એજન્ટ બધું જ ફોન પર જ નક્કી કરી રહ્યા છે, કહ્યું - પણ એક કામ કરવું પડશે કે મોબાઇલ પર જે ઓટીપી આવશે એ આપવો પડશે, બાકી કામ થઈ જશે

તમારા દસ્તાવેજ ભૂલથી કોઈના હાથમાં આવી જાય તો તે કેટલું ખતરનાક સાબિત થઇ શકે એનો તમે અંદાજ પણ ન લગાવી શકો. તમારા નામથી ફેક અકાઉન્ટ ખૂલી શકે છે અને પછી એ એકાઉન્ટના આધારે લોન પણ લઇ શકાય છે. એ અકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન થાય તો તમે આવકવેરા વિભાગના રડાર પર પણ આવી શકો છો.

દિવ્ય ભાસ્કરે આવા ફેક અકાઉન્ટ ખોલનારા વિવિધ બેન્કોના એજન્ટ અને ફાઇનાન્સ કંપનીઓના પ્રતિનિધિઓનું સ્ટિંગ કર્યું તો તેઓ બહુ સરળતાથી અકાઉન્ટ ખોલવા રાજી થઇ ગયા. લોન આપવા પણ તૈયાર થઇ ગયા. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ એજન્ટો કોઇ વેરિફિકેશન વિના ગમે તેના આધારકાર્ડ કે પાનકાર્ડ સાથે આ ખેલ કરી રહ્યા છે. બેન્કો પણ ચકાસણી કર્યા વિના બસ વધુ ને વધુ ગ્રાહકો બનાવવાના ચક્કરમાં આવા એજન્ટો મારફત ધડાધડ બેન્ક અકાઉન્ટ ખોલી રહી છે. ફાઇનાન્સ કંપનીઓના એજન્ટો પણ જે-તે વ્યક્તિના વેરિફિકેશન વિના લોન આપવા તૈયાર થઇ ગયા. આ ખેલમાં બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ બોગસ મોબાઇલ નંબર પર ઓટીપી લઇને સમગ્ર પ્રક્રિયાને અંજામ આપે છે, જ્યારે પ્રક્રિયા એ છે કે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ ફિઝિકલી વેરિફિકેશન વિના બેન્ક અકાઉન્ટ ન ખોલી શકે અને લોન પણ ન આપી શકે.

સુરતમાં એવા ઘણા બનાવ બન્યા છે, જેમાં આરોપીઓએ બીજાના આધારકાર્ડનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં જઇને લોન લઇ લીધી હોય. પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદ મુજબ, આરોપીએ આધારકાર્ડ પર ઇલેક્ટ્રોનિક્સની ઘણી વસ્તુઓ લીધી. લોનના હપતા ન ભરતાં કંપનીએ નોટિસ પાઠવી ત્યારે આ છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો.

વ્યક્તિ નહીં હોય તોપણ ચાલશે, પણ મો. નંબર બેન્ક સાથે લિન્ક હોવો જોઈએ, કેમ કે OTP એના પર જ આવશે રિપોર્ટર : હેલો, મારે મારા કારીગરનું બેન્ક ખાતું ખોલાવવું છે. એજન્ટ : ઠીક છે, પણ સંબંધિત વ્યક્તિએ બેન્કમાં આવવું પડશે, દસ્તાવેજ પણ જોઈશે. રિપોર્ટર : દસ્તાવેજ તો મળી જશે, પણ વ્યક્તિ નહીં આવી શકે. એજન્ટ : ના એવું શક્ય નથી, તેના વિના ખાતું નહીં ખૂલી શકે. રિપોર્ટર : સૉરી, તે નહીં આવી શકે, કોઈ મદદ કરી શકતા હોવ તો કરો. એજન્ટ : ઠીક છે, આધારકાર્ડનો ઓટીપી મોકલી આપજો, હું કરાવી આપીશ, પણ એટીએમ, ચેકબુક ઘરે મગાવવા 180 રૂપિયા આપવા પડશે. રિપોર્ટર : ઠીક છે, ચાલશે. એજન્ટ : તમે વ્હોટ્સએપ પર તમામ દસ્તાવેજ મોકલી આપો, હું જોઈ લઈશ. રિપોર્ટર : ઠીક છે, હું મોકલી આપીશ. એજન્ટ : પણ તેનો મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી આપવાં પડશે. રિપોર્ટર : મોબા. અને ઈ-મેલ આઈડી અમારું જ આપી દો. એજન્ટ : કોઈ વાત નહીં, ચાલશે. પણ કોઈને કહેતા નહીં અને બેન્કથી ફોન આવે તો તમે વાત કરી લેજો. રિપોર્ટર : ઠીક છે, હું જોઈ લઈશ. એજન્ટ : તો ઠીક છે બેન્ક ખાતું 10 મિનિટમાં ખૂલી જશે. રિપોર્ટર : એટીએમ-ચેકબુક માટે શું કરવું પડશે? એજન્ટ : નજીકની કોટક મહેન્દ્રા બેન્કની બ્રાન્ચમાં જઇને તમારા કરન્ટ રેસિડેન્શિયલ દસ્તાવેજ આપવા પડશે અને ચેકબુક અને એટીએમ તમારા સરનામા પર જ આવશે.

