CCTV:સુરતમાં માણકી જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલા 1 લાખની સોનાની ચેઈન ચોરી ફરાર

સુરત4 મહિનો પહેલા
નજર ચૂકવીને મહિલાઓએ કરેલી સોનાના ચેઈનની ચોરી સીસીટીવીમાં કેદ.
  • માસ્ક પહેરીને આવેલી ત્રણ મહિલાઓએ સિફતપૂર્વક ચારી કરી

જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી મહિલાઓના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. મહદંશે મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ જતી જોવા મળે છે. સુરતના સરથાણા વિસ્તારમાં પણ એવી જ ઘટના સામે આવી છે. માણકી જ્વેલર્સની દુકાનમાં ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને પ્રવેશી હતી. સામાન્ય ગ્રાહકોની જેમ સોનાના દાગીનાઓ જોવાના શરૂ કર્યા હતા અને જોતા-જોતા સોનાની ચેઈન ચોરી લીધી હતી.

ગ્રાહકોના સ્વાંગમાં મહિલાઓએ ચોરી કરી.
ગ્રાહકોના સ્વાંગમાં મહિલાઓએ ચોરી કરી.

એક મહિલા સતત નજર રાખી રહી હતી
માણકી જ્વેલર્સમાં સેલ્સ ગર્લની નજર ચૂકવીને માસ્ક પહેરીને આવેલી ત્રણ મહિલાઓએ સિફતપૂર્વક અંદાજે રૂપિયા 1 લાખની સોનાની ચેઈન ચોરી લીધી હતી. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે ત્રણ મહિલાઓ પૈકી એક મહિલા સતત ગર્લ અને આસપાસના જે કસ્ટમર હતા તેના ઉપર નજર રાખી રહી હતી. આસપાસ ગ્રાહકોને અને સ્ટાફના માણસને જોતી રહેતી હતી. ત્રણ મહિલાઓ પૈકી વચ્ચે બેઠેલી મહિલાએ તેને હાથમાં દાગીના જોવા માટે આપ્યા હતા. તે દરમિયાન સેલ્સ ગર્લની નજર ચૂકવીને સોનાની ચેઈનની ચોરી કરી લીધી હતી.

એક મહિલા તમામ પર સતત નજર રાખી રહી હતી.
એક મહિલા તમામ પર સતત નજર રાખી રહી હતી.

સ્ટોક ચેક કરતા ચોરી થયાની જાણ થઈ
મહિલાઓએ દાગીના જોયા બાદ ખરીદી કર્યા વગર જ્વેલર્સની દુકાનેથી નીકળી ગયા હતા. માલિકે જ્યારે દાગીનાની ગણતરી કરી ત્યારે માલૂમ પડ્યું કે સ્ટોકમાં એક સોનાની ચેઈન ઓછી છે ત્યારબાદ તેમને શંકા ગઈ કે કસ્ટમરે ચોરી લીધી છે. ત્યારબાદ તેમણે પોતાની દુકાનમાં લાગેલા સીસીટીવી ચેક તપાસતા માલૂમ પડ્યું કે માસ્ક પહેરીને આવેલી ત્રણ મહિલાઓએ સોનાની ચેઈન ચોરી છે. માસ્ક પહેર્યા હોવાથી તેમની સ્પષ્ટ ઓળખ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સના માલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.