વ્યવસ્થાનો ધમધમાટ શરૂ:મતદાન કેન્દ્રોના 200 મીટરમાં સફેદ પટાની કામગીરી શરૂ કરાઇ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાન કેન્દ્રોમાં વીજળી,પંખા,પાણીની વ્યવસ્થા ચેક કરાઇ
  • પહેલી ડિસેમ્બરે થનારા મતદાનની વ્યવસ્થાનો ધમધમાટ શરૂ

ચૂંટણી પ્રક્રિયામાં આવરી લેવાયેલા સુરત પાલિકાના કર્મચારીઓને જવાબદારીઓ સોંપવાનું શરૂ કરાતાં બુધવારે શહેરના વિવિધ મતદાન મથકો પર પ્રાયમરી સુવિધા ઊભી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. મતદાનને હજુ બે અઠવાડીયાનો સમય બાકી છે ત્યાં નગર પ્રાથમિક શાળાઓ કે જે 1લી ડિસેમ્બરે મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર છે ત્યાં લાઇટ-પંખા અને પાણીની સુવિધાઓની ચકાસણી કરવા સ્થાનીક કાર્યપાલક ઇજનેરોને સૂચના અપાઇ હતી. પ્રત્યેક મતદાન મથકના 200 મીટર વિસ્તારમાં ચૂસ્ત આચાર સંહિતાનું પાલન થાય તે માટે પટ્ટા પાડવાની કામગીરી શરૂ કરાઇ હતી.

ચૂંટણી પંચે શહેરના વિવિધ મતદાન મથકો પર કડક બંદોબસ્ત વચ્ચે EVM પુરા પાડવાની કામગીરી શરૂ કરી છે. જિલ્લા વહીવટી વિભાગને સાથે રાખી વિવિધ બુથ વિસ્તારમાં નક્કી મતદાન મથકો પર મતદારોને સરળતા રહે તે પ્રકારે વ્યવસ્થાઓ ઊભી કરવાની પ્રક્રિયાની હાથ ઉપર લેવાઇ હતી. બુધવારે સુરત પાલિકાના અને ચૂંટણી પ્રક્રિયામાં વિશેષ જવાબદારીમાં નિયુક્ત કરાયેલાં કર્મીઓને પણ રૂપરેખાથી વાકેફ કરાયાં હતાં.

નગર પ્રાથમિક શાળાઓ કે જે મતદાન મથક તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર છે ત્યાં સૂચના બોર્ડ, મત કુટીર અને વધારાના ઇલેકટ્રીક કનેક્શન ઊભાં કરવાની કામગીરી મામલે પણ જવાબદારીઓ સોંપાઇ હતી. સ્થાનીક કાર્યપાલક ઇજનેરોને મતદાન મથકો પર લાઇટ-પંખા તથા પાણીની સુવિધા પહેલાંથી યોગ્ય ધોરણે નિભાવ કરી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. અનુસંધાને વિવિધ બુથ પર ચૂંટણીના બે અઠવાડિયા પહેલાંથી કામગીરીનો ધમધમાટ શરૂ થતાં કર્મીઓ સતત દોડતાં રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...