• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Child Who Reached Every Mobile From The Viral Video Is From Surat, Learned To Speak Before Walking From The Age Of Eight Months

વાઈરલ થયેલા માસૂમનો પરિચય:'મને ટ્યૂશનમાં ન આવડે' ફેમ બાળક સુરતનો, આઠ મહિનાની ઉંમરથી ચાલતાં પહેલાં બોલતા શીખી ગયો હતો

સુરતએક મહિનો પહેલાલેખક: પંકજ રામાણી
વીડિયો વાઈરલ થતાં જાણીતો બની ગયેલા રામનો ઉછેર સંયુક્ત પરિવારમાં થાય છે.
  • ટ્યૂશન શિક્ષિકાએ બાળકનો વીડિયો બનાવી લેતાં વાઈરલ થયો હતો
  • બાળક તેની મીઠી વાણીને કારણે પરિવાર સહિતનાને આકર્ષિત કરી દે છે

'મને ટ્યૂશનમાં ન આવડે ઘરે જ આવડે'-રડતાં રડતાં બાળક દ્વારા બોલાયેલા શબ્દો સાથેનો વીડિયો થોડા દિવસો અગાઉ ભારે વાઈરલ થયો હતો. કાલીઘેલી ભાષામાં બાળક પોતાની વાત રજૂ કરતો વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોને ઘણા લોકોએ કોમેડીના સ્વરૂપમાં લીધો તો ઘણા લોકોએ આ વીડિયોને બાળકો સાથેના અત્યાચાર સાથે સરખાવ્યો હતો. જો કે, આ બાળક કોણ છે? ક્યાંનો છે.? તેનો પરિવાર કોણ છે? અને તેને શા માટે ટ્યુશનમાં મોકલવામાં આવતો હતો તે સહિતના સવાલો વીડિયો જોનાર દરેકને થતો હતો. ત્યારે દિવ્યભાસ્કરની તપાસમાં આ બાળક સુરતના કોસમાડા ગામમાં રહેતો સાડા ત્રણ વર્ષનો રામ નીરવભાઈ કેવડિયા હોવાનું સામે આવ્યું છે. બાળકના પિતાએ કહ્યું કે, સામાન્ય બાળકો કરતાં રામને જીભ વહેલી આવી ગઈ હતી. પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો.(આ બધી વાતચીત માતા-પિતાની સહમતિથી થઈ છે)

પંખે લટકાવવાની વાતનો અર્થ ખરાબ ન લો-પિતા
રામના પિતા નિરવભાઈએ જણાવ્યું હતું કે, બાળક વાઈરલ વીડિયોમાં જે પંખે લટકાવવાનું બોલે છે. તેનો અર્થ રૂઢિપ્રયોગ તરીકે લેવાની જરૂર છે. આપણે કોઈને કહીએ કે તમે મારૂં માથું ખાવ છો..મગજમાં રાઈ ભરાઈ ગઈ છે તો તેનો અર્થ તેવો નથી. અમારી કાઠિયાવાડી તળપદી ભાષામાં આવું બોલાતું હોય છે. દરેક માતા પિતા તેના બાળકને ઠપકો આપવા કંઈક કહેતા હોય છે. એમાં એ બાળક બોલી ગયો પરંતુ તેનો અર્થ ખરાબ લેવાની જરૂર નથી.

સ્પષ્ટ ઉચ્ચાર કરતો રામ પરિવારની સાથે સૌકોઈને આકર્ષિત કરે છે.
સ્પષ્ટ ઉચ્ચાર કરતો રામ પરિવારની સાથે સૌકોઈને આકર્ષિત કરે છે.

ત્રણેક દિવસથી ટ્યૂશન જતો હતો
રામના પિતા નીરવભાઈ કેવડીયાએ જણાવ્યું હતું કે, હું સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે ઘરે ક્યારેક કામ કરતાં કે લખતાં રામ જુએ તો તેને પણ તેમ કરવાનું મન થતું હતું. સાથે અન્ય બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી. પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે જ ટ્યુશન ચલાવતાં જીજ્ઞાશાબેન વાદીને ત્યાં ત્રણેક દિવસથી ટ્યુશનમાં મોકલ્યો હતો. પરંતુ તેની મીઠી વાણીને લઈને ત્યાં પણ વાતાવરણ હળવું બનાવી દીધું હતું. રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડતી હતી.

પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો
પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો

સંયુક્ત પરિવારમાં રહે છે
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે. દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે.

રામ દિવસભરનો સૌથી વધુ સમય પરિવાર સાથે વિતાવે છે.
રામ દિવસભરનો સૌથી વધુ સમય પરિવાર સાથે વિતાવે છે.

ગ્રાસ્પિંગ પાવર સારો છે
રામના દાદા વિઠ્ઠલભાઈએ કહ્યું કે, રામ મારી પાસે બહુ રહે છે. મારો લાડકો છે. વાર્તા સાંભળવાનો બહુ શોખીન છે. સવાલો બહુ કરે છે. અમે તેના સવાલોના જવાબ આપતા થાકી જઈએ એટલું પૂછે છે. જેવો જવાબ આપીએ કે તેને તે તરત જ યાદ રહી જાય છે. તેની યાદ શક્તિ પણ બહુ સારી છે. ચોખ્ખું બોલે છે. અમે તેને કહેતા નથી પરંતુ એ તેની જાતે જ શબ્દોની સારી રીતે ગોઠવણ કરી લેતો હોય છે. અમે ન કહ્યું હોય કે ન શીખવ્યું હોય તેવું પણ બોલતો હોય છે કે પૂછતો હોય છે. કહેવા કરતાં એ જોઈને અનુસરણ વધુ કરે છે.

રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડે છે.
રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડે છે.

સંયુક્ત પરિવારમાં ઉછેર
MBA વીથ ફાયનાન્સ કરનાર રામના માતા અસ્મિતાબેને જણાવ્યું હતું કે, હું એક મારા બાળકનું ઘડતર નથી કરતી, અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. રામના કાકા-કાકી, દાદા-દાદી બધા સાથે રહે છે. રામના ઘડતરમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો એ તેના દાદા-દાદીનો છે. તેના કારણે જ આજે તે આટલું સારૂં બોલી શકે છે.

રામ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા ત્રિકમ સહિતના સાધનોથી પણ રમતો જોવા મળે છે.
રામ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા ત્રિકમ સહિતના સાધનોથી પણ રમતો જોવા મળે છે.

ટ્યુશનમાં પણ લાડકો બની ગયો
રામનો વીડિયો બનાવનારા શિક્ષિકા જીજ્ઞાશા વાદીએ કહ્યું કે, મારી પાસે ઘણા બાળકો ટ્યુશન માટે આવતાં હોય છે. પરંતુ રામ તેમાંથી સૌથી જુદો છે. તેને કોઈ પણ સવાલ પૂછો તેની પાસે જવાબ હાજર જ હોય. તેને લાંબુ વિચારવાની જરૂર પડતી નથી. જવાબ પણ કોઈએ ગોખાવેલા કે પઢાવેલા ન હોય તેના જવાબ પણ અનોખા હોય એટલે અમને પૂછવાનું પણ વધારે મન થાય. મારી પાસે ચારેક દિવસથી જ આવતો હતો પરંતુ મારી સહિત ટ્યુશનમાં આવતાં અન્ય બાળકોનો પણ રામ લાડકો બની ગયો છે.

દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે
દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે

રામ પર કોઈ ફોર્સ નથી કરાતો-પરિવાર
રામના પરિવારે કહ્યું કે, અમારો રામ હજુ ભણવા-ગણવા માટે બહુ નાનો છે. અમે તેના પર કોઈ જ ફોર્સ કરતાં નથી. આગળ પણ રામને જે ફિલ્ડમાં આગળ વધવું હશે તેમાં અમે કોઈ દખલગીરી કરવા માગીશું નહીં. તેની ઈચ્છા પ્રમાણેના ફિલ્ડમાં આગળ વધવા અને વિકસવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવશે તેમ પરિવારે વધુમાં જણાવ્યું હતું.

બાળક તેની કાલિઘેલી ભાષામાં જે બોલ્યો તેને નેગેટિવ અર્થમાં ન લો-પિતા
બાળક તેની કાલિઘેલી ભાષામાં જે બોલ્યો તેને નેગેટિવ અર્થમાં ન લો-પિતા