નોંધ : અમે બેન્ક ખાતું પહેલાંથી જ ખોલાવ્યું હતું, જેમાં અમારો મોબાઈલ નંબર છે, એટલે પૈસા તેમાં જ આવશે. આવું ખાતું નહીં હોય તો લોન નહીં મળે પણ ખરીદી કરી શકાય છે.

બસ, આધારકાર્ડ આપી દો, 2 લાખ સુધીની લોન આપી દઈશું, તમને પણ કમિશન મળી જશે રિપોર્ટર : હેલો, મને લોન જોઈએ છે, મળશે? એજન્ટ : હા, કેટલાની લોનની જરૂર છે? રિપોર્ટર : વધારે નહીં. એજન્ટ : ઠીક છે, પણ આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક સ્ટેટમેન્ટ અને એડ્રેસ પ્રૂફ જોઈએ. રિપોર્ટર : પાન અને આધારકાર્ડ તો મળી જશે, પણ બાકી દસ્તાવેજ નથી, કેમ કે જેને લોન લેવી છે, તેનું અકાઉન્ટ નથી. એજન્ટ : તેના વિના લોન મુશ્કેલ છે. રિપોર્ટર : કોઈ વાત નહીં. મારો એક મિત્ર કરાવી આપે છે, એટલા માટે મને લાગ્યું કે તમે પણ કરાવી આપશો. એજન્ટ : થોડોક રોકાઈને! તમે પણ આ કામ કર્યું છે, તમને તો ખબર જ હશે. રિપોર્ટર : હા, પણ હાલમાં તમે ના પાડી રહ્યા હતા એટલે દબાણ નથી કરી રહ્યો. એજન્ટ : એવું નથી, જે છે એ કહી રહ્યો છું. રિપોર્ટર : તો તમને કમિશન જોઈતું હોય તો કહી દો, હું બીજાને આપતો હતો. એજન્ટ : ઠીક છે, ચાલો થઈ જશે. રિપોર્ટર : તો આધારકાર્ડ પર કામ થઈ જશે કે શું? એજન્ટ : હા, થઈ જશે, પણ પાનકાર્ડ પણ જોઈએ. વ્યક્તિ નહીં હોય તોપણ ચાલશે. ફક્ત બેન્કમાંથી જે મોબાઈલ નંબર લિન્ક છે એના પર એક ઓટીપી આવશે, જે આપવો પડશે. રિપોર્ટર : ઠીક છે તો તેને કેટલું જણાવું કમિશન? એજન્ટ : તમને જોઈએ તો એમાંથી 2 હજાર, જો ના તો 1 હજાર મને આપી દેજો. રિપોર્ટર : ઠીક છે. લોન કેટલી થશે. નોંધ : એજન્ટે અનેકવાર પુરાવા માગ્યા, પણ જરૂર ન હોવાથી લોન ન લીધી. ઉલ્લેખનીય છે કે તમામ એજન્ટ બેન્કના કર્મચારી નથી, પણ ફાઈનાન્સ કંપની સાથે જોડાયેલા છે.

આ કેટલું ખતરનાક છે એ બે કેસથી સમજો
કેસ-1:
સુરતના સહરા દરવાજાની રહેવાસી લલિતા સંજય ચૌબેએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેનું આઇડીબીઆઇ બેન્કમાં ખાતું ખોલીને તેના દ્વારા કરોડો રૂ.ના ટ્રાન્ઝેક્શન કરાયા. જે બ્રાન્ચમાં ખાતું છે ત્યાં તે ક્યારેય ગઇ નથી કે તેમણે ત્યાં ખાતું પણ નથી ખોલાવ્યું.
કેસ-2: સચિનમાં સતીશ શર્મા નામની વ્યક્તિ સહિત કુલ 14 લોકોનાં બેન્ક અકાઉન્ટ ખોલી દેવાયાં હતાં. જેમનાં નામના અકાઉન્ટ હતાં તેમની જાણ બહાર કરોડોના ટ્રાન્ઝેક્શન થયા. જીએસટીએ ખાતાધારકને નોટિસ પાઠવતાં ઘટસ્ફોટ થયો. ફરિયાદી ચાની લારી ચલાવે છે.

...અને 10 મિનિટમાં બેન્ક અકાઉન્ટ ખૂલી ગયું
એજન્ટ સાથે વાત કર્યા બાદ તેણે બેન્ક અકાઉન્ટની બધી વિગતો અમને મોકલી દીધી, જેમાં નામ અમે જણાવેલી વ્યક્તિનું હતું, જેને એજન્ટ ક્યારેય મળ્યો પણ નહોતો કે ઓળખતો પણ નહોતો. એજન્ટે કહ્યું કે બીજા કોઇને અકાઉન્ટ ખોલાવવું હોય તોપણ કહેજો. બસ, મોબાઇલ નંબર બીજો જોઈશે.